05 August, 2025 10:50 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
ચીને ૨૦૦૦ ચોરસ કિલોમીટર ભારતીય જમીન હડપ કરી લીધી હોવાના રાહુલ ગાંધીના દાવા પર સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે સાચો ભારતીય આવું નહીં કહે. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એ. જી. મસીહની બેન્ચે રાહુલ ગાંધીની આ કમેન્ટ સામે કડક વાંધો ઉઠાવ્યો હતો.
ભારતીય સેના વિશેની રાહુલ ગાંધીની ટિપ્પણી બદલ તેમની સામેના માનહાનિના કેસને રદ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી. રાહુલ ગાંધીએ તેમની ‘ભારત જોડો યાત્રા’ દરમ્યાન ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાં ચીની સૈનિકો ભારતીય સૈનિકોને માર મારી રહ્યા છે. રાહુલ ગાંધીની આ ટિપ્પણી ડિસેમ્બર ૨૦૨૨માં અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત-ચીન સંઘર્ષના સંદર્ભમાં હતી.
રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો હતો કે ૨૦૦૦ ચોરસ કિલોમીટર ભારતીય પ્રદેશ ચીને કબજે કરી લીધો છે અને તેમણે ‘શરણાગતિ’ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારને જવાબદાર ઠેરવી હતી.
જસ્ટિસ દત્તાએ પૂછ્યું હતું કે ‘તમને (રાહુલ ગાંધી) કેવી રીતે ખબર પડી કે ૨૦૦૦ ચોરસ કિલોમીટર ભારતીય જમીન ચીને કબજે કરી લીધી છે? જો તમે સાચા ભારતીય છો તો તમે આ બધું કહો નહીં. તમે ત્યાં હતા? શું તમારી પાસે કોઈ વિશ્વસનીય સામગ્રી છે?’
રાહુલ ગાંધી વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ વળતો જવાબ આપ્યો હતો કે જો તેઓ આ વાતો ન કહી શકે તો તેઓ વિરોધ પક્ષના નેતા કેવી રીતે હોઈ શકે?
જોકે ન્યાયાધીશ દત્તાએ વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે તો પછી તમે સંસદમાં આવી વાતો કેમ નથી કહેતા?
એમ છતાં સુપ્રીમ કોર્ટે કેસ રદ કરવાની રાહુલ ગાંધીની અરજી સામે નોટિસ જાહેર કરી હતી.