23 July, 2025 10:12 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનૅન્સ લિમિટેડ (IHFL) સામેના કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને નોટિસ આપવામાં આવી હોવા છતાં એના પ્રતિનિધિ સુપ્રીમ કોર્ટમાં હાજર ન થતાં સુપ્રીમ કોર્ટે CBIની ઝાટકણી કાઢી હતી.
જસ્ટિસ સૂર્યકાન્તની આગેવાની હેઠળની બેન્ચે અવલોકન કર્યું હતું કે ‘અમે આવા વર્તનની પ્રશંસા કરતા નથી. એક વાર અમે નોટિસ જાહેર કરીએ છીએ એ પછી તેમણે અહીં આવવું પડે છે. તેઓ કેવી રીતે કહી શકે કે તેઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર નહીં થાય? આ આરોપો ચોરીના છે. સંપૂર્ણ નિષ્પક્ષતામાં કેન્દ્રીય એજન્સીઓએ તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવો જોઈતો હતો. આરોપોના પ્રકારને કારણે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસ અને રિપોર્ટની જરૂર છે. CBI પાસે કોર્ટમાં આવવાની હિંમત પણ નથી?’
શું છે આ કેસ?
હવે સન્માન કૅપિટલ લિમિટેડ તરીકે ઓળખાતી IHFLના પ્રમોટરો દ્વારા ભંડોળના ઉચાપતના ગંભીર આરોપોમાં કોર્ટ-નિરીક્ષણ હેઠળ SIT તપાસની માગણી કરતી અરજીને નકારી કાઢવાના દિલ્હી હાઈ કોર્ટના આદેશને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી. અરજદાર વતી હાજર રહેલા ઍડ્વોકેટ પ્રશાંત ભૂષણે રજૂઆત કરી હતી કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ કહ્યું હતું કે એ કાર્યવાહી કરવામાં અસમર્થ છે કારણ કે કોઈ પૂર્વનિર્ધારિત ગુનો નથી. CBIને કેસ નોંધવા માટે વિનંતી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી.
સૉલિસિટર જનરલે સમય માગ્યો
ઍડિશનલ સૉલિસિટર જનરલે એક અઠવાડિયાનો સમય માગ્યો હતો, જે કોર્ટે મંજૂર કર્યો હતો. બેન્ચે યાદ અપાવ્યું કે ‘CBIને કાર્યવાહી કરવા માટે ઔપચારિક ફરિયાદીની જરૂર નથી. તેમને વધુ કઈ માહિતીની જરૂર છે? તેમની પાસે પહેલેથી જ રેકૉર્ડ છે.’
ઇન્ડિયાબુલ્સ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દાવાઓનો વિરોધ કરતાં કહ્યું હતું કે કંપની વર્ષોથી અસ્તિત્વમાં છે અને એની સામે એક પણ ફરિયાદ આવી નથી. આ મામલાની આગામી સુનાવણી હવે ૩૦ જુલાઈએ થશે.