દેહાંત દંડ માટે ફાંસીની પ્રથાને સમાપ્ત કરવાની અરજી રિજેક્ટ

19 August, 2026 07:09 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટમાં એક વરિષ્ઠ વકીલે ક્રૂર અને પીદાડાયક મૃત્યુ આપતી આ પદ્ધતિને બદલે ઝેરી ઇન્જેક્શન અને ગોળીબાર જેવા વિકલ્પો સૂચવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ફાંસીની સજાની વર્તમાન પ્રણાલીને સમાપ્ત કરવાની અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે કહ્યું હતું કે હાલમાં એવો કોઈ આધાર નથી જેના કારણે ફાંસીને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે. કોર્ટે આ મામલો કેન્દ્ર સરકાર પર છોડી દીધો હતો, જે નિષ્ણાતોની મદદથી ફાંસીની ઓછી પીડાદાયક અને વધુ પ્રતિષ્ઠિત પદ્ધતિ પર વિચાર કરી શકે.
કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે ‘અરજી ફગાવી દેવાથી ભવિષ્યમાં બંધારણીય સમીક્ષાને અવરોધાતી નથી. જો નોંધપાત્ર વૈજ્ઞાનિક, તબીબી અથવા અનુભવ આધારિત પુરાવા બહાર આવે તો આ મુદ્દાની ફરીથી તપાસ કરી શકાય છે. કેન્દ્ર સરકાર વર્તમાન ફાંસીની પ્રણાલીની વ્યાપક સમીક્ષા કરવા માટે નિષ્ણાતોની એક સમિતિ બનાવી શકે છે. સમિતિ તપાસ કરી શકે છે કે શું કોઈ વૈકલ્પિક પદ્ધતિ બિનજરૂરી વેદના ઘટાડવા અને ગુનેગારની ગરિમા જાળવવા માટે વધુ સારી છે કે કેમ?

કોણે કરી હતી અરજી?
વરિષ્ઠ વકીલ રિશી મલ્હોત્રાએ ૨૦૧૭માં અરજી દાખલ કરી હતી. અરજીમાં ફાંસીને ક્રૂર, અમાનવીય અને પીડાદાયક ગણાવવામાં આવી હતી. એના બદલે ઝેરી ઇન્જેક્શન અને ગોળીબાર જેવી ચાર વૈકલ્પિક પદ્ધતિઓ દ્વારા મૃત્યુદંડની માગણી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ફાંસી આપવાની પ્રક્રિયામાં ૪૦ મિનિટથી વધુ સમય લાગી શકે છે, જ્યારે ગોળીબારમાં થોડી મિનિટો અને ઘાતક ઇન્જેક્શનમાં લગભગ પાંચ મિનિટનો સમય લાગે છે.

national news india indian government supreme court Crime News