મનમોહન સિંહને મરણોત્તર મળ્યો ન્યાય

30 July, 2026 12:10 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

કોલસા બ્લૉકની ફાળવણીના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી નિર્દોષ છુટકારો

મનમોહન સિંહ

સુપ્રીમ કોર્ટે બુધવારે ઓડિશાના તાલબીરા-II કોલસા બ્લૉકની ફાળવણીના કેસમાં દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહને તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કર્યા છે. ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે ૨૦૧૫ના ટ્રાયલ કોર્ટના સમન્સ પાઠવવાના આદેશને રદ કરી દીધો છે.

ડિસેમ્બર ૨૦૨૪માં ડૉ. મનમોહન સિંહનું અવસાન થયું હતું. તેમના નિધન બાદ આવેલો આ આદેશ તેમને મરણોત્તર કાયદાકીય ન્યાય અપાવે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા બે વખત રજૂ કરવામાં આવેલા ક્લોઝર રિપોર્ટને ફગાવીને તેમની સામે કેસ ચલાવવાનું કોઈ યોગ્ય કે મજબૂત કારણ નહોતું.

વર્ષ ૨૦૦૫માં તાલબીરા-II કોલસા બ્લૉક હિન્દાલ્કો કંપનીને ફાળવવામાં આવ્યો હતો ત્યારે ડૉ. મનમોહન સિંહ પાસે કોલસા મંત્રાલયનો પ્રભારી હવાલો હતો. CBIએ તપાસ બાદ તેમને નિર્દોષ ગણાવીને બે વાર ક્લોઝર રિપોર્ટ આપ્યો હતો, પરંતુ સ્પેશ્યલ કોર્ટે અેને ફગાવીને સમન્સ જાહેર કર્યા હતા. સુપ્રીમ કોર્ટે હવે CBIના બન્ને રિપોર્ટનો સ્વીકાર કરીને આ સમગ્ર મામલો સત્તાવાર રીતે બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. 

national news india manmohan singh supreme court central bureau of investigation indian government