તામિલનાડુના નેવેલી પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટ: 6 લોકોનાં મોત, 17 ઘાયલ

02 July, 2020 01:07 PM IST  |  Chennai | Agencies

તામિલનાડુના નેવેલી પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટ: 6 લોકોનાં મોત, 17 ઘાયલ

નેવેલી પાવર પ્લાન્ટ

તામિલનાડુનાં નેવેલીમાં નેવેલી લિગ્નાઇટ કૉર્પોરેશનમાં બૉઇલર બ્લાસ્ટ થયો છે. એનએલસીની પાસે ફાયરબ્રિગેડ ટીમ છે જે સ્થિતિને કાબૂમાં કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ સાથે જ સ્થિતિનો તાગ લેવા માટે કુડ્ડાલોર જિલ્લા વહીવટી તંત્રની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હજી સુધી બ્લાસ્ટ થવાનું કારણ સામે આવ્યું નથી. શરૂઆતના રિપોર્ટ પ્રમાણે બૉઇલર બ્લાસ્ટના કારણે ૫ લોકોનાં મોત અને ૧૭ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. આવો જ બ્લાસ્ટ ૭ મેના થયો હતો જેમાં ૫ લોકોનાં મોત થયાં હતાં. ૭ મેના નેવેલી પાવર પ્લાન્ટમાં બૉઇલર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ ૮૪ મીટર ઊંચાઈવાળા બૉઇલરમાં થયો હતો. તે સમયે કર્મચારી અને ટેક્નિશ્યન ૩૨ મીટર પર હાજર હતા. બ્લાસ્ટ બાદ સીઆઇએસએફની ફાયર વિંગે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા અને ૫ લોકોનાં મોત થયાં હતાં.
આ અકસ્માત બાદ કંપનીએ કહ્યું હતુ કે એનએલસીએ ઘટનાની તપાસ માટે ૬ સભ્યોની કમિટી બનાવી છે, જેની આગેવાની જનરલ મૅનેજર કરી રહ્યા છે. કમિટી આખી ઘટનાની તપાસ સાથે જ ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે જરૂરી પગલાં ઉઠાવશે. મેની ઘટનાના એક મહિના બાદ ફરીથી બૉઇલર બ્લાસ્ટ થયો છે.

tamil nadu national news chennai