બળપૂર્વક ધર્મપરિવર્તનની વિરુદ્ધ કાયદો બનશે?

10 January, 2023 11:36 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટનું આ મામલે વલણ જોતાં આવી શક્યતા જણાઈ રહી છે, અદાલતે સ્પષ્ટ જણાવ્યું હતું કે ધર્મપરિવર્તન એક ગંભીર મુદ્દો છે, એને રાજકીય રંગ ન આપવો જોઈએ

સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી (પી.ટી.આઇ.) : સુપ્રીમ કોર્ટે ગઈ કાલે સ્પષ્ટ જણાવ્યું હતું કે ધર્મપરિવર્તન એ ગંભીર મુદ્દો છે અને એને રાજકીય રંગ ન આપવો જોઈએ. અદાલતે એક અરજી પર ઍટર્ની જનરલ આર. વેંકટરામાણી પાસેથી સહાય માગી હતી. આ અરજીમાં છેતરપિંડીથી કરવામાં આવતા ધર્મપરિવર્તનને રોકવા માટે કડક પગલાં લેવાં માટે કેન્દ્ર સરકાર અને રાજ્યોને આદેશ આપવાની માગણી કરવામાં આવી હતી. 

આ મામલે સુપ્રીમ કોર્ટનું વલણ જોતાં આ મામલે કેન્દ્રીય કાયદો ઘડવામાં આવે એવી શક્યતા છે. સુનાવણી દરમ્યાન અદાલતે જણાવ્યું હતું કે આ માત્ર એક રાજ્યને સંબંધિત મામલો નથી. અમારી ચિંતા દેશમાં થઈ રહેલી આવી ઘટનાઓને લઈને છે. અત્યાર સુધી કેન્દ્ર સરકાર તરફથી ઍફિડેવિટ રજૂ ન કરવાને કારણે અદાલતે નારાજગી વ્યક્ત કરી છે. 

જસ્ટિસ એમ. આર. શાહ અને સી. ટી. રવિકુમારની બેન્ચે વેંકટરામાણીને આ મામલે હાજર થવા અને નિષ્પક્ષ સલાહકાર તરીકે મદદ કરવા જણાવ્યું હતું. આ અરજી કરનારે ધાકધમકી તેમ જ ગિફ્ટ્સ અને આર્થિક લાભ દ્વારા કપટપૂર્વક લલચાવીને કરવામાં આવતા ધર્મપરિવર્તનને રોકવાની માગણી કરી છે. 

બેન્ચે જણાવ્યું હતું કે ‘ઍટર્ની જનરલ, અમે તમારી સહાય પણ ઇચ્છીએ છીએ. બળપૂર્વક કે લાલચ દ્વારા ધર્મપરિવર્તન, જો લાલચ આપીને કે બીજી અનેક રીતે જો એમ થઈ રહ્યું હોય તો ક્યારે શું કરવું જોઈએ? આ પરિસ્થિતિ સુધારવા માટે કયાં ઉપાયો છે?’

તામિલનાડુ વતી હાજર થયેલા સિનિયર ઍડ્વોકેટ પી. વિલ્સને આ અરજીને રાજકીય પ્રેરિત ગણાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યમાં આ પ્રકારે ધર્મપરિવર્તનનો કોઈ સવાલ નથી. 

અદાલત ઍડ્વોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરી રહી હતી. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે બળપૂર્વક ધર્મપરિવર્તનથી દેશની સુરક્ષાને ખતરો ઊભો થઈ શકે છે અને નાગરિકોની ધાર્મિક આઝાદી પર એ તરાપ છે. અદાલતે કેન્દ્ર સરકારને આ મામલે હસ્તક્ષેપ કરીને આ ખૂબ જ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગંભીર પ્રયાસ કરવા જણાવ્યું હતું. 

ગુજરાત-ઉત્તરાખંડ દ્વારા રચાયેલી યુનિફૉર્મ સિવિલ કોડ માટેની કમિટીઓ વિરુદ્ધની અરજીને સુપ્રીમે ફગાવી

સુપ્રીમ કોર્ટે ગુજરાત અને ઉત્તરાખંડ સરકારનાં પોતપોતાનાં રાજ્યોમાં યુનિફૉર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે સમિતિઓની રચના કરવાના નિર્ણયને પડકારતી જાહેર જનહિતની અરજી પર વિચાર કરવાનો ગઈ કાલે ઇન્કાર કર્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે આ અરજીમાં કોઈ યોગ્યતા નથી અને બંધારણ રાજ્યોને આ પ્રકારની સમિતિની રચના કરવાનો અધિકાર આપે છે. ચીફ જસ્ટિસ ડીવાય ચન્દ્રચૂડ  અને જસ્ટિસ પીએસ નરસિંહાની બેન્ચે જણાવ્યું હતું કે અનુપ બરનવાલ અને અન્ય કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલી અરજી પર વિચારણા કરવાની જરૂર નથી. બેન્ચે જણાવ્યું હતું કે રાજ્યો દ્વારા આવી કમિટીઓની નિમણૂકને પડકારી ન શકાય.

national news new delhi supreme court