ટીમ અણ્ણાએ મીડિયાની માફી માંગી

31 July, 2012 08:04 AM IST  | 

ટીમ અણ્ણાએ મીડિયાની માફી માંગી

નવી દિલ્હી : તા. 31 જુલાઈ

પોતાના કાર્યકરોને સંયમ જાળવવાની અપીલ કરતા અણ્ણા હજારેએ ફરીથી આ પ્રકારની ભૂલ થવા પર પોતાનું આંદોલન સમેટી લેવાની તૈયારી દાખવી હતી. 

ગઈ કાલે સોમવારે રાત્રે ટીમ અણ્ણાના સભ્ય શાંતિ ભૂષણે લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે સમાચાર ચેનલો નકારાત્મક અહેવાલો દર્શાવી રહી છે. કેટલીક ચેનલો જાણી જોઈને આંદોલનમાં ભીડ એકત્ર ન થઈ રહી હોવાનું જણાવી રહી હોવાનો ભૂષણે આક્ષેપ કર્યો હતો. શાંતિ ભૂષણના આ નિવેદન બાદ લોકો ઉશ્કેરાઈ ગયા હતાં અને હાજર રહેલા મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. આંદોલનમાં હાજર અણ્ણાના કાર્યકરોએ મીડિયા વિરૂદ્ધ નારેબાજી લગાવવાનું પણ શરૂ કર્યું હતું. કેટલાક આંદોલનકારીઓ તો મીડિયાકર્મીઓ સાથે હાથાપાઈ પર પણ ઉતરી આવ્યા હતાં. રાત્રે 10 વાગ્યે ઘટેલી આ ઘટનાની ટીવી સંપાદકોની ટૉચની સંસ્થા બ્રોડકાસ્ટ એડિટર્સ એશોસિએશને ભારે નિંદા કરી હતી અને ટીમ અણ્ણાને માફી માંગવા જણાવ્યું હતું.

બીએએસની આ માંગણી બાદ અણ્ણા હઝારે અને પુરી ટીમ અણ્ણાએ ઉપવાસ આંદોલન દરમિયાન મીડિયા સાથે થયેલી ગેરવર્તણૂંક બદલ માફી માંગી હતી અને આ ઘટનાને વખોડી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે મીડિયા પોતાનું કામ કરી રહ્યું છે. મીડિયા દ્વારા થઈ રહેલા આંદોલનનું પ્રસારણ પણ આંદોલનનો જ એક ભાગ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેથી મીડિયાકર્મીઓને લઈને કોઈ વાંધો હોય તો પણ તેમની સામે હાથ જોડીને વાત કરવાની અણ્ણાએ પોતાના સમર્થકોને અપીલ કરી હતી. મીડિયાકર્મીઓ સાથે થયેલી ગેરવર્તણૂંકથી હતાશ અણ્ણાએ ત્યાં સુધી કહી દીધું હતું કે જો બીજી વાર આ ઘટનાનું પુનરાવર્તન થશે તો તેઓ પોતાનું આંદોલન સમેટી લેશે.