05 July, 2023 10:39 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટ ગુજરાત હાઈ કોર્ટના આદેશને પડકારતી સોશ્યલ ઍક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડની એક અરજી પર આજે સુનાવણી કરશે. ગુજરાત હાઈ કોર્ટના આ આદેશમાં રેગ્યુલર જામીન માટેની તીસ્તાની અરજીને ફગાવી દેવામાં આવી હતી અને ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણોના કેસમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે ખોટા પુરાવા ઊભા કરવાના કેસમાં તાત્કાલિક સરેન્ડર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
જોકે પહેલી જુલાઈએ મોડી રાતે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના આ આદેશ પર એક અઠવાડિયા માટે સ્ટે મૂક્યો હતો. દરમ્યાન ગુજરાત સરકારે આ કેસમાં અમદાવાદમાં સેશન્સ કોર્ટમાં ક્રિમિનલ કેસમાંથી પોતાને મુક્ત કરવા માટેની માગણી કરતી તીસ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો વિરોધ કર્યો હતો.