13 August, 2025 09:03 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટના આદેશના વિરોધમાં પ્રાણીપ્રેમીઓ રાજધાનીમાં રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા. પોસ્ટર્સ અને નારા દ્વારા ઉગ્ર વિરોધ કરી રહેલા ૪૦ પ્રાણીપ્રેમીઓની દિલ્હી પોલીસે અટક કરી હતી.
સુપ્રીમ કોર્ટે દિલ્હી અને એની આસપાસના વિસ્તારોને બે મહિનાની અંદર રખડતા કૂતરાઓથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે અને એ વાત પર જોર આપ્યું છે કે હવે પછી કોઈએ કૂતરાઓને રોડ પર ખુલ્લા મૂકવા નહીં.
એને કારણે દિલ્હી સરકારે રખડતા શ્વાનોની વસ્તીને નિયંત્રણમાં કરવાની રણનીતિ પર ફેરવિચારણા કરવા માટે મજબૂર થવું પડ્યું છે. એક અનુમાન અનુસાર રાજધાનીમાં સ્ટ્રે ડૉગ્સની સંખ્યા લગભગ ૮ લાખ જેટલી છે. દિલ્હી સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે ‘દિલ્હી સરકાર કોર્ટના આદેશ પર ચોક્કસ અમલ કરશે, પરંતુ કૂતરાઓને ઉઠાવીને શહેરમાં કે શહેરની બહારના કોઈ આશ્રયસ્થાને લઈ જવાનું અત્યારે સંભવ નથી, કેમ કે સરકાર પાસે પોતાનું કોઈ શેલ્ટર હોમ છે જ નહીં. એને કારણે કોર્ટના આદેશના અમલીકરણમાં ૮ અઠવાડિયાં કે એનાથી વધુ સમય લાગી શકે છે. સરકાર પાસે હાલમાં પ્રાણીઓની હૉસ્પિટલ છે, પરંતુ એ તમામ શેલ્ટર હોમ સ્વૈચ્છિક સંગઠનો દ્વારા સંચાલિત છે.’
રોડ પર ખાવાનું ન આપવું
સુપ્રીમ કોર્ટે મંગળવારે સર્ક્યુલર જાહેર કરીને દિલ્હી નગર નિગમને બીજા પણ કેટલાક આદેશો આપ્યા હતા જેમાં હવે અત્યારે હૉસ્પિટલ કે પશુ નસબંધી કેન્દ્રમાં ભરતી થયેલા કૂતરાઓ સારા થઈ જાય એ પછી તેમને રોડ પર છોડવાની મનાઈ કરી છે. સ્ટ્રે ડૉગ્સને ખુલ્લામાં ખાવાનું આપવા પર પણ આપત્તિ દર્શાવી હતી. દિલ્હી નગર નિગમે ટેમ્પરરી ધોરણે ડૉગીઝને રાખવા માટે હાલમાં જે સુવિધાઓ છે એનું ઑડિટ કરવાનો આદેશ પણ આપ્યો હતો.
દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઍનિમલ વેલ્ફેરના પ્રભારી ડૉ. એસ. કે. યાદવે કહ્યું હતું કે ‘અમે કૂતરાઓના શેલ્ટર હોમના નિર્માણની યોજના વિશે વિચારી રહ્યા છીએ પણ એમાં સમય લાગશે. હાલમાં અમે દિલ્હી નગર નિગમ દ્વારા સંચાલિત ૭૭ પશુ ચિકિત્સાલયોમાં કૂતરાઓને રાખીશું અને પછી જેમ-જેમ બીજી સુવિધાઓ ઊભી થશે એટલે કૂતરાઓને ઉઠાવવાનું શરૂ કરીશું.’
મૂળ કારણ શોધવાને બદલે આપણે મૂંગાં પ્રાણીઓને નિશાન બનાવી રહ્યા છીએ : રવીના ટંડન
બૉલીવુડની અભિનેત્રી અને પ્રાણીપ્રેમી રવીના ટંડને પણ સુપ્રીમ કોર્ટના આદેશની ટીકા અને વિરોધ કરતાં કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવાનું અસંભવ છે. આનાથી તો જેમને વૅક્સિન અપાઈ છે અને નથી અપાઈ એ બન્ને તેમ જ સ્વસ્થ અને બીમાર બધા કૂતરાઓનો જીવ જોખમમાં મુકાઈ જશે. આ વિનાશકારી છે. હાસ્યાસ્પદ છે. મૂળ કારણ શોધીને એના પર કામ કરવાને બદલે આપણે પ્રાણીઓને નિશાન બનાવી રહ્યા છીએ. સ્થાનીય નગર નિગમો અને સરકાર દ્વારા વર્ષો પહેલાં નસબંદી અને વૅક્સિનેશનના કાર્યક્રમ શરૂ થયેલા, પણ એને જો સાચી અને વ્યવસ્થિત રીતે લાગુ કરવામાં આવ્યા હોત તો આજે આપણે આ મુકામ પર ન હોત. કેટલાય દેશોએ આ પહેલાં સામૂહિક સ્થાનાંતરણ કરવાની કોશિશ કરી છે, પણ એ વિફળ જ થઈ છે.’
આના કરતાં ગેરકાનૂની પાળેલાં પ્રાણીઓની દુકાનો અને બ્રીડરોને બંધ કરો : ડૉ. મિની અરવિંદન, PETAના સિનિયર ડિરેક્ટર
પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ (PETA)ના સિનિયર ડિરેક્ટર ડૉ. મિની અરવિંદને સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને અવ્યવહારુ ગણાવતાં કહ્યું હતું કે ‘કૂતરાઓને ઉઠાવીને જેલમાં ભરી દેવાનું ક્યારેય કારગત નથી રહ્યું. આ પ્રકારની કાર્યવાહીથી કૂતરાઓની વસ્તી પર અંકુશ નહીં લાગે, હડકવા ઓછો નહીં થાય કે ન તો કૂતરાઓના કરડવાની ઘટનાઓ બંધ થશે. કેમ કે કૂતરા આખરે પોતાના ઇલાકામાં પાછા ફરે જ છે. એને બદલે નસબંધી અને વૅક્સિનેશન પ્રોગ્રામને પ્રોત્સાહન આપો. ગેરકાનૂની પાળતુ પ્રાણીઓની દુકાનો અને બ્રીડરોને બંધ કરો અને રખડતા કૂતરાઓને દત્તક લેવાને પ્રમોટ કરો.’
સુપ્રીમ કોર્ટનો આદેશ અમલી થઈ શકે એમ છે જ નહીં : મેનકા ગાંધી
રખડતા કૂતરાઓને શેલ્ટર હોમમાં ઉપાડી જવાના સુપ્રીમ કોર્ટના આદેશનો વિરોધ કરતાં પ્રાણીઓના હક માટે લડતાં મેનકા ગાંધીએ કહ્યું હતું કે ‘આ આદેશ અમલી કરી શકાય એવો નથી. એનાથી માત્ર કાનૂન અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે. સરકારે કદી કોઈ સરકારી શેલ્ટર હોમ બનાવ્યું નથી અને તમામ આશ્રયસ્થળો પ્રાઇવેટ કે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચાલે છે. આ નિર્ણય ગુસ્સામાં લેવાયેલો અજીબોગરીબ આદેશ છે. ગુસ્સામાં લેવાયેલા નિર્ણયમાં કદી સમજદારી નથી હોતી.’
આ નિર્ણય આપણી સંવેદનશીલતાને ખતમ કરી નાખશે : રાહુલ ગાંધી
દિલ્હીમાં તમામ રખડતા કૂતરાઓને હટાવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ દાયકાઓથી ચાલી આવતી માનવીય અને વિજ્ઞાન સમર્થિત નીતિથી એક કદમ પાછળ હટવા જેવો છે એમ જણાવતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘આ મૂંગાં પ્રાણીઓ કોઈ સમસ્યા નથી જેને દૂર કરવાં પડે. શેલ્ટર, નસબંદી, ટીકાકરણ અને સામુદાયિક રીતે દેખભાળ કરવાથી કૂતરાઓને રોડથી દૂર સુરક્ષિત રાખી શકાય છે. તદ્દન હટાવી નાખવાની વાત ક્રૂર છે, એમાં દૂરદૃષ્ટિ નથી. આ રીત આપણી સંવેદનશીલતાને ખતમ કરી નાખશે. આપણે જનસુરક્ષા અને પશુકલ્યાણ બન્નેને સાથે રાખીને ચાલવું જોઈએ.’