24 October, 2024 12:58 PM IST | Haryana | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટ
ખેતરોમાં પરાળી બાળવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે ગઈ કાલે પંજાબ અને હરિયાણા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે પ્રદૂષણને રોકવા માટે આ બે રાજ્યો સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરતાં નથી અને તેઓ પૂરતાં પગલાં લઈ રહ્યાં નથી, દિલ્હીમાં ઍર-ક્વૉલિટી ખરાબ થતી રહી છે, એનાથી શ્વસનતંત્રને લગતી બીમારી થવાના ચાન્સ વધી રહ્યા છે.’
જસ્ટિસ અભય એસ. ઓક, જસ્ટિસ એ. અમાનુલ્લા અને જસ્ટિસ એ. જી. મસીહની બેન્ચે પંજાબ અને હરિયાણા સરકારના પરાળી બાળવાના કેસને રોકવા માટેના પ્રયાસોને પર્યાપ્ત ગણાવ્યા નહોતા અને કહ્યું હતું કે તમે જે નિયમો બનાવ્યા છે એનું પાલન તમે પોતે કરતા નથી અને કેટલાક ખેડૂતોની તમે તરફેણ કરો છો.
પંજાબ સરકારને ફટકાર લગાવતાં બેન્ચે પંજાબ સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીને કહ્યું હતું કે ‘તમે કહો છો કે ૪૪ જણ સામે કાર્યવાહી થઈ છે, પણ તમારા ઍડ્વોકેટ જનરલે આ મુદ્દે કંઈ જ કહ્યું નથી. તમે કહો છો કે ૧૧ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરાયો છે, પણ તમે ૨૫૦૦થી ૫૦૦૦નો જેવો મામૂલી દંડ ફટકારીને તેમને ગુના કરવા દેવાની પરવાનગી શા માટે આપો છો? તમે ગુનો કરતા ૬૮૪ લોકો સામે તો કાર્યવાહી કરી નથી, આવો ભેદભાવ શા માટે કરો છો?’