અરવિંદ કેજરીવાલની પાર્ટીનું નામ જાહેર થતાં બન્યો વિવાદનો મુદ્દો

25 November, 2012 05:01 AM IST  | 

અરવિંદ કેજરીવાલની પાર્ટીનું નામ જાહેર થતાં બન્યો વિવાદનો મુદ્દો



ઍક્ટિવિસ્ટ અરવિંદ કેજરીવાલે ગઈ કાલે પોતે સ્થાપેલા નવા પક્ષનું નામ ‘આમ આદમી’ જાહેર કર્યું  છે. તેમની આ પાર્ટીનું નામ જાહેર થતાં જ વિવાદનો મુદ્દો બની ગયું છે, કારણ કે કૉન્ગ્રેસે આ નામ સામે વિરોધ જાહેર કર્યો છે અને દાવો કર્યો છે કે આ શબ્દ વર્ષોથી એના પક્ષના પ્રચારનો હિસ્સો છે. મળતી માહિતી પ્રમાણે પક્ષના સભ્યો મયંક ગાંધી અને ચંદ્રમોહનના સૂચનના આધારે પક્ષનું નામ ‘આમ આદમી’ રાખવામાં આવ્યું છે.

આ જાહેરાત પહેલાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ‘આ પાર્ટી દેશના રાજકારણીઓથી થાકી ગયેલા ભારતનાં સામાન્ય પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે છે. અમે આ પક્ષને ચલાવવા રાષ્ટ્રીય કારોબારીનું નિર્માણ કરીશું અને મહત્વના પચીસથી ત્રીસ મુદ્દાઓની ચર્ચા કરીશું.’

જોકે કૉન્ગ્રેસે આ નામ સામે વિરોધ જાહેર કર્યો છે અને દાવો કર્યો છે કે આ શબ્દ વર્ષોથી એના પક્ષના પ્રચારનો હિસ્સો છે. સૂચના અને પ્રસારણ મિનિસ્ટર મનીષ તિવારીએ આ વિરોધના કારણ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘૧૯૮૫થી આ સ્લોગન કૉન્ગ્રેસનો હિસ્સો બની રહ્યું છે. કોઈ વ્યક્તિ એને હાઇજૅક કરીને એની ગરિમા પોતાના નામે ન કરી શકે.’

જોકે અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ‘અમારો પક્ષ સામાન્ય લોકો માટે છે અને સ્વરાજ તથા પૂર્ણ આઝાદી માટે કટિબદ્ધ છે. હું ૨૬ નવેમ્બરે લોકોને દિલ્હીના જંતરમંતર ખાતે પક્ષના સત્તાવાર લૉન્ચ વખતે હાજરી આપવા માટે આમંત્રણ આપું છું. જે લોકો પક્ષના સભ્ય બનશે તેમને પાયાના સભ્યો તરીકે ગણવામાં આવશે.’