આધાર કાર્ડનો ઉપયોગ ફક્ત ઓળખ માટે થવો જોઈએ?

17 June, 2026 07:30 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે જવાબ માગ્યો : હાલમાં સરનામા અને જન્મતારીખના પુરાવા તરીકે આધાર કાર્ડનો દુરુપયોગ થાય છે એવી અરજી

પ્રતીકાત્મક તસવીર

નાગરિકતા, નિવાસસ્થાન અને સરનામાના પુરાવા તરીકે આધાર કાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો આરોપ લગાવતી અરજી પર સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કેન્દ્ર અને રાજ્યો પાસેથી જવાબ માગ્યો હતો. અરજીમાં માગણી કરવામાં આવી હતી કે એનો ઉપયોગ ફક્ત ઓળખની ચકાસણી સુધી મર્યાદિત રહેવો જોઈએ.ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે વકીલ અશ્વિનીકુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ આપી છે.

અરજીમાં કેન્દ્ર, રાજ્યો અને ચૂંટણીપંચને નિર્દેશ આપવાની માગણી કરવામાં આવી છે કે આધારનો ઉપયોગ ફક્ત ઓળખના પુરાવા તરીકે થાય; નાગરિકતા, નિવાસસ્થાન, સરનામું અને જન્મતારીખના પુરાવા તરીકે નહીં.

આ માટે બે તર્ક આપવામાં આવ્યા હતા કે આધાર કાયદાની કલમ ૯ સ્પષ્ટપણે જણાવે છે કે આધાર નાગરિકતા કે નિવાસસ્થાનનો પુરાવો નથી. ૨૦૨૩ની બાવીસ ઑગસ્ટે યુનિક આઇડેન્ટિટી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)ના જાહેરનામામાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આધાર ફક્ત ઓળખનો પુરાવો છે; નાગરિકતા, સરનામું કે જન્મતારીખનો નહીં. સ્કૂલમાં પ્રવેશ, મિલકતની ખરીદી, જન્મ પ્રમાણપત્ર, રૅશન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવી પ્રક્રિયાઓમાં આધારનો ઉપયોગ ઉંમર, નાગરિકતા અને રહેઠાણના પુરાવા તરીકે થઈ રહ્યો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે આ જ કારણ છે કે ઘૂસણખોરો અને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ આધારના આધારે અન્ય દસ્તાવેજો પણ મેળવી રહ્યા છે.

national news india Aadhaar indian government supreme court