મોદી સરકારને રાહત:સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી

06 January, 2021 03:12 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મોદી સરકારને રાહત:સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી

સુપ્રીમ કોર્ટ તરફથી કેન્દ્રની મોદી સરકારને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. આપને જણાવી દઈએ કે પાછલી સુનવણીમાં સુપ્રીમ કોર્ટે સંસદ ભવનના શિલાન્યાસને મંજૂરી આપી દીધી હતી. જસ્ટિસ એ.એમ. ખાનવિલકર, જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે ૨-૧ની બહુમતીથી આ ચુકાદો સંભળાવતાં કહ્યું કે તેમની બેન્ચ સરકારને આ યોજના માટે મંજૂરી આપી રહ્યું છે.

જસ્ટિસ ખાનવિલકર અને જસ્ટિસ માહેશ્વરીએ ૨-૧ની બહુમતી આપતાં ચુકાદામાં કેન્દ્ર સરકારના ડીડીએ ઍક્ટના અંતર્ગત આ પ્રોજેક્ટને યોગ્ય ગણાવ્યો. તો જસ્ટિસ સંજીવ ખન્ના બહુમતીથી અલગ રહ્યા. બેન્ચે સાથોસાથ સરકારને પ્રદૂષણને નાથવા માટે સ્મોગ ટાવર લગાવવાનું પણ કહ્યું છે.

નવા સંસદ ભવનમાં લોકસભાનો આકાર હાલ કરતાં ત્રણ ગણો વધુ હશે. રાજ્યસભાનો આકાર પણ વધશે. કુલ ૬૪,૫૦૦ વર્ગમીટર ક્ષેત્રમાં નવા સંસદ ભવનનું નિર્માણ તાતા પ્રોજેક્ટ્સ લિમિટેડ તરફથી કરાશે. નવા સંસદ ભવનની ડિઝાઇન એચસીપી ડિઝાઇન પ્લાનિંગ ઍન્ડ મૅનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ તૈયાર કરી છે. શહેરી કાર્ય મંત્રાલયના અધિકારીઓના મતે નવું સંસદ ભવન ૨૦૨૨માં આઝાદીની ૭૫મી વર્ષગાંઠના અવસર પર નવા ભારતની આવશ્યકતાઓ તથા આકાંક્ષાઓને અનુરૂપ હશે.

national news