અનેક ટેરરિસ્ટોનો ગૉડફાધર પકડાયો

23 October, 2012 03:24 AM IST  | 

અનેક ટેરરિસ્ટોનો ગૉડફાધર પકડાયો



આતંકવાદ સામેની લડાઈમાં ગઈ કાલે ભારતને મોટી જીત મળી હતી. આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન માટે કામ કરતા ૩૫ વર્ષના ફસીહ મોહમ્મદની ગઈ કાલે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરર્પોટ પર ધરપકડ કરવામાં આવી હતી. તે લાંબા સમયથી સાઉદી અરેબિયામાં કેદ હતો. ભારતીય અધિકારીઓ તેને સોંપવા માટે સતત સાઉદી અરેબિયા સરકારના સંપર્કમાં હતા. કેન્દ્ર સરકારે ફસીહની ધરપકડને અત્યંત મહત્વની ઘટના ગણાવી હતી. એનું કારણ એ છે કે ફસીહ મોહમ્મદ ઇન્ડિયન મુજાહિદ્દીન માટે ભરતી કરવાનું કામ કરતો હતો. ગયા વર્ષે બિહાર, ઉત્તર પ્રદેશ તથા અન્ય સ્થળેથી પકડાયેલા ૧૩ જુદા-જુદા આતંકવાદીઓએ ફસીહે તેમની ભરતી કરી હોવાનું સ્વીકાર્યું હતું. કેન્દ્રીય ગૃહસચિવ આર. કે. સિંહે ગઈ કાલે ફસીહની ધરપકડને અત્યંત મહત્વની ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ફસીહ વિરુદ્ધ નક્કર પુરાવાઓ ભારત સરકારે સાઉદી અરેબિયાને આપ્યા હતા. 

ફસીહ બૅન્ગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલા બ્લાસ્ટ તથા દિલ્હીની જામા મસ્જિદની બહાર થયેલા ગોળીબારની ઘટનામાં મુખ્ય આરોપી છે. બિહારના દરભંગા જિલ્લાના સમૈલા ગામનો વતની ફસીહ છેલ્લાં પાંચ વર્ષથી એન્જિનિયર તરીકે સાઉદી અરેબિયામાં કામ કરતો હતો. બાદમાં સાઉદી અરેબિયા સરકારે તેની ધરપકડ કરી હતી. ભારતે ફસીહ વિરુદ્ધ ઇન્ટરપોલની રેડ કૉર્નર નોટિસ પણ મેળવી હતી. અગાઉ ફસીહની પત્ની નિખત પરવીને તેનો પતિ ભારતીય એજન્સીની કસ્ટડીમાં હોવાનો દાવો કરતાં સુપ્રીમ ર્કોટમાં અપીલ કરી હતી. જોકે ભારત સરકારે તેનો આરોપ નકાર્યો હતો. ફસીહના પિતા ફિરોઝ અહમદ સ્થાનિક પબ્લિક હેલ્થ સેન્ટરના ઇન્ચાર્જ છે, જ્યારે તેની માતા દરભંગામાં સ્કૂલ-ટીચર છે.