આજે સુપ્રીમ કોર્ટ સબરીમાલા, રાહુલ ગાંધી અને રાફેલ અંગે ચુકાદો આપશે

14 November, 2019 10:15 AM IST  |  New Delhi

આજે સુપ્રીમ કોર્ટ સબરીમાલા, રાહુલ ગાંધી અને રાફેલ અંગે ચુકાદો આપશે

સુપ્રીમ કોર્ટ

અયોધ્યા જેવા મોટા મુદ્દા વિશે નિર્ણય સંભળાવ્યા બાદ સુપ્રીમ કોર્ટ એકવાર ફરી મોટો ચુકાદો આપવાની છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટ સબરીમાલા વિવાદ અને રાફેલ વિમાન કરાર પર પોતાનો નિર્ણય સંભળાવશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચ કાલે સવારે ૧૦.૩૦ વાગે ચુકાદો સંભળાવશે.
આ બે મોટા નિર્ણયો સિવાય સુપ્રીમ કોર્ટ ગુરુવારે જ કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર અવમાનના મામલે નિર્ણય સંભળાવશે. ૧૭ નવેમ્બરે સીજેઆઇ નિવૃત્ત થઈ રહ્યા છે એ પહેલાં તેઓ મોટા કેસ પર નિર્ણય સંભળાવી રહ્યા છે.
સબરીમાલા કેસ શું છે?
કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રીનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે આ કેસમાં નિર્ણય સંભળાવતા ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓના મંદિરમાં પ્રવેશ કરવા પર લાગેલા પ્રતિબંધને હટાવી દીધો હતો. સુપ્રીમના આ નિર્ણય બાદ ઘણા દેખાવો પણ થયા હતા અને બાદમાં આની પર પુર્નર્વિચાર અરજી પણ દાખલ કરવામાં આવી હતી.
રાફેલ ડીલ પર પણ નિર્ણય
લોકસભા ચૂંટણી દરમ્યાન રાફેલ વિમાન ડીલનો મુદ્દો ઘણો મોટો થઈ ગયો હતો. ફ્રાન્સ સાથે રાફેલ યુદ્ધ વિમાન ખરીદવાની પ્રક્રિયામાં બે જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવાયો હતો. આ સિવાય યુદ્ધવિમાનની કિંમત, કૉન્ટ્રૅક્ટ, કંપનીની ભૂમિકા પર પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધી કેસ પર આજે નિર્ણય
સુપ્રીમ કોર્ટ ગુરુવારે જ કૉગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ અરજી પર નિર્ણય સંભળાવશે. આ અરજી બીજેપી નેતા મીનાક્ષી લેખીએ દાખલ કરી હતી જેમાં આરોપ હતો કે રાહુલ ગાંધીએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે માન્યું છે કે ચોકીદાર ચોર છે. આ બાદ મીનાક્ષી લેખીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના નિવેદનોને રાજકારણ સાથે જોડી દીધા છે.

rafale deal supreme court