વિજય માલ્યાને ભારત લાવવા સિક્રેટ હિલચાલ

06 October, 2020 11:37 AM IST  |  New Delhi | Agency

વિજય માલ્યાને ભારત લાવવા સિક્રેટ હિલચાલ

વિજય માલ્યા

તાજેતરમાં બ્રિટનમાં શરૂ થયેલી ગુપ્ત હિલચાલોને કારણે બૅન્કોની અબજો રૂપિયાની રકમના કૌભાંડમાં સંડોવાયેલા લિકર બૅરોન વિજય માલ્યાના પ્રત્યાર્પણમાં વિલંબ થતો હોવાનું કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર તરફથી ઍડ્વોકેટ રજત નાયરે ન્યાયમૂર્તિ યુ. યુ. લલિતના વડપણ હેઠળની બેન્ચને જણાવ્યું હતું કે ‘બ્રિટનની સર્વોચ્ચ અદાલતે વિજય માલ્યાની અરજી નામંજૂર કર્યા પછી તેના પ્રત્યાર્પણની કાર્યવાહી પૂરી થઈ ચૂકી હતી. તેમ છતાં, નવેસરથી પ્રત્યાર્પણ સંબંધી વિધિઓ શરૂ કરવામાં આવી છે. નવેસરથી શરૂ કરવામાં આવેલી કાર્યવાહીને કારણે બ્રિટનની સર્વોચ્ચ અદાલતે મંજૂર કરેલા પ્રત્યાર્પણનો અમલ કરવામાં આવતો નથી.’

ઍડ્વોકેટ રજત નાયરની ઉક્ત રજૂઆતને પગલે ન્યાયમૂર્તિ યુ. યુ. લલિત અને અશોક ભૂષણની બેન્ચે વિજય માલ્યાના વકીલ ઍડ્વોકેટ અંકુર સાયગલ પાસે બ્રિટનમાં કેવા પ્રકારની હિલચાલો, ગતિવિધિઓ કે કાર્યવાહી ચાલે છે એની માહિતી માગી હતી. ઍડ્વોકેટ અંકુર સાયગલે જણાવ્યું હતું કે એ બાબતે મારા અસીલ તરફથી કોઈ સૂચનાઓ આપવામાં આવી નથી. બેન્ચે અંકુર સાયગલને બ્રિટનમાં ચાલતી ગતિવિધિઓ કે કાર્યવાહીની માહિતી તેમ જ એ કાર્યવાહી ક્યારે પૂરી થશે અને વિજય માલ્યા ક્યારે સર્વોચ્ચ અદાલતમાં હાજર થશે એની વિગતો બીજી નવેમ્બરે અદાલત સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

vijay mallya london new delhi