તમારા ફેવરિટ ટીચર કોણ?

05 September, 2012 05:03 AM IST  | 

તમારા ફેવરિટ ટીચર કોણ?

સિદ્ધાર્થ રાંદેરિયા

(ઍક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર)

મધુકર રાંદેરિયા. મારા પપ્પા જ મારા બેસ્ટ ટીચર છે એમાં કોઈ મીનમેખ નથી. તેમની પાસેથી મને અઢળક શીખવા મળ્યું છે. પપ્પા બધાના પપ્પા જેવા જ સિરિયસ રહેતા. ખિજાવાની બાબતમાં પણ બીજાના પપ્પા જેવા જ. ભણવા સાથે મારે કંઈ લેવા-દેવા નહીં એટલે તેમને મારા પર બહુ ગુસ્સો આવે. તે ગુસ્સો કરે પણ ખરા અને પછી પ્રેમ કરવા પણ આવે. આજે ભૂતકાળની એ જ વાતોનું મારા ઘરમાં પુનરાવર્તન થઈ રહ્યું છે. મારા દીકરાએ ક્યારેય મને કહ્યું નથી, પણ તેને પણ હું મારા પપ્પા જેટલો જ સિરિયસ અને તેમના જેટલો જ ગુસ્સો કરનારો લાગતો હોઈશ એ પાક્કું છે.

મને લાગે છે કે જો પપ્પા ન હોત તો હું ક્યારેય મારી એન્ટરટેઇનમેન્ટ ફીલ્ડની લાઇનમાં ન આવ્યો હોત. પપ્પા લેખક તરીકે જે કંઈ કામ કરતા એ બધું હું જોતો રહેતો. મેં અનેક વખત તેમની સ્ક્રિપ્ટ ચોરીછૂપી વાંચી છે, જેનો અમલ હું સ્કૂલમાં કરતો. મારું એજ્યુકેશન બે સ્કૂલમાં થયું છે. એક સીપી ટેન્ક પાસે આવેલી મૉડર્ન સ્કૂલ અને બીજી કેમ્પ્સ કૉર્નર પાસેની ન્યુ ઈરા સ્કૂલ. ટીચર તો મારા ઘણા ફેવરિટ હતા, પણ એ એકેય ટીચરનો હું ફેવરિટ નહોતો એટલે તેમનાં કોઈનાં નામ આપવાનો અર્થ નથી.

પ્રાચી દેસાઈ

(ઍક્ટ્રેસ)

મારું સ્કૂલિંગ સુરત અને પંચગનીમાં થયું છે. સુરતમાં હું જીવનજ્યોત સ્કૂલમાં ભણી છું તો પંચગનીમાં સેન્ટ જોસેફ કૉન્વેન્ટ સ્કૂલમાં ભણી છું. સેન્ટ જોસેફ કૉન્વેન્ટમાં એક ટીચર હતા, દસ્તૂરસર. આ સર મને આજે પણ યાદ આવે. મૅથ્સમાં મને બહુ કંટાળો આવે, પણ દસ્તૂરસરના પિરિયડમાં હું એન્જૉય કરતી અને એ માટેનું રીઝન હતું તેમની ભણાવવાની સ્ટાઇલ. મૅથ્સના સૌથી અઘરા લાગતા દાખલાઓને તે એટલી સરસ રીતે એક્ઝામ્પલ આપતાં શીખવે કે એ દાખલાઓની પદ્ધતિ ક્યારેય ભુલાય નહીં. એ દિવસોમાં મને થતું કે જો બધા સર કે ટીચર દસ્તૂરસર જેવા થઈ જાય તો આપણા દેશનું એજ્યુકેશન બધા સ્ટુડન્ટ્સને બહુ ગમવા લાગે. દસ્તૂરસરનું આખું નામ તો મને અત્યારે યાદ નથી, પણ તેમનો ફેસ હજી પણ મારી આંખ સામે છે. તે પોતાના રીડિંગ-ગ્લાસની ઉપરથી આંખ ઊંચી કરીને જે રીતે જોતા એ બહુ કૉમેડી હતું. મને યાદ નથી કે ક્યારેય તે કોઈ સ્ટુડન્ટને ખિજાયા હોય.

અપરા મહેતા

(ઍક્ટ્રેસ)

જેમ અત્યારે મારે એક ડૉટર છે ખુશાલી એમ હું પણ મારાં મમ્મી-પપ્પાની એક જ ડૉટર હતી. એટલે હું નાની હતી ત્યારે બીજા બધા કરતાં પ્રમાણમાં વધુ ધીરગંભીર નેચરની હતી. મને યાદ નથી કે ક્યારેય હોમવર્ક માટે કે બીજા કોઈ રીઝનથી મને કોઈ ટીચર ખિજાયા હોય. નેવર. ક્યારેય નહીં. હું ટાઇમની બાબતમાં બહુ પન્ક્ચ્યુઅલ હતી એટલે એ રીતે પણ ક્યારેય વાંકમાં આવતી નહીં. ટાઇમમાં પન્ક્ચ્યુઅલ રહેવાના અને કામ પરફેક્ટ કરવાના આ ગુણ મને પપ્પા ઉષાકાંત મહેતા અને મમ્મી મંદાકિની મહેતા પાસેથી મળ્યાં છે. મારું એજ્યુકેશન સાંતાક્રુઝમાં આવેલી સેન્ટ લૉરેન્સ સ્કૂલમાં થયું અને પછી અમારે ફરીથી ભાવનગર જવાનું થયું અને ત્યાંથી બેત્રણ વર્ષ પછી ફરીથી મુંબઈ આવવાનું થયું. એ વખતે મારું ઍડ્મિશન અંધેરી લિન્ક રોડ પર આવેલી સી. ડી. બરફીવાલા હાઈ સ્કૂલમાં લેવામાં આવ્યું હતું. એ સમયે મરાઠી કમ્પલ્સરી હતું અને મને મરાઠી નહોતું આવડતું એટલે મેં મરાઠીનાં ટ્યુશન રાખ્યાં હતાં. મને ટ્યુશન આપવા માટે મિસિસ સાઠે આવતાં. નવ-દસ મહિનાના આ ટ્યુશન પછી એવું બન્યું હતું કે મિસિસ સાઠેને ગુજરાતી આવડી ગયું અને મને મરાઠી આવડી ગયું. આ ટીચર મને જિંદગીભર યાદ રહેશે, કારણ કે તેમના કારણે મને મરાઠીપણું મળ્યું છે એવું કહી શકાય. મિસિસ સાઠે સાથે એ પછી તો લગભગ ચાર-પાંચ વર્ષ સંબંધો રહ્યા હતા, પણ મીઠીબાઈ કૉલેજમાં આવ્યા પછી ટમ્ર્સ ધીમે-ધીમે ઓછા થઈ ગયા.

દિશા વાકાણી

(ઍક્ટ્રેસ)

મારું આખું સ્કૂલિંગ અમદાવાદમાં પસાર થયું છે. અમદાવાદમાં હું એચ. એન. શેઠ હાઈ સ્કૂલમાં ભણતી. એ સમયે અમારી સ્કૂલમાં કલ્પનાબહેન નામનાં ટીચર હતાં. એ કલ્પનાબહેન મને બહુ ગમતાં. મને શું, આખી સ્કૂલની સ્ટુડન્ટસને બહુ ગમે. મને યાદ છે કે સ્કૂલમાં ટીચર્સ ડેના દિવસે ટીચર બનવાનું હોય ત્યારે હું કલ્પનાબહેનની જેમ જ તૈયાર થતી. તેમના જેવી જ સાડી પહેરવાની, એવી જ હેરસ્ટાઇલ કરવાની અને તેમની સ્ટાઇલમાં જ બધાને ભણાવવાના. કલ્પનાબહેનનો બેસ્ટ પૉઇન્ટ એ હતો કે તે ક્યારેય ગુસ્સે ન થાય. રિસેસમાં જો અમારી આજુબાજુમાંથી પસાર થાય તો અમારા નાસ્તાના ડબ્બામાંથી સહેજ અમસ્તો નાસ્તો પણ લે. તે જ્યારે નાસ્તો લે ત્યારે અમે બહુ રાજી થઈએ. કલ્પનાબહેન આંખથી જાણી લેતાં કે વિદ્યાર્થિનીને શું પ્રૉબ્લેમ છે અને કયા કારણે તે ભણવામાં ધ્યાન નથી આપતી. જો કોઈ સ્ટુડન્ટ ભણવામાં ઓછું હોશિયાર હોય તો કલ્પનાબહેન તેને ઘરે બોલાવીને ભણાવે અને ફીના નામે પાંચ પૈસા પણ ન લે. આવાં પ્રેમાળ ટીચર આજે તો કલ્પી પણ નથી શકાતાં.

સરિતા જોશી

(ઍક્ટ્રેસ)

નવ-દસ વર્ષની ઉંમરની હતી ત્યારથી જૂની નાટકમંડળીમાં કામ કરવાનું શરૂ કરી દીધું એટલે બીજાં બાળકો જેવું વિધિવત્ શિક્ષણ મને નથી મળ્યું; પણ હા, મને મારા પતિ પ્રવીણ જોશી પાસેથી પુષ્કળ શીખવા મળ્યું છે. હું માનું છું કે સાચો શિક્ષક એ નથી જે એકડા-બગડા શીખવે, સાચો શિક્ષક એ છે જે એકડા-બગડા શીખવવાની સાથે જીવનનાં મૂલ્યો પણ શીખવે અને એટલે જ હું પ્રવીણને મારા ટીચર ગણું છું. પ્રવીણ જોશી પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે. એક ઍક્ટર તરીકે આજે હું જે કંઈ છું એમાં પ્રવીણનો બહુ મોટો ફાળો છે. આ સિવાય પણ આજે હું જે કંઈ છું એ બધામાં પણ તેમનો ફાળો રહ્યો છે. પ્રવીણે મને જીવન જીવવાની સાચી દિશા પણ દેખાડી. ખાલી મને જ નહીં, મારી બન્ને દીકરીઓ કેતકી અને પૂર્વીને પણ પ્રવીણ પાસેથી પુષ્કળ શીખવા મળ્યું છે. પ્રવીણ જોશી અમારા સૌના જીવનના એક શ્રેષ્ઠ શિક્ષક રહ્યા છે. ભણતરનું જે કંઈ મહત્વ છે એ મહત્વની સાથે ગણતરનું મહત્વ તેમણે અમને શીખવ્યું છે. જીવનમાં અનેક ઘટનાઓ એવી ઘટી હતી જેમાં પ્રવીણની ર્દીઘદૃષ્ટિ મને કામ લાગી છે.

મહેશ ભટ્ટ

(ડિરેક્ટર-પ્રોડ્યુસર)

સ્કૂલ અને કૉલેજના ટાઇમમાં જો બેસ્ટ કોઈ ટાઇમ હોય તો એ સ્કૂલ-ટાઇમ છે. મારું સ્કૂલિંગ માટુંગાની ડૉન બૉસ્કો હાઈ સ્કૂલમાં થયું છે. એ સમયમાં પૈસાની તંગી હતી એટલે હું સમર-વેકેશનમાં અલગ-અલગ જૉબ કરીને પૈસા કમાવાની ટ્રાય કરતો રહેતો. ડૉન બૉસ્કો હાઈ સ્કૂલમાં મારા એક સર હતા, કે. ડી. પાટીલ. આ પાટીલસરને મારી આર્થિક પરિસ્થિતિની ખબર પડી એટલે તેમણે મને ટ્યુશન કરવાની સમજ આપી એટલું જ નહીં, પોતે જે ચાર સ્ટુડન્ટના ટ્યુશન કરતા હતા એ ટ્યુશન પણ તેમણે મને આપી દીધાં હતાં. પાટીલસરની ફૅમિલી મોટી હતી એટલે તે ટ્યુશન કરતા હતા એટલી મને ખબર હતી અને એમ છતાં પણ તેમણે મને ટ્યુશન આપી દીધાં એ મારે મન બહુ મોટી વાત હતી. ટુ બી વેરી ઑનેસ્ટ વિથ યુ, મેં ડિરેક્ટરશિપ છોડીને વિક્રમ ભટ્ટ, મોહિત સૂરી અને બીજાને ડિરેક્ટર બનાવવાનું શરૂ કર્યું ત્યારે મારી આંખ સામે મારા તે સર જ હતા. જેમનામાં ટૅલન્ટ છે અને જેમને હવે ચાન્સની જરૂર છે તેમને પ્રમોટ કરવાનો આ ગુણ મને કે. ડી. પાટીલમાંથી મળ્યો છે. એક બીજી વાત, મને પેલાં ટ્યુશન કરતાં નહોતાં ફાવ્યાં એટલે એ મેં એક જ વર્ષમાં છોડી દીધાં એટલે પાટીલસાહેબે એ ટ્યુશન બીજા જરૂરિયાતમંદ સ્ટુડન્ટ્સને પાસ કરી દીધાં હતાં.

રશ્મિ દેસાઈ

(ઍક્ટ્રેસ)

મારા ફેવરિટ ટીચરમાં બે નામ છે. એક, જેન્સીટીચર અને બીજા મારા કથ્થકગુરુ આચાર્ય જૈવિતાજી. જેન્સીટીચર અત્યારે પણ ગુવાહાટીની ઉલુબરી હાઈ સ્કૂલમાં છે અને મારા કૉન્ટૅક્ટમાં છે. જેન્સીટીચર પાસેથી મને પર્ફેક્શન શીખવા મળ્યું છે તો જૈવિતાજી પાસેથી મને મન શાંત રાખવાની કલા જાણવા મળી છે. જૈવિતાજી હંમેશાં કહે છે કે શ્રેષ્ઠ કામ ત્યારે જ થશે જ્યારે મન શાંત હશે. આ ઉપરાંત પણ બીજા કેટલાય લોકો છે જેમની પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે. મને જે કોઈ પાસેથી શીખવા મળે છે એ સૌને હું મારા ટીચર માનું છું, પછી એ ભલે કોઈ નાનું બાળક હોય.

જે. ડી. મજીઠિયા

(ઍક્ટર, પ્રોડ્યુસર)

મારું એજ્યુકેશન કાંદિવલીની બાલભારતી સ્કૂલમાં થયું છે. સ્કૂલમાં મારાં બે ટીચર હતાં, ભૂપતભાઈ અને જયશ્રીબહેન. એ ટીચર્સને હું ફક્ત મારા ફેવરિટ ટીચર નહીં, પણ મારા ગુરુ પણ માનું છું. મમ્મી-પપ્પા પછી મને જે કંઈ બીજું શીખવા મળ્યું એનો જશ આ બન્ને ટીચર્સને જાય છે. ભૂપતભાઈ અને જયશ્રીબહેને મારાં પુષ્કળ તોફાનો સહન કર્યા છે અને એ સહન કર્યા પછી મને તેમણે સાચી દિશામાં વાળ્યો પણ છે, પનિશમેન્ટ વિના. આ બન્ને ટીચરે જો મને સ્કૂલમાં વાર્તા કહેવાની પરમિશન ન આપી હોત તો હું આજે કદાચ આ એન્ટરટેઇનમેન્ટની લાઇનમાં પણ આગળ વધ્યો ન હોત અને સિરિયલ કે ફિલ્મ થકી સ્ટોરી-ટેલર ન બન્યો હોત. આજે ટીચર્સ ડેના દિવસે હું તેમનો આભાર માનું છું કે તેમણે વાર્તા કહેવાની આપેલી છૂટને કારણે આજે લાખો-કરોડો લોકોને વાર્તા કહેવાની ક્ષમતા મારામાં આવી.