દેશના ટૉપ પાંચ શ્રેષ્ઠ મુખ્યપ્રધાનોમાં ભાજપના એક પણનો સમાવેશ નહીં

16 January, 2021 05:20 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દેશના ટૉપ પાંચ શ્રેષ્ઠ મુખ્યપ્રધાનોમાં ભાજપના એક પણનો સમાવેશ નહીં

નવીન પટનાઈક, અરવિંદ કેજરીવાલ (તસવીર સૌજન્ય: જાગરણ)

તાજેતરમાં દેશમાં યોજાયેલા એક સર્વેક્ષણમાં ભાજપને લોકપ્રિયતાની બાબતમાં મોટો ફટકો પડી રહ્યો હોય તેવી જણાઈ રહ્યું છે. દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યપ્રધાનોનએ લઈને આઈએએનએસ- સી વોટર દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ભાજપના એક પણ મુખ્યપ્રધાનનો સમાવેશ થયો નથી. કેન્દ્રમાં પૂર્ણ બહુમતી સાથે બીજી વાર સત્તારૂઢ બનેલી ભાજપ માટે આ બિલકુલ પણ સારા સમાચાર નથી.

સર્વેક્ષણ મુજબ, 10 સૌથી બેસ્ટ મુખ્યપ્રધાનોના લિસ્ટમાં એકથી સાતના ક્રમાંક સુધીના લિસ્ટમાં એક પણ ભાજપ શાસિત રાજ્યના મુખ્ય પ્રધાનનું નામ નથી. જો કે ચોંકાવનારી એક વાત એ સામે આવી છે કે, દરેક ભાજપ/એનડીએ શાસિત રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ મુખ્યપ્રધાનો કરતા વધુ જોવા મળ્યો છે. એટલે કે ભાજપ અને એનડીએ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ હજુ પણ સૌથી મોટો ચહેરો છે.

આ લિસ્ટમાં ઓરિસ્સાના મુખ્યપ્રધાન નવીન પટનાયક 79 ટકા સાથે ટોચ પર, દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ 77 ટકા સાથે બીજા, આંધ્ર પ્રદેશના જગન મોહન રેડ્ડી 66.83 ટકા રેટિંગ સાથે ત્રીજા ક્રમાંક, જ્યારે કે ચોથા સ્થાને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેના ઉદ્ધવ ઠાકરે અને પાંચમાં સ્થાને કેરળના સામ્યવાદી મોરચાના મુખ્યપ્રધાન પી વિજયન છે. મહત્વનું છે કે, એવું પહેલીવાર બન્યું કે આ લિસ્ટમાં ભાજપના એક પણ મુખ્યપ્રધાનનું નામ નથી. હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરના કામથી માત્ર 23 ટકા લોકો સંતુષ્ટ છે. જ્યારે કે, પંજાબના વડાપ્રધાન અમરિન્દર સિંહના કામથી માત્ર 22 ટકા લોકો જ સંતુષ્ટ છે. સૌથી ઓછા લોકપ્રિય મુખ્યપ્રધાનના લિસ્ટમાં ટોપ દસમાં સાત મુખ્યપ્રધાન ભાજપ અથવા એનડીએ શાસિત રાજ્યના છે. ભાજપના કોરોનામાં સપડાયેલા ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતને સૌથી ઓછું 0.41 ટકા રેટિંગ જ મળ્યું છે. જ્યારે કે ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીને 46.74 ટકા રેટિંગ સાથે દસમું સ્થાન મળ્યું છે. 

સર્વેક્ષણમાં એ પણ જાણવા મળ્યું છે કે, બિન કોંગ્રેસી મુખ્યપ્રધાનો તેમના રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા વધુ લોકપ્રિય છે. પરંતુ કોંગ્રેસ માટે મોટી ચિંતાજનક બાબત એ છે કે ભાજપના ઓછા લોકપ્રિય મુખ્યફ્રધાનો જે સીએમના લિસ્ટમાં ક્યાંય દેખાતા નથી તે પણ તેમના રાજ્યમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કરતા લોકપ્રિયતામાં વધુ આગળ છે. કોંગ્રેસના મુખ્યપ્રધાનો તેમના રાજ્યમાં પણ રાહુલ ગાંધી કરતા વધુ લોકપ્રિય છે.

national news indian politics