સંસારમાં સૌથી વધુ સન્માન પામવાનો અધિકાર મૂલ્યનિષ્ઠ શિક્ષકને મળેલો છે

05 September, 2012 05:04 AM IST  | 

સંસારમાં સૌથી વધુ સન્માન પામવાનો અધિકાર મૂલ્યનિષ્ઠ શિક્ષકને મળેલો છે

રોહિત શાહ

એક પિતા તેના પાંચ વર્ષના પુત્રને કહેતા કે ‘બેટા, હંમેશાં સાચું બોલવું, સાચું બોલનારને યશ મળે છે.’ પુત્રે મનમાં સાચું બોલવાનો સંકલ્પ કરી લીધો.

એક વખત સ્કૂલમાં તે પુત્રે સિંગ-ચણા ખાઈને એનાં ફોતરાં શિક્ષકના ટેબલના ખાનામાં ભર્યા. શિક્ષક વર્ગમાં આવ્યા અને પોતાના ટેબલના ખાનામાં પેલાં ફોતરા જોઈને ગુસ્સાથી પૂછ્યું, ‘આ ફોતરાં અહીં કોણે નાખ્યાં છે?’

પુત્ર બોલ્યો, ‘સર, મેં નાખ્યાં છે...’

શિક્ષકે તેને પાસે બોલાવીને તમાચો મારી દીધો. પુત્ર ઘેર જઈને તેના પપ્પાને કહેવા લાગ્યો, ‘પપ્પા, તમે જૂઠા છો. સાચું બોલવાથી યશ ન મળે, પનિશમેન્ટ મળે. હું આજે સ્કૂલમાં સાચું બોલ્યો એટલે મને તમાચો મળ્યો!’

બીજા દિવસે પિતા પોતાના પુત્રની સાથે તેની સ્કૂલમાં ગયા. શિક્ષકને મળીને તેમણે કહ્યું, ‘તમને શિક્ષક કોણે બનાવ્યા છે? તમે શિક્ષક થવાને લાયક નથી. હું મારા પુત્રને દરરોજ સાચું બોલવાના સંસ્કાર આપતો રહ્યો છું. ગઈ કાલે તેણે તમારી સમક્ષ સાચું બોલીને પોતાનો ગુનો કબૂલ કરી લીધો અને તમે તેને તમાચો માર્યો. એ ઘટનાથી તેને હવે એમ લાગે છે કે લાઇફમાં કદીયે સાચું ન બોલવું જોઈએ.’

શિક્ષક શાંત સ્વરે બોલ્યા, ‘પણ તે તોફાન કરે, મસ્તી કરે તો...’

પપ્પાએ કહ્યું, ‘તમારે તેને તોફાન કરવા બદલ સજા કરવી જોઈએ, પણ સાચું બોલવા બદલ પુરસ્કાર આપવો જોઈએ. તમે તેને ગઈ કાલે જો એમ કહ્યું હોત કે મારા ટેબલના ખાનામાં ફોતરાં નાખ્યાં છે એટલે તને આ તમાચો મારું છું, પણ તું સાચું બોલ્યો એના બદલામાં તને શાબાશી આપું છું અને એક પેન્સિલ ભેટ આપું છું, તો મારા પુત્રની સત્યનિષ્ઠા ટકી રહી હોત’

શિક્ષકે કહ્યું, ‘આપની વાત સાવ સાચી છે. હું મારી ભૂલ કબૂલ કરું છું. આપે આજે મારા જેવા શિક્ષકને એક ઉમદા પાઠ ભણાવ્યો છે. હું લાઇફટાઇમ આવી દરેક બાબતમાં સાવધાન રહીશ.’

શિક્ષક એ નથી કે જે સ્કૂલમાં અભ્યાસક્રમો પૂરા કરે છે, વર્ષમાં ત્રણ વખત એક્ઝામ લે છે અને વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓને હોમવર્ક આપે છે. સાચો શિક્ષક વિદ્યાર્થીને જીવનલક્ષી કેળવણી આપતો હોય છે. અભ્યાસક્રમની સાથે જીવનમૂલ્યો ગૂંથીને સાચો શિક્ષક વિદ્યાર્થીનું એવું ઘડતર કરતો રહે છે કે પછી વિદ્યાર્થી રાષ્ટ્રનો ઉત્તમ નાગરિક બને. નિષ્ફળતાઓ સામે હતાશ ન થઈ જાય અને સફળતાથી ઘમંડી ન બની જાય એવી વિદ્યાર્થીને તાલીમ પરોક્ષ રીતે તે આપતો રહે છે.  સાચો શિક્ષક વિદ્યાર્થી માટે આદર્શ બની રહેતો હોય છે.

હું જ્યારે વિદ્યાર્થી હતો ત્યારે મારા ગામ ટીંટોદણ (તા. વિજાપુર, જિ. મહેસાણા)ની સ્કૂલમાં સાયન્સ ટીચર લક્ષ્મણભાઈ એમ. બારડસરથી ખૂબ ડરતો. માત્ર હું જ નહીં, શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમનાથી ડરતા. ગણિત મારો સૌથી  અપ્રિય વિષય એટલે એમાં રસ ન પડે, પણ બારડસર ગણિતની સાથોસાથ સૈદ્ધાંતિક ખુમારીના જે પાઠ ભણાવતા એ દિલમાં વસી જતા. ડર બે પ્રકારના હોય છે. એક ડર ગુંડા-મવાલીનો કે જંગલી જાનવરનો હોય છે. બીજો ડર ઈશ્વરનો કે પોતાની જાતનો હોય છે. લક્ષ્મણભાઈ બારડનો ડર બીજા પ્રકારનો હતો. એ કારણે તેમનો માર ખાવા છતાં, તેમના પ્રત્યેનો આદર ત્યારેય અકબંધ જ રહેતો અને

આજે તો એ આદર અનેકગણો વધી ગયો છે.

એ પછી હું પોતે શિક્ષક બન્યો. બાવીસ વર્ષ સુધી વિદ્યાર્થીઓને ભણાવીને આખરે સ્વેચ્છાએ જૉબ છોડી દીધી. મારો વિદ્યાર્થી મારાથી ડરવો જોઈએ એવું મને હંમેશાં લાગતું. આજે મારા કેટલાક વિદ્યાર્થી પીઆઇ (પોલીસ-ઇન્સ્પેક્ટર) છે, કેટલાક  વિદ્યાર્થી સચિવાલયમાં છે તો કેટલાક વિદ્યાર્થી પત્રકાર પણ છે. એ બધા આજેય મારાથી ડરે છે. આ ડર એટલે પેલો ખોફ નહીં, પણ બે આંખની શરમ અને દિલનો આદર. મારો એક વિદ્યાર્થી શર્ટનાં ઉપલાં બે બટન ખુલ્લાં રાખતો. મેં તેને સમજાવ્યો, પણ તેણે ઉદ્ધત જવાબ આપ્યો. મેં તેને ફટકારેલો. પછી તો તે દૂરથી મને આવતો જુએ કે તરત પોતાના શર્ટનાં બટન ચેક કરતો. આજે તે વિદ્યાર્થી ટીવી-સિરિયલો બનાવે છે. એક વખત તેણે મારા ઘેર આવીને ટીવી-સિરિયલ માટે મારી શૉર્ટ સ્ટોરીઝની ડિમાન્ડ મૂકી. તેણે એની સિરિયલ પણ બનાવી!

પિતા કરતાં પુત્ર ચડિયાતો પાકે અથવા ગુરુ કરતાં શિષ્ય વધારે પ્રભાવક પુરવાર થાય ત્યારે પિતા અને શિક્ષકને સૌથી વધુ આનંદ થતો હોય છે, પણ એ આનંદ કદીયે મફતમાં મળી નથી જતો. એ માટે પિતાએ અને શિક્ષકે ખૂબ તપ કરવું પડતું હોય છે. તમે માર્ક કરજો. બસ કે રેલવેમાં પ્રવાસ કરતી વખતે ભીડમાં પોતાના શિક્ષકને ઊભેલા જોઈને વિદ્યાર્થી વિનમþ આદર સાથે તેમને પોતાની સીટ આપતો હોય છે. સંસારમાં સન્માન પામવાનો સૌથી પ્રબળ હક માત્ર શિક્ષકને જ મળે છે. કોઈ ગમે તેટલો મોટો નેતા-અભિનેતા કે ઉદ્યોગપતિ હશે, વકીલ કે ડૉક્ટર હશે તોય તેના દિલમાં તેના શિક્ષક પ્રત્યે આદર હોય છે. નિ:સ્વાર્થ અને મૂલ્યનિષ્ઠ શિક્ષક કદી ઉપેક્ષિત નથી થતો. લાલચુ, કામચોર અને ટ્યુશનની બે નંબરની કમાણી પાછળ દોડતો શિક્ષક સાચા આદરનો સ્વાદ ન ચાખી શકે તો એ માટે તે પોતે જ જવાબદાર છે.

મારે એક વાત ખૂબ ભારપૂર્વક કહેવી છે કે શિક્ષક પાસે કદાચ જ્ઞાનની થોડી ઊણપ હશે તો ચાલશે, પણ તેનું ચારિત્ર્ય સંપૂર્ણ પારદર્શક હોવું જોઈએ. ચારિત્ર્યહીન શિક્ષકના હાથમાં નવી પેઢીના ઘડતરનું કામ સોંપાય તો એ દેશ અને સમાજ બન્ને માટે ઘાતક ગણાય. મોઢામાં તમાકુના ડૂચા મારીને કે સિગારેટના ધુમાડા ઓકતો રહીને વિદ્યાર્થી સાથે વાત કરનારો શિક્ષક પોતાના વિદ્યાર્થીને વ્યસનમુક્ત રહેવાનું શી રીતે કહી શકે? યુવાન અને રૂપાળી વિદ્યાર્થિનીઓને ગંદી નજરથી જોનારો અને એકાંતમાં તેનો ક્યારેક લાભ પણ લેનારો શિક્ષક વિદ્યાર્થીઓને ચારિત્ર્યના પાઠ શી રીતે શીખવી શકે? શિક્ષક આખરે તો માણસ જ છે એટલે તેની પાસેથી કંઈ એવી ઊંચી અપેક્ષાઓ ન રાખી શકાય - જે ઈશ્વર કે ઋષિ-મહર્ષિ પાસેથી રાખીએ છીએ. છતાં તેને તેના હોદ્દાનું ગૌરવ હોવું જોઈએ. શિક્ષકને ભલે અન્ય નોકરિયાતોની જેમ દર મહિને પગાર જ મળતો હોય છે, પણ શિક્ષકનું લક્ષ્ય માત્ર પગાર ન હોય. ભવિષ્યની પેઢીના ઘડતરનું પુણ્યકાર્ય પોતાના હિસ્સે આવ્યું છે એવી પ્રસન્નતા દરેક શિક્ષકનું પરમ લક્ષ્ય હોય તો જ તેનું શિક્ષક થયું સાર્થક માનવું. જે પોતે જ વેઠ કે વૈતરું કૂટનારો એક કર્મચારી બની ગયો હશે એવો માણસ તો ભાવિ પેઢીને ગુમરાહ જ કરશે.

એક હતો રાજા, એક હતો શિક્ષક

એક રાજા ભારે શોષણખોર હતો. પ્રજા પાસેથી વધુ મહેસૂલ ઉઘરાવીને એ  રકમ રાજ્યના હિતમાં વાપરવાના બદલે પોતાના વ્યસન-વિલાસમાં વેડફતો હતો. થોડા વખતમાં પ્રજાએ તેની સામે બળવો કર્યો. રાજાના આદેશ મુજબ તેના સૈનિકો બળવો કરાવનાર મુખ્ય સૂત્રધારને રાજા સામે પકડી લાવ્યા. રાજા તે સૂત્રધારને જોતાં જ ઓળખી ગયો અને બોલ્યો, ‘સાહેબ! તમને કદાચ યાદ નહીં હોય, પણ હું તમારો ભૂતકાળનો વિદ્યાર્થી છું. તમે મને એ વખતે ખૂબ સજા કરતા હતા. આજે હવે હું તમને સજા કરીશ.’

શિક્ષકે કહ્યું, ‘જો મને ખબર હોત કે તું ભવિષ્યમાં રાજા બનવાનો છે, તો મેં તને એ વખતે વધારે સજા કરી હોત. હું તારું યોગ્ય ઘડતર ન કરી શક્યો એ મારો અપરાધ કહેવાય. એની સજારૂપે તું આજે મને મૃત્યુદંડ આપી દે તો મને આનંદ થશે!’

ગુરુની આવી ખુમારીથી રાજા લજવાયો-શરમાયો અને તેણે કહ્યું, ‘ગુરુજી, હવે આપ મંત્રીપદે બિરાજો અને મને ગુમરાહ થતો રોકો. મને ઘડવાનું અધૂરું કામ હવે પરું કરો એવી વિનંતી છે.’