સુપ્રિયા સુળેનો બફાટ : સંસદમાં સાડીની ખરીદીના ગપ્પા મારીએ છીએ

09 January, 2016 03:49 AM IST  | 

સુપ્રિયા સુળેનો બફાટ : સંસદમાં સાડીની ખરીદીના ગપ્પા મારીએ છીએ



નાશિકમાં પ્રવાસી ઇન્ટરનૅશનલ ઍકૅડેમીમાં ગુરુવારે સુપ્રિયાએ કહ્યું હતું કે ‘જનતાને લાગે છે કે સંસદસભ્યો મહત્વના મુદ્દાઓની ચર્ચા કરતા હોય છે, પરંતુ જ્યારે ચર્ચા વારંવાર એક જ મુદ્દા પર થાય ત્યારે એમ નથી થતું. જો તમે મને પૂછો કે ચોથા વક્તવ્ય પછી શું થયું તો એ હું તમને કહી શકીશ નહીં. અમે અન્ય સંસદસભ્યો સાથે ગપ્પાં મારતાં હોઈએ છીએ. જ્યારે અમે સંસદસભ્યો સાથે વાતચીત કરતાં હોઈએ છીએ ત્યારે સમગ્ર દેશ આ દૃશ્ય જોતો હોય છે. જનતાને લાગે છે કે સંસદસભ્યો દેશને લગતા મુદ્દાઓની ચર્ચા કરી રહ્યા છે. જો હું ચેન્નઈના સંસદસભ્ય સાથે વાતચીત કરતી હોઉં તો તમને લાગશે કે હું ચેન્નઈમાં પડેલા ભારે વરસાદ વિશે વાતચીત કરી રહી છું, પરંતુ અમે આવી ચર્ચા નથી કરતાં. અમે તમે આ સાડી ક્યાંથી ખરીદી અને મેં આ સાડી અહીંથી ખરીદી જેવી ચર્ચા કરતાં હોઈએ છીએ. જેવી રીતે તમે વિદ્યાર્થીઓ લેક્ચરોમાં બેસીને કંટાળી જાઓ અને ત્યારે તેમે ‘બાજીરાવ મસ્તાની’માં દીપિકાના દેખાવની વાતો કરો છો.’

નિવેદનનું ખોટું અર્થઘટન થયું

સુ્પ્રિયા સુળેએ ગુરુવારે નાશિકમાં સંસદમાં થતી ચર્ચા વિશે કરેલા વક્તવ્યની ચોમેર ટીકા થવાથી ગઈ કાલે તેમણે સ્પષ્ટીકરણ આપતાં કહ્યું હતું કે ‘મારા વક્તવ્યનું ખોટું અર્થઘટન થયું છે અને આ મુદ્દાને હદથી બહાર ચગાવવામાં આવ્યો છે. મારી વાતચીતનું તદ્દન ખોટું અર્થઘટન થયું છે અને અત્યારે જે ચર્ચા ચાલી રહી છે એ બેબુનિયાદ છે. નાશિકનો સમારંભ ઔપચારિક નહોતો. આ અનૌપચારિક સમારંભમાં અમે એકબીજા સાથે રમૂજ કરી રહ્યાં હતાં. તમારે જો સાચું અર્થઘટન કરવું હોય તો તમારે ૨૦ મિનિટનું આખું ભાષણ સાંભળવું જોઈએ. આ ભાષણની ભાષા હળવી હતી.’