સુષમા સ્વરાજે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી કરી

23 December, 2012 04:58 AM IST  | 

સુષમા સ્વરાજે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી કરી



દિલ્હીમાં ગઈ કાલે ગૅન્ગ-રેપનો વિરોધ કરી રહેલા યુવાનો પર પોલીસના લાઠીચાર્જની રાજકીય પક્ષોએ ટીકા કરી હતી. બીજેપીએ વડા પ્રધાન મનમોહન સિંહ અને કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીને મૌન તોડવાની અપીલ કરી હતી. બીજેપીના પ્રવક્તા રવિશંકર પ્રસાદે યુવાનો પરના લાઠીચાર્જની ટીકા કરી હતી. બીજેપીનાં નેતા અને લોકસભામાં વિપક્ષનાં નેતા સુષમા સ્વરાજે બળાત્કારની ઘટનામાં દોષીઓને ફાંસીની સજાની જોગવાઈ માટે કાયદામાં ફેરફાર કરવા સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી કરી હતી. વડા પ્રધાને તેમની માગણી પર વિચારણા કરવાનું પ્રૉમિસ આપ્યું હતું.

રેપિસ્ટોને ફાંસી મળે

સુષમા સ્વરાજે કાલે ટ્વિટર પર લખ્યું હતું કે સંસદનું સત્ર બોલાવવા માટે મેં વડા પ્રધાન મનમોહન સિંહ સાથે વાત કરી હતી અને મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને દાખલો બેસે એવી સજા કરવા કાયદામાં ફેરફાર કરવા વિનંતી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે વડા પ્રધાન મનમોહન સિંહે મારા સૂચન પર વિચારણા કરવાની ખાતરી આપી હતી. સુષમા સ્વરાજે કહ્યું હતું કે હું હંમેશાં કહેતી આવી છું કે બળાત્કારીઓને ફાંસની સજા થવી જોઈએ અને આ વિશે મેં સંસદમાં પ્રાઇવેટ મેમ્બર બિલ પણ રજૂ કર્યું હતું. સુષમા સ્વરાજે ગઈ કાલે આ સંદર્ભમાં મહિલા અને બાળવિકાસ પ્રધાન ક્રિષ્ના તીરથ સાથે પણ વાત કરી હતી.

ડાબેરીઓ પણ નારાજ

ડાબેરી પક્ષોએ પણ યુવાનો પરના લાઠીચાર્જની સખત ટીકા કરી હતી. સીપીઆઇના રાષ્ટ્રીય સચિવ ડી. રાજાએ કહ્યું હતું કે ‘જો વડા પ્રધાન રીટેલમાં એફડીઆઇના મુદ્દે દેશને સંબોધિત કરી શકતા હોય તો તેમણે મહિલાઓની સલામતીના મુદ્દે પણ મૌન તોડવું જોઈએ. દિલ્હી સહિત સમગ્ર દેશમાં સુરક્ષાના મુદ્દે નારાજગી છે ત્યારે યુવાનોને આશ્વાસન આપવાની સરકારની જવાબદારી છે.’