જ્ઞાનવાપી-શૃંગાર ગૌરી કૉમ્પ્લેક્સના સર્વેને અટકાવવાનો ઇનકાર કર્યો સુપ્રીમે

14 May, 2022 10:31 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વારાણસીની સ્થાનિક અદાલતે ગુરુવારે જ્ઞાનવાપી-શ‌ૃંગાર ગૌરી કૉમ્પ્લેક્સના વિડિયોગ્રાફી સર્વે કરવા માટે નિમાયેલા ઍડ્વોકેટ કમિશનરને બદલવાની માગણી કરતી અરજીને ફગાવી હતી

સુપ્રીમ કૉર્ટ

સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં વારાણસી ખાતે જ્ઞાનવાપી-શ‌ૃંગાર ગૌરી કૉમ્પ્લેક્સના સર્વે બાબતે યથાસ્થિતિ જાળવી રાખવાનો વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. આમ અદાલતે આ સર્વેને તાત્કાલિક બંધ કરી દેવાની ના પાડી હતી.  
જોકે જ્ઞાનવાપી પ્રીમાઇસિસના સર્વેની વિરુદ્ધ એક મુસ્લિમ પક્ષકારની અરજીના લિસ્ટિંગ વિશે વિચાર કરવા અદાલત સંમત થઈ છે. ચીફ જસ્ટિસ એન. વી. રમન્ના અને જસ્ટિસ જે. કે. મહેશ્વરી અને હિમા કોહલીની બેન્ચને મુસ્લિમ પક્ષકારના સિનિયર ઍડ્વોકેટ હુઝેફા અહમદીએ જણાવ્યું હતું કે વારાણસીની સાઇટ પર કરવામાં આવી રહેલા સર્વેની વિરુદ્ધ એક અરજી કરવામાં આવી છે. જવાબમાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ‘અમને આ બાબત જોવા દો.’

વારાણસીની સ્થાનિક અદાલતે ગુરુવારે જ્ઞાનવાપી-શ‌ૃંગાર ગૌરી કૉમ્પ્લેક્સના વિડિયોગ્રાફી સર્વે કરવા માટે નિમાયેલા ઍડ્વોકેટ કમિશનરને બદલવાની માગણી કરતી અરજીને ફગાવી હતી અને ૧૭ મે સુધીમાં આ કામગીરી પૂરી કરવાનો આદેશ આપ્યો હતો.

નાટોમાં જોડાવાના પ્રયાસ બદલ ફિનલૅન્ડને રશિયાની ધમકી 

રશિયાથી ખતરો વધતો હોવાનું ધ્યાનમાં લઈને ફિનલૅન્ડે હવે કોઈ જાતના વિલંબ વિના નાટોની મેમ્બરશિપ માટે એપ્લાય કરવાની ઇચ્છા જાહેર કરી હતી. એટલે રશિયાએ ગુરુવારે ધમકી આપી હતી કે જો ફિનલૅન્ડ નાટોમાં જોડાશે તો તેણે એનાં પરિણામો ભોગવવા પડશે. બીજી તરફ યુક્રેને જણાવ્યું હતું કે તેણે બ્લેક સીમાં રશિયન નેવીના લૉજિસ્ટિક્સ શિપને નુકસાન પહોંચાડ્યું છે કે જ્યાં તાજેતરમાં ફરી યુદ્ધ તીવ્ર બન્યું છે. 
ફિનલૅન્ડે નાટોમાં જોડાવા માટે એપ્લાય કરવાના પ્લાનની ગુરુવારે જાહેરાત કરી હતી. એવી અપેક્ષા છે કે સ્વીડન પણ એને અનુસરશે. જેનાથી અમેરિકા અને યુરોપિયન દેશોના લશ્કરી ગઠબંધનનો વ્યાપ વધશે કે જેને રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અટકાવવા ઇચ્છે છે. 
રશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ફિનલૅન્ડને આવા કોઈ પગલાંના પરિણામ અને જવાબદારીનો ખ્યાલ હોવો જ જોઈએ.’ 
નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલટનબર્ગે જણાવ્યું હતું કે ફિનલૅન્ડને ઉષ્માભર્યો આવકાર આપવામાં આવશે. અમેરિકાના વાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન પસાકીએ પણ જણાવ્યું હતું કે ‘અમે ફિનલૅન્ડ કે સ્વીડન દ્વારા નાટોમાં જોડાવા માટેની ઍપ્લિકેશનને સપોર્ટ આપીશું.’

કાશ્મીરી પંડિતના હત્યારાને ઠાર મારવામાં આવ્યા

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરાના બ્રાર અરગમ એરિયામાં ગઈ કાલે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા હતા, જેમાંથી બે આતંકવાદી ગુરુવારે કાશ્મીરી પંડિત રાહુલ ભટ પરના હુમલામાં સંડોવાયેલા હતા. બુધવારે બાંદીપોરા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો જ્યારે અન્ય બે આતંકવાદી ભાગી ગયા હતા. જેઓ ગઈ કાલે ઝડપાયા હતા.

પાકિસ્તાનનું ફૉરેન એક્સચેન્જ રિઝર્વ સૌથી નીચી સપાટીએ

પાકિસ્તાનનું ફૉરેન એક્સચેન્જ રિઝર્વ ઘટીને ડિસેમ્બર ૨૦૧૯થી અત્યાર સુધીમાં સાવ નિમ્ન સ્તરે પહોંચ્યું છે. વેપારમાં ખાધ, ખૂબ વધારે બાહ્ય દેવા માટે પેમેન્ટ જેવાં કારણોના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. આ દેશનું ફૉરેન એક્સચેન્જ રિઝર્વ એક અઠવાડિયામાં ૧.૧ ટકા એટલે કે ૧૭.૮૦ કરોડ ડૉલર (૧૩.૭૯ અબજ ભારતીય રૂપિયા) ઘટીને ૧૬.૩૭૬ અબજ અમેરિકન ડૉલર (૧૨૬૮.૭૬ અબજ ભારતીય રૂપિયા) પર પહોંચ્યું છે. 

national news