બ્લૅક મન્ડે

30 July, 2012 07:40 AM IST  | 

બ્લૅક મન્ડે


ગઈ કાલે સપ્તાહનો પહેલો દિવસ બ્લૅક મન્ડે પુરવાર થયો હતો. એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ સ્થળે થયેલા અકસ્માતમાં સ્કૂલમાં જતાં માસૂમ બાળકો સહિત ૬૫ લોકોનાં મોત નીપજ્યાં હતાં. સૌથી પહેલો અકસ્માત આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં થયો હતો જ્યાં દિલ્હીથી ચેન્નઈ જઈ રહેલી તામિલનાડુ એક્સપ્રેસ ટ્રેનનો એક કોચ સળગી ઊઠતાં અમાં સવાર ૩૨ પૅસેન્જરો જીવતા સળગી ગયા હતા. બીજી તરફ હરિયાણાના ભિવાની જિલ્લાના શિવાની ગામ નજીક બે ટ્રક વચ્ચે ટક્કર થતાં ૨૯ લોકો માર્યા ગયા હતા. આ તરફ પંજાબના અમૃતસર નજીક કોટ મેહતાબ સિંહ નામના ગામ પાસે એક માનવરહિત રેલવે-ફાટક પર મિની લોકલ ટ્રેન એક સ્કૂલ-બસ સાથે ટકરાતાં ચાર બાળકોનાં મોત નીપજ્યાં હતાં.

આંધ્ર પ્રદેશમાં ટ્રેન સળગી

આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં ગઈ કાલે વહેલી સવારે ૪.૧૫ વાગ્યે દિલ્હીથી ચેન્નઈ જઈ રહેલી તામિલનાડુ એક્સપ્રેસ ટ્રેનનો એક કોચ ભડભડ સળગી ઊઠતાં ૩૨ પૅસેન્જરો જીવતા ભૂંજાઈ ગયા હતા અને અન્ય ૨૫ને ઈજા થઈ હતી. ઘટનાસ્થળે દોડી આવેલા રેલવેપ્રધાન મુકુલ રૉયે આ હોનારત પાછળ ભાંગફોડની શંકા વ્યક્ત કરી હતી. એક્સપ્રેસ ટ્રેનના એસ-૧૧ કોચમાં નેલ્લોર પાસે આગ લાગી હતી. નેલ્લોરના સ્ટેશન-મૅનેજરે ટ્રેનના એક કોચમાં આગની જ્વાળાઓ દેખ્યા બાદ તત્કાળ ફાયર-ફાઇટરોની ટીમ દોડાવી હતી. જોકે આગ કાબૂમાં લેવાય ત્યાં સુધીમાં ૩૨ લોકો એનો ભોગ બની ચૂક્યા હતા. આગને કારણે વહેલી સવારે ચીસાચીસ થઈ હતી અને લોકો મદદ માટેના પોકારો કરી રહ્યા હતા. આગ લાગી ત્યારે ટ્રેન ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી.  

રેલવેપ્રધાન મુકુલ રૉયે કહ્યું હતું કે ક્રૉસિંગના એક ગેટમૅન તથા કેટલાક પૅસેન્જરોએ આગ પહેલાં મોટા ધડાકાનો અવાજ સાંભળ્યો હતો તેથી ભાંગફોડની શક્યતા નકારી શકાય નહીં. જોકે આગનું કારણ શૉર્ટ-સર્કિટ પણ હોઈ શકે છે. વડા પ્રધાન મનમોહન સિંહે ટ્રેનઅકસ્માત બદલ આઘાતની લાગણી વ્યક્ત કરી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પાઠવી હતી.

ઉપરની બર્થના પૅસેન્જરો બન્યા ભોગ

નજરે જોનારાઓના પ્રમાણે આગ ફાટી નીકળ્યાં બાદ કેટલાક પૅસેન્જરો અન્ય કોચમાં ભાગી ગયા હતા. જોકે બાદમાં બચવાનો ઉપાય ન જણાતાં ૧૫ પૅસેન્જરો કૂદી પડ્યા હતા. એસ-૧૧ કોચમાં કુલ ૭૨ પૅસેન્જરો હતા. આગને કારણે ખાસ કરીને ઉપરના બર્થમાં ઊંઘી રહેલા પૅસેન્જરો માર્યા ગયા હતા. બાદમાં દોડી આવેલા ફાયર-ફાઇટરોએ ગૅસ-કટર્સ તથા અન્ય સાધનોની મદદથી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.

પંજાબમાં ટ્રેન સાથે ટકરાઈ સ્કૂલ-બસ

અમૃતસર નજીકના કોટ મેહતાબ સિંહ ગામમાં ગઈ કાલે વહેલી સવારે એક માનવરહિત

રેલવે-ફાટક પર લોકલ મિની ટ્રેન અને સ્કૂલ-બસ વચ્ચે ટક્કર થતાં ચાર બાળકોનાં મોત નીપજ્યાં હતાં તથા અન્ય ૧૯ બાળકોને ઈજા પહોંચી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સ્કૂલ-બસ ફાટક ક્રૉસ કરી રહી હતી ત્યારે જ ધસમસતી આવી રહેલી ટ્રેન એની સાથે ટકરાઈ હતી. અકસ્માત વખતે બસમાં ૧૨થી ૧૪ વર્ષની વયનાં ૨૩ બાળકો હતાં. પોલીસે એમ પણ કહ્યું હતું કે ટ્રેનનો ડ્રાઇવર નિર્ધારિત સ્પીડ કરતાં વધુ ઝડપે ટ્રેન દોડાવી રહ્યો હતો.

હરિયાણામાં બે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર

હરિયાણાના ભિવાની જિલ્લામાં ગઈ કાલે બે ટ્રક વચ્ચે ટક્કર થતાં ૨૯ લોકોનાં મોત થયાં હતાં અને ૪૫ લોકોને ઈજા પહોંચી હતી. મૃત્યુ પામેલા લોકો રાજસ્થાનના એક મંદિરમાં દર્શન કરીને હરિયાણાના કલયાત ગામે પાછા ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. તમામ યાત્રાળુઓ તાતા-૪૦૭ ટ્રકમાં સવાર હતા. ભિવાનીના પોલીસ-સુપરિન્ટેન્ડન્ટ સતીશ બાલને કહ્યું હતું કે યાત્રાળુઓ રાજસ્થાનના રાજગઢ ખાતે આવેલા અમરપુરા ગામે એક મંદિરનાં દર્શન કરવા ગયા હતા. તેમના જણાવ્યા પ્રમાણે બાવીસ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે બાકીના લોકોએ હૉસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જીવ ગુમાવ્યો હતો. નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે ટ્રક યાત્રાળુઓથી પૅક હતી. એમાં લાકડાનાં બે પાર્ટિશન પાડવામાં આવ્યાં હતાં. હરિયાણાના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડાએ તેમના કાર્યક્રમો કૅન્સલ કરીને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.