કોઈ જન્મસ્થળ પક્ષકાર કેવી રીતે હોઈ શકે?- સુપ્રીમ કોર્ટ

09 August, 2019 12:08 PM IST  |  નવી દિલ્હી

કોઈ જન્મસ્થળ પક્ષકાર કેવી રીતે હોઈ શકે?- સુપ્રીમ કોર્ટ

સુપ્રીમનો અયોધ્યા પર સવાલ

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા ભૂમિ વિવાદ મામલે ગુરુવારે ત્રીજા દિવસે સુનાવણી કરાઈ હતી. અયોધ્યા મામલાના રામલલા પક્ષના વકીલ કે. પારાસરણે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચ સામે દલીલ કરી હતી. બેન્ચે પણ પૂછ્યું હતું કે કોઈ દેવતાના જન્મસ્થળને ન્યાયિક વ્યક્તિ તરીકે કેવી રીતે માની શકાય, જે આ કેસમાં પક્ષકાર પણ ન હોય.
કોર્ટમાં રામલલાના વકીલે પોતાની દલીલો રજૂ કરી હતી. જેથી સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે પણ રામમંદિર કેસની સુનાવણી કરવામાં આવશે. મહત્ત્વનું છે કે દર સપ્તાહે મંગળ-બુધ અને ગુરુવારે જ સુનાવણી થાય છે. પરંતુ સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર શુક્રવારે કામની યાદીમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદની સુનાવણી પણ સામેલ છે.
રામલલાના વકીલ કે. પરાસરણે કહ્યું કે દેવતાની હાજરી એક ન્યાયિક વ્યક્તિ હોવાના પરીક્ષણની કસોટી નથી. તેમણે જણાવ્યું કે નદીઓની પણ પૂજા કરવામાં આવે છે, ઋગ્વેદ પ્રમાણે સૂર્ય એક દેવતા છે, સૂર્ય એક મૂર્તિ નથી. પરંતુ તે સર્વકાલિક દેવતા છે, જેથી સૂર્યને એક ન્યાયિક વ્યક્તિ ગણી શકાય છે.
જસ્ટિસ ભૂષણે આ દરમિયાન રામલલાના વકીલને પૂછવામાં આવ્યું કે શું જન્મસ્થાનને વ્યક્તિગત માની શકાય છે, જે પ્રકારે ઉત્તરાખંડની હાઈ કોર્ટે ગંગાને વ્યક્તિ માની હતી. આ અંગે પરાસરણે કહ્યું કે રામજન્મભૂમિ વ્યક્તિ હોઈ શકે છે અને રામલલા પણ, કારણ કે એ એક મૂર્તિ નથી પણ એક દેવતા છે. અમે તેમને સજીવ માનીએ છીએ.
સુનાવણી દરમિયાન રામલલાના વકીલ કે. પરાસરણે કહ્યું કે જન્મસ્થાન અંગે સચોટ સ્થળની જરૂર નથી, પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ હોઈ શકે છે. તેમણે કહ્યું કે હિન્દુ અને મુસ્લિમ પક્ષો બન્ને જ વિવાદિત ક્ષેત્રને જન્મસ્થાન ગણાવે છે, જેથી આ મુદ્દે તો કોઈ વિવાદ જ નથી કે આ ભગવાન રામનું જન્મસ્થાન છે.

ayodhya verdict ayodhya