લોન મોરેટોરિયમ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી

26 August, 2020 03:37 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

લોન મોરેટોરિયમ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી

પ્રતીકાત્મક તસવીર

લોન મોરેટોરિયમ કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા સાત દિવસમાં સોગંદનામું આપીને વ્યાજ માફી અંગે સ્પષ્ટતા કરવા માટે કહ્યું છે. હવે આ કેસમાં આગામી સુનાવણી પહેલી સપ્ટેમ્બરે કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે, આરબીઆઈની પાછળ ન છૂપાઓ, તમારું વલણ શું છે એ જણાવો. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે, તમે તમારું વલણ સ્પષ્ટ કરો. તમે કંઈ પણ ન કહી શકો. સંકટ નિવારણ અધિનિયમ અંતર્ગત પગલાં ભરવા તમારી જવાબદારી છે. તમારી પાસે પુરતા અધિકાર છે. તમે ફક્ત આરબીઆઈ પર નિર્ભર ન રહી શકો.

કોરોના અને લૉકડાઉનના કારણે RBIએ માર્ચમાં લોકોને મોરેટોરિયમ એટલે કે લોનની EMI ત્રણ મહિના માટે ટાળવાની સુવિધા આપી હતી. ત્યારપછી તેને વધુ ત્રણ મહિના માટે વધારીને 31 ઓગસ્ટ સુધી કરી દેવાઈ હતી. RBIએ કહ્યું હતું કે, લોનના હપ્તા છ મહિના સુધી નહીં ભરો તો તેને ડિફોલ્ટ ગણવામાં નહીં આવે. પરંતુ મોરેટોરિયમના બાકીના પેમેન્ટ પર વ્યાજ પુરેપુરુ આપવું પડશે. મોરેટોરિયમ એવા સમયગાળાના કહે છે જે દરમિયાન તમે લીધેલા કરજ પર કોઈ EMI નથી ચૂકવવો પડતો. આ તબક્કાને ઈએમઆઈ હૉલિડે તરીકે પણ જોવામાં આવે છે. જોકે, આ ફક્ત ઈએમઆઈ ટાળવાનો વિકલ્પ છે. જે બાદમાં તમારે બાકીને રકમ ચૂકવવાની હોય છે. એટલું જ નહીં બેંક આ દરમિયાન જે વ્યાજની રકમ હોય તેને તમારી મૂળ રકમમાં જોડી દેતી હોય છે. આથી તમારે લોનનો હપ્તો અથવા સમયગાળો વધી જતો હોય છે.

વ્યાજની શરતને ઘણા ગ્રાહકોએ સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તેમની દલીલ છે કે, મોરેટોરિયમમાં વ્યાજ પર છૂટ મળવી જોઈએ. કારણ કે વ્યાજ પર વ્યાજની વસુલાત કરવી એ ખોટું છે. એક પિટીશનરના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે બુધવારે સુનાવણીમાં એવી પણ માંગ કરી છે કે, જ્યાં સુધી વ્યાજ માફીની અરજી અંગે કોઈ નિર્ણય નહીં લેવામાં આવ  ત્યાં સુધી મોરેટોરિયમ પીરિયડ વધારી દેવો જોઈએ.

national news reserve bank of india supreme court