ગૂગલના ભારતીય CEO સુંદર પિચાઈએ આપ્યો સફળતાનો મંત્ર

18 December, 2015 05:41 AM IST  | 

ગૂગલના ભારતીય CEO સુંદર પિચાઈએ આપ્યો સફળતાનો મંત્ર


ઈંટના સ્ટમ્પ બનાવીને રમ્યા ક્રિકેટ : ઇન્ડિયા ગેટ પર ગઈ કાલે સવારે ફરવા ગયેલા સુંદર પિચાઈએ બાળકો સાથે ક્રિકેટ રમવાનો આનંદ માણ્યો હતો.


૩૬૦ ડિગ્રી સેલ્ફી : શ્રીરામ કૉલેજ ઑફ કૉમર્સમાં સ્ટુડન્ટ્સ સાથે સંવાદ સાધ્યો ત્યારે ક્રિકેટ-એક્સપર્ટ હર્ષા ભોગલેએ તેમને ઘણા સવાલ પૂછ્યા હતા અને પછી હર્ષાએ સુંદર પિચાઈ સાથે આધુનિક ટેક્નૉલૉજી ધરાવતા મોબાઇલથી ૩૬૦ ડિગ્રી કૅમેરા વડે સેલ્ફી લીધો હતો જેમાં એકસાથે ઘણા કૅમેરા ઇમેજ કૅપ્ચર કરે છે.


ફળદાયી મુલાકાત : સુંદર પિચાઈ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

વિશ્વની સૌથી મોટી ટેક્નૉલૉજી કંપની ગૂગલના CEO બન્યા પછી પહેલી વાર ભારતની મુલાકાતે આવેલા ભારતીય મૂળના સુંદર પિચાઈ ગઈ કાલે દિલ્હીમાં સવારે ઇન્ડિયા ગેટ પર ફરવા આવ્યા હતા અને બાળકો સાથે ક્રિકેટ રમ્યા હતા. એ પછી તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બપોરે શ્રીરામ કૉલેજ ઑફ કૉમર્સના સ્ટુડન્ટ્સ સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના સવાલના જવાબ આપ્યા હતા. એમાં તેમણે કહ્યું હતું કે ‘અગાઉની પેઢી રિસ્ક લેવામાં ગભરાતી નહોતી, આજની પેઢી ગભરાય છે. જો આગળ વધવું હોય અને સફળતા મેળવવી હોય તો રિસ્ક લેવું જોઈએ અને સાથે ઇનોવેટિવ પણ બનવું જોઈએ.’

આશરે ૧૮૦૦ સ્ટુડન્ટ્સ તેમને સાંભળવા આવ્યા હતા ત્યારે સુંદર પિચાઈએ કહ્યું હતું કે ‘દુનિયામાં કામ કરવા માટે ગૂગલ મજેદાર સ્થળ છે. હું જ્યારે ત્યાં કામ કરવા ગયો હતો ત્યારે હું મારી જાતને એક બાળક ટૉફીની દુકાનમાં જાય એવું મહેસૂસ કરતો હતો. હું જ્યાં જતો ત્યાં લોકો ગજબ ચીજો પર કામ કરતા હતા. ગૂગલમાં અમે હંમેશાં લોકોની સમસ્યાનું સમાધાન શોધવાના પ્રયાસ કરીએ છીએ. અમે એવું જ વિચારીએ છીએ કે આ અબજો લોકોને કામ આવશે કે નહીં?’

આગામી દિવસોમાં ગૂગલનું વિઝન શું હશે એ વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે ‘અમે સતત ઇનોવેટિવ પ્રોડક્ટ બનાવવામાં લાગી પડ્યા છીએ. અમે દુનિયાના તમામ લોકોને જોડવા અને તેમની સમસ્યાને ઉકેલવા માટે કામ કરીશું.’

ગાવસકર અને સચિનના જબરા ફૅન

સુંદર પિચાઈને બાળપણમાં ક્રિકેટર બનવું હતું, પણ ટેક્નૉલૉજીનો લગાવ તેમને બીજા ફીલ્ડમાં ખેંચી ગયો હતો. તેમણે ગઈ કાલે કહ્યું હતું કે ‘હું સુનીલ ગાવસકરનો ફૅન હતો અને પછી સચિન તેન્ડુલકરનો ફૅન બન્યો. તેઓ જ્યારે ક્રિકેટ રમતા ત્યારે એ જોઈને મને લાગતું કે હું પણ ક્રિકેટર બનું.’