સુપ્રીમ કોર્ટે વધુ એક વખત કોલેજિયમ મામલે સરકારની ઝાટકણી કાઢી

09 December, 2022 09:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જજોની નિમણૂક અને ટ્રાન્સફર માટેની સિસ્ટમ કોલેજિયમ કાયદાપ્રધાનને ભલામણો મોકલે છે, જ્યાંથી એ નામ આગળ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ સુધી મંજૂરી માટે મોકલવામાં આવે છે

ફાઇલ તસવીર

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટમાં જજોની નિમણૂકની પ્રક્રિયામાં વિલંબ બદલ કેન્દ્ર સરકારને ચેતવણી આપ્યાને ૧૦ દિવસ બાદ સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કોલેજિયમ સિસ્ટમ મામલે કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.

જજોની નિમણૂક અને ટ્રાન્સફર માટેની સિસ્ટમ કોલેજિયમ કાયદાપ્રધાનને ભલામણો મોકલે છે, જ્યાંથી એ નામ આગળ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ સુધી મંજૂરી માટે મોકલવામાં આવે છે. 
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ‘કોલેજિયમ સિસ્ટમ એ કાયદાકીય પ્રક્રિયા છે, જેનું અક્ષરસઃ પાલન થવું જોઈએ. સમાજમાં કેટલાક વર્ગે કોલેજિયમ સિસ્ટમની વિરુદ્ધ અભિપ્રાય આપ્યો હોય તો એનાથી કાયદાકીય પ્રક્રિયા નાબૂદ થઈ જતી નથી.’

અદાલતે ગઈ કાલે ઍટર્ની જનરલ આર. વેંકટરામાણીને એમ પણ જણાવ્યું હતું કે ‘સરકારના પ્રધાનો દ્વારા સુપ્રીમ કોર્ટ કોલેજિયમ પરની કમેન્ટ્સ બિલકુલ વાજબી નથી. તમારે તેમને સલાહ આપવી જોઈએ. સુપ્રીમ કોર્ટ દ્વારા જો કોઈ કાયદો જાહેર કરાય તો એ તમામને લાગુ પડે છે.’

national news