રાજીવ ગાંધીની હત્યાના દોષીને છોડવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

19 May, 2022 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૦ વર્ષથી ઉમરકેદની સજા કાપી રહેલા એ. જી. પેરારીવલનને માફી આપવાનો હક માત્ર રાષ્ટ્રપતિને જ હોવાની કેન્દ્રની દલીલને ફગાવાઈ

રાજીવ ગાંધી હત્યાકેસમાં દોષી એ. જી. પેરારીવલને જોલારપેટાઈમાં આવેલી જેલમાંથી છૂટ્યા બાદ તેની માતા અર્પુથમ્મલનું મોઢું મીઠું કરાવ્યું હતું.

નવી દિલ્હી ઃ (પી.ટી.આઇ.) બંધારણની કલમ ૧૪૨ હેઠળ મળેલા વિશેષાધિકારનો ઉપયોગ કરતાં સુપ્રીમ કોર્ટે ગઈ કાલે રાજીવ ગાંધી હત્યા કેસમાં ૩૦ કરતાં વધુ વર્ષોથી જેલમાં સજા કાપી રહેલા એ. જી. પેરારીવલનની મુક્તિ કરવાનો આદેશ આપ્યો હતો. 
જસ્ટિસ એલ. નાગેશ્વર રાવના વડપણ હેઠળની બેન્ચે કહ્યું હતું કે આ કેસમાં દોષિત તમામ સાત આરોપીઓને સમય પહેલાં મુક્ત કરવાની તામિલનાડુ રાજ્ય કૅબિનેટની સલાહ ગવર્નરને બંધનકર્તા છે. 
આઇપીસીની કલમ ૩૦૨ હેઠળના કેસમાં માત્ર રાષ્ટ્રપતિને જ માફી આપવાનો વિશેષાધિકાર હોવાની કેન્દ્રની દલીલને સુપ્રીમ કોર્ટે એમ કહીને ફગાવી દીધી હતી કે હત્યાના કેસમાં દોષિતો દ્વારા કલમ ૧૬૧ હેઠળ કરવામાં આવેલી માફીની અરજીના કિસ્સામાં રાજ્યોને રાજ્યપાલને સલાહ અને મદદ કરવાની સત્તા છે.
બંધારણની કલમ ૧૪૨ હેઠળ સુપ્રીમ કોર્ટેને એના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરીને એની સમક્ષ પેન્ડિંગ કેસમાં ન્યાય કરવાની સત્તા છે. રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં પણ આ લેખનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

હત્યારો મુક્ત થાય એવી પરિસ્થિતિ પેદા કરી : કૉન્ગ્રેસ
રાજીવ ગાંધી હત્યા કેસના આરોપી એ. જી. પેરારીવલનને મુક્ત કરવા પર દુઃખ વ્યક્ત કરતાં કૉન્ગ્રેસે દેશના ભૂતપૂર્વ વડા પ્રધાનના હત્યારાને મુક્ત કરવા માટે સસ્તી અને ગંદી રાજનીતિ વડે કોર્ટમાં એવી પરિસ્થિતિ ઊભી કરવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.   કૉન્ગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે આજનો દિવસ માત્ર કૉન્ગ્રેસના કાર્યકર્તાઓ માટે નહીં પરંતુ ભારત અને ભારતીય મૂલ્યોમાં વિશ્વાસ રાખનારા તમામ દેશવાસીઓ માટે દુઃખનો દિવસ છે. આતંકવાદી આખરે આતંકવાદી જ હોય છે અને તેની સાથે એ જ રીતે વ્યવહાર થવો જોઈએ. આતંકવાદ વિરુદ્ધ લડી રહેલા પ્રત્યેક વ્યક્તિ માટે આજનો દિવસ દુઃખદાયી છે. 

national news rajiv gandhi