SSR કેસ: દિલ્હી હાઈકોર્ટની અપમાનજનક કન્ટેન્ટ ટેલીકાસ્ટ ન કરવાની સૂચના

09 November, 2020 05:19 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

SSR કેસ: દિલ્હી હાઈકોર્ટની અપમાનજનક કન્ટેન્ટ ટેલીકાસ્ટ ન કરવાની સૂચના

સુશાંત સિંહ રાજપૂત

14 જૂને આત્મહત્યા કરનાર બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આત્મહત્યા કેસના કવરેજને લઇને દિલ્હી હાઈકોર્ટે અનેક મીડિયા હાઉસ અને તેમના પત્રકારોને નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે. તેમાં રિપબ્લિક ટીવીના એક્ઝિક્યુટિવ એડિટર અર્નબ ગોસ્વામી અને ટાઈમ્સ નાઉની એક્ઝીક્યુટીવ એડિટર નવિકા કુમાર સામેલ છે. કોર્ટે સોમવારે આ નોટિસ 34 ફિલ્મ પ્રોડ્યુસર્સના પિટિશનની સુનાવણી પછી જાહેર કરી છે. તેમણે ન્યૂઝ ચેનલ્સ અને પત્રકારો પર તેમનું અને બૉલીવુડનું નામ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો.

કોર્ટ તરફથી ન્યૂઝ ચેનલ્સ અને પત્રકારોને ચોખ્ખા શબ્દોમાં સૂચના આપવામાં આવી છે કે, સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ચેનલ કે સોશ્યલ મીડિયામાં અપમાનજનક કન્ટેન્ટ પ્રસારિત કે પોસ્ટ ના કરવું. જસ્ટિસ રાજીવ શકધરની બેન્ચે કહ્યું કે, મારી પાસે ચેનલ્સના વકીલે સુનિશ્ચિત કર્યું છે કે, તેઓ કેબલ ટીવી નિયમન અધિનિયમ હેઠળ બનાવવામાં આવેલા પ્રોગ્રામ કોડ અને નિયમોનું પાલન કરશે. આ મામલે આગામી સુનાવણી 14 ડિસેમ્બરે થશે.

સુનાવણી દરમિયાન કોર્ટે બ્રિટિશ રાજકુમારી ડાયનાનું ઉદાહરણ આપ્યું. તેમનું મૃત્યુ 1997માં થયું હતું. કોર્ટે કહ્યું, ‘રાજકુમારી ડાયનાના કેસમાં તેમનું મૃત્યુ એટલે થયું કારણ કે તેઓ મીડિયાથી દૂર ભાગતા હતા. હવે તમે પણ એ જ રસ્તે ના જઈ શકો. પ્રિન્સેસ ડાયનાની કાર ફોટોગ્રાફર્સથી બચવાના ચક્કરમાં એક પોલ સાથે અથડાઈ ગઈ હતી અને 31 ઓગસ્ટ 1997ના રોજ તેમનું મૃત્યુ થયું હતું.

તમને જણાવી દઈએ કે, બૉલીવુડે મીડિયાના બેજવાબદાર તથા અપમાનજનક રિપોર્ટિંગનો આક્ષેપ મુક્યો હતો. ચાર ફિલ્મ એસોસિયેશન તથા 34 ફિલ્મ નિર્માતાઓએ કેટલીક ન્યૂઝ ચેનલ તથા તેના પત્રકારો વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે.

national news delhi high court sushant singh rajput