22 July, 2025 10:03 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે ‘EDના અધિકારીઓ તમામ મર્યાદાઓ ઓળંગી રહ્યા છે અને એને રોકવા માટે માર્ગદર્શિકા જરૂરી છે. રાજકીય લડાઈ ચૂંટણીમાં લડવી જોઈએ, તપાસ-એજન્સીઓ દ્વારા નહીં. EDનો આ રીતે ઉપયોગ કેમ થઈ રહ્યો છે?’
આ કમેન્ટ સોમવારે ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી (MUDA) કેસમાં EDની અપીલની સુનાવણી દરમ્યાન કરી હતી. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે અમારું મોં ખોલાવો નહીં, નહીં તો અમને ED વિશે કઠોર ટિપ્પણીઓ કરવાની ફરજ પડશે.
સૉલિસિટર જનરલ તુષાર મહેતા અને ઍડિશનલ સૉલિસિટર જનરલ એસ. વી. રાજુની ટીકા કરતાં ચીફ જસ્ટિસે કહ્યું હતું કે આપણને કેટલીક ગાઇડલાઇન્સની જરૂર છે, આ રીતે કામ ચાલી શકે નહીં.
સિનિયર વકીલો અરવિંદ દાતાર અને પ્રતાપ વેણુગોપાલને તાજેતરમાં એક ક્લાયન્ટને સલાહ આપવા બદલ EDના સમન્સ મળ્યા હતા. EDએ બાદમાં સમન્સ પાછું ખેંચી લીધું હતું અને એક પત્ર જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં EDના ડિરેક્ટરની મંજૂરી વિના વકીલોને સમન્સ મોકલી શકાશે નહીં.
સ્પેનમાં સમન્સ પાઠવાયા
સુનાવણી વખતે એક વકીલે જણાવ્યું હતું કે વરિષ્ઠ ઍડ્વોકેટ અરવિંદ દાતાર સ્પેનમાં હતા ત્યારે ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હતા અને તેમને ખૂબ માનસિક આઘાત લાગ્યો હતો. આ મુદ્દે તુષાર મહેતાએ તેમને અટકાવીને કહ્યું હતું કે EDને ખબર પડતાં જ ૬ કલાકમાં એક સૂચના જાહેર કરવામાં આવી હતી કે EDએ સમન્સ મોકલ્યા નથી.
હસ્તક્ષેપ કરવાની માગણી
વકીલોને સમન્સ પાઠવવાના મુદ્દે અનેક કાનૂની સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપ-અરજી દાખલ કરી હતી અને EDના આ પગલાનો વિરોધ દર્શાવ્યો હતો. હસ્તક્ષેપ અરજીમાં વકીલોને સમન્સ મોકલવા માટે માર્ગદર્શિકા નક્કી કરવાની માગણી કરવામાં આવી હતી. વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કહ્યું કે EDની આ કાર્યવાહી કાનૂની વ્યવસાયને અસર કરી રહી છે.
મૃતદેહ છુપાવવા સલાહ લીધી
સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ ગુજરાતના એક કેસનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે એક વ્યક્તિએ હત્યા પછી મૃતદેહ છુપાવવા માટે વકીલ પાસેથી કાનૂની સલાહ લીધી હતી. આના પર ચીફ જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે ‘એ એક ફોજદારી કેસ છે. તે એક અલગ બાબત છે. મુદ્દો એ છે કે વકીલને સમન્સ મોકલતાં પહેલાં તમારે પરવાનગી લેવી પડશે.’
સમન્સ કેવી રીતે મોકલી શકાય?
સુનાવણી વખતે ચીફ જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે ‘જો કોઈ વકીલ તેના અસીલને ખોટી સલાહ આપે તો પણ તેને કેવી રીતે સમન્સ મોકલી શકાય? આ માટે માર્ગદર્શિકા નક્કી કરવી જરૂરી છે. વકીલો અને તેમના અસીલો વચ્ચેની વાતચીત ગુપ્ત છે. આવી સ્થિતિમાં વકીલોને સમન્સ કેવી રીતે મોકલી શકાય?’
ઍડ્વોકેટ વિકાસ સિંહ સાથે ચીફ જસ્ટિસ સંમત થયા હતા અને કહ્યું હતું કે તેઓ એક એમિકસ ક્યુરીની નિમણૂક કરશે અને આવતા અઠવાડિયે કેસની સુનાવણી કરશે.
મને મહારાષ્ટ્રનો થોડો અનુભવ છે, આ હિંસા સમગ્ર દેશમાં ન ફેલાવો ઃ જસ્ટિસ ગવઈ
ચીફ જસ્ટિસ બી. આર. ગવઈએ સુનાવણી વખતે કહ્યું હતું કે ‘દુર્ભાગ્યવશ મને મહારાષ્ટ્રનો થોડો અનુભવ છે. કૃપા કરીને આ હિંસાને દેશભરમાં ન ફેલાવો. મને મહારાષ્ટ્રમાં ED સાથે આવા કેટલાક અનુભવો થયા છે. કૃપા કરીને અમને કંઈ કહેવા માટે દબાણ ન કરો, નહીં તો અમારે ED વિશે ખૂબ જ કઠોર વાત કહેવી પડશે.’