27 July, 2025 09:53 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજસ્થાનના અજમેરમાં ૧૯૮૮માં થયેલા એક બળાત્કારના કેસના દોષીને ૩૭ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે સગીર જાહેર કર્યો છે અને હવે તેના કેસને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ૫૩ વર્ષના થયેલા દોષીને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ ૧૫ સપ્ટેમ્બરે હાજર કરવામાં આવશે અને આ કોર્ટ સજા સંભળાવશે. જુવેનાઇલ બોર્ડ દોષીને વધુમાં વધુ ત્રણ વર્ષ માટે રિમાન્ડ હોમમાં મોકલી શકે છે.
શું છે કેસ?
૧૯૮૮ની ૧૭ નવેમ્બરે એક સગીર છોકરી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને આરોપીને એ સમયે ગુના માટે પકડવામાં આવ્યા બાદ નીચલી કોર્ટમાં કેસ ચાલ્યો હતો. ૧૯૯૩માં કિશનગઢના ઍડિશનલ સેશન્સ જજે આરોપીને કલમ ૩૭૬ હેઠળ બળાત્કારનો દોષી ઠેરવ્યો હતો અને તેને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. જુલાઈ ૨૦૨૪માં રાજસ્થાન હાઈ કોર્ટે નીચલી કોર્ટના આદેશને યથાવત્ રાખ્યો હતો. અગાઉ દોષીએ સગીર હોવાનો મુદ્દો ઉઠાવ્યો નહોતો, પરંતુ તેણે સુપ્રીમ કોર્ટમાં હાઈ કોર્ટના ચુકાદાને પડકાર્યો અને સજા સામે અપીલ કરી ત્યારે પહેલી વાર તેણે સગીર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ ગુનામાં તે દોઢ વર્ષની સજા ભોગવી ચૂક્યો છે.
ગુના સમયે ૧૬ વર્ષનો હતો
ગુનેગારની અરજી પર સુપ્રીમ કોર્ટે અજમેરના કિશનગઢમાં અધિકાર ક્ષેત્ર ધરાવતા જિલ્લા અને સેશન્સ જજને તેના દાવાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ન્યાયાધીશે તપાસ અને દસ્તાવેજી પુરાવા જોયા અને કહ્યું હતું કે ગુના સમયે તે સગીર હતો. ગુના સમયે એટલે કે ૧૯૮૮ની ૧૭ નવેમ્બરે તેની ઉંમર ૧૬ વર્ષ બે મહિના અને ત્રણ દિવસ હતી. તેની જન્મતારીખ ૧૪ સપ્ટેમ્બર, ૧૯૭૨ જણાવવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ એ. જી. મસીહની બેન્ચે પાંચ વર્ષની સજા રદ કરી હતી. બેન્ચે કહ્યું હતું કે સગીર હોવાનો દાવો કોઈ પણ સ્તરે ઉઠાવી શકાય છે. બેન્ચે રાજ્ય સરકારની એ દલીલને ફગાવી દીધી કે દોષીને સુપ્રીમ કોર્ટમાં સગીર હોવાનો દાવો કરવાની મંજૂરી ન આપવી જોઈએ.