આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા નહીં થાય, સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ

18 June, 2020 03:10 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા નહીં થાય, સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ

જગન્નાથ પુરીની રથયાત્રાની ફાઈલ તસવીર

23 જૂનથી ઓરિસ્સાના પુરીમાં શરૂ થનારી ભગવાન જગન્નાથની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટે આજે એટલે કે ગુરૂવારે આ આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું હતું કે, જો કોરોના મહામારીની પરિસ્થિતિ વચ્ચે આ વર્ષે રથયાત્રાની પરવાનગી આપીશું તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જ્યારે મહામારી ફેલાયેલી હોય ત્યારે જેમા મોટી સંખ્યામાં ભીડ ભેગી થતી હોય તેવી રથયાત્રાને પરવાનગી ન આપી શકાય. લોકોનું સ્વાસ્થ્ય અને તેઓની રક્ષા માટે આ વર્ષે રથયાત્રાની પરવાનગી ન આપી શકાય. ચીફ જસ્ટિસની બેન્ચે ઓરિસ્સા સરકારને આદેશ આપ્યો છે કે, આ વર્ષે રાજ્યમાં કોઈપણ જગ્યાએ રથયાત્રા સાથે જોડાયેલા કાર્યક્રમને પરવાનગી ન આપવી.

આ વર્ષે રથયાત્રા યોજાશે કે નહીં તે બાબતે પહેલેથી જ મૂંઝવણ હતી. આ દરમ્યાન ભુવનેશ્વરની 'ઓરિસ્સા વિકાસ પરિષદ' NGOએ સુપ્રીમ કોર્ટમાં પિટીશન દાખલ કરી હતી કે, રથયાત્રાના કારણે કોરોના ફેલાવાનો ખતરો રહેશે. જો લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોર્ટ દિવાળીના ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકી શકતી હોય તો રથયાત્રા ઉપર કેમ ન મૂકી શકે?

આ પહેલાં મંદિર સમિતિએ રથયાત્રાને શ્રદ્ધાળું વગર કાઢવાનું નક્કી કર્યું હતું. રથ બનાવવાનું કામ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું હતું. મંદિર સમિતિએ રથ ખેંચવા માટે ઘણા વિકલ્પો વિચારી રાખ્યા હતા. પોલીસ કર્મચારીઓ, મશીનો કે હાથી દ્વારા રથને મંદિર સુધી લઈ જવાની વિચારણા ચાલી રહી હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે રથયાત્રા પર પ્રતિબંધ મુકી દેતા આ વિકલ્પોનો કોઈ જ અર્થ નથી.

બીજી બાજુ, દેશની સૌથી મોટી રથાયાત્રા પર જ્યારે સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે ત્યારે અમદાવાદમાં રથયાત્રા કાઢવી કે નહીં તે અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આમ તો મંદિર તરફથી રથયાત્રા કાઢવાની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. હાલ મંદિર તરફથી સરકારના નિર્ણયની રાહ જોવાય રહી છે. સુપ્રીમ કોર્ટે હવે જ્યારે પુરીની રથયાત્રાને મંજૂરી નથી આપી ત્યારે આ નિર્ણયને આધારે ગુજરાત સરકાર રથયાત્રા કાઢવાને મંજૂરી નહીં આપે તેવી શક્યતા વધારે રહેલી છે. સુત્રોએ આપેલી માહિતી મુજબ, રથયાત્રાના રૂટ પર 24 કન્ટેનમેન્ટ ઝોન આવે છે. આ રૂટમાં 1600 દર્દીઓ છે. હાલમાં સરકારે પોલીસ અને તમામ વિભાગો પાસે આ અંગે ફીડબેક મંગાવ્યો છે. હાલમાં રથયાત્રા કાઢવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.

orissa supreme court coronavirus covid19 national news