10 March, 2026 03:52 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent
કોઈ તો રોકો, સાતમી વખત લગ્ન કરી રહ્યા છે મારા પપ્પા
ઉત્તર પ્રદેશના આઝમગઢ પાસેના એક ગામમાં બારમા ધોરણમાં ભણતા એક ટીનેજરે પોલીસમાં ફરિયાદ લખાવી છે. તેણે પિતા સાતમી વાર લગ્ન કરવા જઈ રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેણે પોલીસને વિનંતી કરી હતી કે પ્લીઝ, મારા પિતાજીને કોઈ રોકો. ટીનેજરના કહેવા મુજબ તેના પંચાવન વર્ષના પિતાએ અત્યાર સુધીમાં છ લગ્ન કર્યાં છે અને હવે તેઓ સાતમી પત્ની લાવવાની તૈયારીમાં છે. દીકરાના કહેવા મુજબ તેની મમ્મી પિતાની ત્રીજી પત્ની હતી. એ પહેલાં પણ તેમણે બે લગ્ન કર્યાં હતાં. પિતાએ છઠ્ઠાં લગ્ન ૨૦૨૪માં કર્યાં હતાં, પરંતુ થોડા દિવસ પછી છઠ્ઠી પત્નીએ જમીન પોતાના નામે કરવાની જીદ કરી હતી. પિતાએ જ્યારે તેની વાત ન માની તો તેણે પોતાના દાગીના પાછા માગ્યા અને તે ક્યાંક જતી રહી. હવે પિતા સાતમી વાર લગ્ન કરવા માટે કેટલાક લોકોના સંપર્કમાં છે. એ માટે તેમને લાલચ આપવામાં આવી છે અને બચેલી જમીન વેચવા માટે તેમણે પચાસ હજાર રૂપિયા ઍડ્વાન્સ પણ લઈ લીધા છે. પિતાએ અડધાથી વધુ જમીન ગીરવી રાખીને દેવું ચૂકવ્યું છે.
દીકરાએ ફરિયાદમાં કહ્યું હતું કે ‘હજી તો હું બારમા ધોરણમાં ભણું છું, પણ પિતાએ અમને જબરદસ્તી કમાવા માટે મોકલી દીધા છે. પિતાએ લીધેલું કરજ હું મહેનત-મજૂરી કરીને ચૂકવી રહ્યો છું અને તેઓ સાતમી વાર લગ્ન કરવા જઈ રહ્યા છે.’
પોલીસે આ ફરિયાદ પર કોઈ પગલાં લીધાં ન હોવાથી દીકરો આખરે ગામના મુખિયા પાસે ગયો છે. ગામના મુખિયાએ પોલીસને દીકરો સાચું કહી રહ્યો છે અને કંઈક કરવું જરૂરી છે એવી વિનંતી કરતાં થાણેના અધિકારીએ કહ્યું હતું કે અમે તેના પિતાને સમજાવવાની કોશિશ કરીશું.