24 August, 2025 10:34 AM IST | Telangana | Gujarati Mid-day Correspondent
રેવંત રેડ્ડી
દેશના ૪૦ ટકા મુખ્ય પ્રધાનો સામે નોંધાયા છે ફોજદારી કેસ, ૩૩ ટકા મુખ્ય પ્રધાનો પર અપહરણ અને લાંચ જેવા ગંભીર આરોપો
રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોની કરમકુંડળી મતદારો સમક્ષ મૂકવા માટે જાણીતા અસોસિએશન ફૉર ડેમોક્રૅટિક રિફૉર્મ્સ (ADR) નામના સંગઠનના નવા રિપોર્ટ મુજબ દેશના ૩૦ મુખ્ય પ્રધાનોમાંથી ૧૨ એટલે કે ૪૦ ટકાએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે. તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ પોતાની વિરુદ્ધ સૌથી વધુ ૮૯ કેસ જાહેર કર્યા છે, જ્યારે તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને ૪૭ કેસ જાહેર કર્યા છે. આમાંથી ૧૦ એટલે કે ૩૩ ટકા મુખ્ય પ્રધાનોએ તેમની સામે નોંધાયેલા ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા છે; જેમાં હત્યાનો પ્રયાસ, અપહરણ, લાંચ અને ફોજદારી ધાકધમકી સંબંધિત કેસોનો સમાવેશ છે.
આ અહેવાલ એવા સમયે આવ્યા છે જ્યારે કેન્દ્ર સરકારે સંસદમાં ત્રણ બિલ રજૂ કર્યાં છે જેમાં વડા પ્રધાન, મુખ્ય પ્રધાનો અને પ્રધાનોને ગંભીર ફોજદારી આરોપોમાં ૩૦ દિવસ માટે કસ્ટડીમાં લેવામાં આવે તો તેઓ પદ માટે અયોગ્ય ગણાશે. ADRએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ વર્તમાન ૩૦ મુખ્ય પ્રધાનોનાં સોગંદનામાંનું વિશ્લેષણ કરીને આ અહેવાલ તૈયાર કર્યો છે. આ ડેટા ગઈ ચૂંટણી લડતાં પહેલાં દાખલ કરાયેલા સોગંદનામાંમાંથી લેવામાં આવ્યો છે.
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ ૧૯ કેસ, કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ ૧૩ કેસ અને ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને પાંચ કેસ જાહેર કર્યા છે. મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને સુખવિંદર સિંહ સુખુએ ચાર-ચાર કેસ, કેરલાના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને બે કેસ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને એક કેસ જાહેર કર્યો છે.
૯૩૧ કરોડથી વધુની સંપત્તિ સાથે ચંદ્રાબાબુ નાયડુ સૌથી અમીર અને ૧૫ લાખ રૂપિયાની સંપત્તિ સાથે મમતા બૅનરજી સૌથી ગરીબ મુખ્ય પ્રધાન
ADRના અહેવાલમાં ભારતની ૨૭ રાજ્ય વિધાનસભાઓ અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોના વર્તમાન મુખ્ય પ્રધાનોના વિશ્લેષણમાં ખુલાસો થયો છે કે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ ૯૩૧ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ સાથે દેશના સૌથી શ્રીમંત મુખ્ય પ્રધાન છે, જ્યારે અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુ ૩૩૨ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા નંબરે છે. સૌથી શ્રીમંત મુખ્ય પ્રધાનોની યાદીમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા ૫૧ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ત્રીજા નંબરે છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી પાસે ફક્ત ૧૫ લાખ રૂપિયાની સંપત્તિ છે અને તેઓ દેશમાં સૌથી ઓછી સંપત્તિ ધરાવતાં મુખ્ય પ્રધાન છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનોની સરેરાશ સંપત્તિ ૫૪.૪૨ કરોડ રૂપિયા છે. આ ૩૦ મુખ્ય પ્રધાનોમાંથી બે એટલે કે ૭ ટકા અબજોપતિ છે, જ્યારે ૩૦ મુખ્ય પ્રધાનોની કુલ સંપત્તિ ૧૬૩૨ કરોડ રૂપિયા છે.