કેરળના પદ્મનાભસ્વામી મંદિર પર ત્રાવણકોર શાહી પરિવારનો અધિકાર

13 July, 2020 12:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કેરળના પદ્મનાભસ્વામી મંદિર પર ત્રાવણકોર શાહી પરિવારનો અધિકાર

ફાઈલ તસવીર

કેરળના ઐતિહાસિક શ્રી પદ્મનાભસ્વામી મંદિરના તંત્ર અને તેની સંપત્તિ પર અધિકાર અંગે સુપ્રીમ કોર્ટ આજે એટલે કે સોમવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના ચુકાદાને પલટતાં દેશના સૌથી વધુ સંપત્તિવાળા મંદિરો પૈકીના એક શ્રી પદ્મનાભસ્વામી મંદિરના મેનેજમેન્ટનો અધિકાર ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવારને આપ્યો છે. મળતી માહિતી મુજબ, મંદિરની પાસે લગભગ બે લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચુકાદો આપવામાં આવ્યો છે કે, પદ્મનાભસ્વામી મંદિરના મેનેજમેન્ટની જવાબદારી ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવારને આપવામાં આવશે. જ્યારે હાલ તિરુવનંતપુરમના જિલ્લા જજની અધ્યક્ષતાવાળી કમિટી મંદિરની વ્યવસ્થા જોશે.

ઉલ્લેખનીય છે કે, કેરળ હાઈકોર્ટે 2011માં પોતાના એક ચુકાદામાં રાજ્ય સરકારને પદ્મનાભસ્વામી મંદિરની તમામ સંપત્તિઓ અને મેનેજમેન્ટ પર નિયંત્રણ લેવાનો આદેશ આપ્યો હતો. જેને પૂર્વ ત્રાવણકોર શાહી પરિવારે સુપ્રીમમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં 8 વર્ષથી વધુ સમય સુધી સુનાવણી ચાલી અને આજે આખરે ચુકાદો આવ્યો છે. આ મામલામાં એપ્રિલમાં સુનાવણી બાદ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની બેન્ચે ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો.

પદ્મનાભસ્વામી મંદિરનું નિર્માણ ક્યારે થયું તે બાબતે કોઈ મજબૂત પ્રમાણ મળતું નથી. ઈતિહાસકાર ડૉ. એલ. કે. રવિ વર્માના મતે, મંદિર લગભગ 5000 વર્ષ જૂનું છે. જ્યારે માનવ સભ્યત કળયુગમાં પહોંચી હતી. આમ તો મંદિરના સ્ટ્રક્ચર મુજબ જોઈએ તો માનવામાં આવે છે કે કેરળના તિરુઅનંતપુરમાં આવેલા પદ્મનાભસ્વામી મંદિરની સ્થાપના સોળમી સદીમાં ત્રાવણકોરના રાજાઓએ કરી હતી. ત્યારબાદથી જ અહીંના રાજા આ મંદિરને માનતા રહ્યા. વર્ષ 1750માં મહારાજ માર્તંડ વર્માએ પોતાને પદ્મનાભ દાસ જાહેર કરી દીધા. તેની સાથે સમગ્ર રાજ ઘરાના મંદિરની સેવામાં લાગી ગયો. હજુ પણ શાહી ઘરાનાને આધીન એક પ્રાઇવેટ ટ્રસ્ટ મંદિરની દેખરેખ રાખે છે.

national news kerala thiruvananthapuram supreme court kerala high court