13 October, 2026 12:54 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધીની ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ મંગળવારે લોકસભા (Lok Sabha)માં વિપક્ષના નેતા અને કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સામે મહારાષ્ટ્ર (Maharashtra)ની એક ટ્રાયલ કોર્ટમાં પેન્ડિંગ ક્રિમિનલ ડિફેમેશન (ફોજદારી માનહાનિ) કેસની આગળની કાર્યવાહી પર રોક (સ્ટે) લગાવી દીધી છે. આ મામલો ચૂંટણી રેલીઓ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ રાજકીય ટિપ્પણીઓ સાથે જોડાયેલો છે.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અપારેશ કુમાર સિંહની ડિવિઝન બેન્ચે કોંગ્રેસના સાંસદને વચગાળાની રાહત આપતા મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) અને મૂળ ફરિયાદીને નોટિસ મોકલી ચાર સપ્તાહમાં જવાબ (Supreme Court stays Defamation Case against Rahul Gandhi) માંગ્યો છે.
મંગળવાર, ૧૩ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતની બેન્ચે અવલોકન કર્યું હતું કે આગામી આદેશ સુધી ટ્રાયલની કાર્યવાહી સ્થગિત રહેશે. રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ આર.એસ. ચીમાએ દલીલ કરી હતી કે આ ફરિયાદ કાનૂની રીતે ટકી શકે તેમ નથી અને ખાનગી ફરિયાદી પાસે આ કેસ કરવા માટેનો ‘લોકસ સ્ટેન્ડી’ (અધિકાર) નથી.
બેન્ચે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, ‘નોટિસ જારી કરવામાં આવે જે ચાર સપ્તાહમાં પરત કરવાની રહેશે. ટ્રાયલ કોર્ટ સમક્ષની આગળની કાર્યવાહી સ્થગિત રહેશે.’ ટોચની અદાલતે રાહુલ ગાંધીની કાઉન્ટર-એફિડેવિટ દાખલ કરવાની ચાર સપ્તાહની મુદત પૂરી થયા પછી વિગતવાર સુનાવણી માટે મામલો સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો છે.
રાહુલ ગાંધીએ મુંબઈ (Mumbai)ની ગિરગાંવ મેજિસ્ટ્રેટ કોર્ટ (Girgaon Magistrate Court) દ્વારા જારી કરાયેલા સમન્સ અને પ્રોસેસને રદ કરવાની માંગ કરતી તેમની અરજી ફગાવતા બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)એ ૮ સપ્ટેમ્બરના રોજ આપેલા આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. હાઈકોર્ટે પોતાની પિટિશન ફગાવતા અવલોકન કર્યું હતું કે ટ્રાયલ કોર્ટે તેની તપાસ કરવી જોઈએ કે નિવેદનો કાયદા હેઠળ ફોજદારી માનહાનિની વ્યાખ્યામાં આવે છે કે નહીં.
આ ફોજદારી માનહાનિની ફરિયાદ મૂળરૂપે ભાજપ (BJP)ના કાર્યકર્તા એમ.એચ. શ્રીશ્રીમલ (M.H. Shrishrimal) દ્વારા દાખલ કરવામાં આવી હતી. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધીએ રાફેલ ફાઇટર જેટ સોદા સંદર્ભે ૨૦૧૮માં એક જાહેર સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ‘કમાન્ડર-ઇન-થિફ’ અને ‘ચોરોં કે સરદાર’ જેવા અપમાનજનક શબ્દો વાપરીને બદનામ કર્યા હતા.
ગાંધી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલે દલીલ કરી હતી કે ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC) ની કલમ ૧૯૯ હેઠળ માનહાનિની ફરિયાદ માત્ર કોઈ ‘પીડિત વ્યક્તિ’ દ્વારા જ દાખલ કરી શકાય છે. બચાવ પક્ષે દલીલ કરી હતી કે ત્રાહિત પક્ષનો કોઈ રાજકીય કાર્યકર્તા વડાપ્રધાન વતી વ્યક્તિગત માનહાનિનો કેસ ચલાવી શકે નહીં અને આ કાર્યવાહી રાજકીય બદઈરાદાથી પ્રેરીત છે.
બચાવ પક્ષે વધુમાં દલીલ કરી હતી કે રાજકીય અભિયાન દરમિયાન આપેલા ભાષણો માટે રાષ્ટ્રીય રાજકીય નેતાને બહુવિધ ન્યાયક્ષેત્રોમાં ફોજદારી મુકદ્દમાનો સામનો કરાવવો એ અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે આપતા મહારાષ્ટ્રની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ વ્યક્તિગત હાજરી સહિતની તમામ આગામી પ્રક્રિયાગત પગલાં અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી સ્થગિત થઈ ગયા છે.