BBC ડૉક્યુમેન્ટરી પર પ્રતિબંધને પડકાર: સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા સંમત, જાણો વિગત

30 January, 2023 12:33 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સુપ્રીમ કોર્ટ આ મામલે 6 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે. એડવોકેટ એમએલ શર્માએ પ્રતિબંધ વિરુદ્ધ અરજી દાખલ કરી છે

ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટ (Supreme Court) 2002ના ગુજરાત રમખાણો (Gujarat Riots) પર બીબીસીએ બનાવેલી ડોક્યુમેન્ટ્રી (BBC Documentry) પર સરકાર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધના મામલાની સુનાવણી કરવા સંમત થઈ છે. સુપ્રીમ કોર્ટ આ મામલે 6 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે. એડવોકેટ એમએલ શર્માએ પ્રતિબંધ વિરુદ્ધ અરજી દાખલ કરી છે.

એડવોકેટ એમએલ શર્માએ ચીફ જસ્ટિસને સુનાવણી માટે વિનંતી કરી છે. આના પર સુપ્રીમ કોર્ટે આગામી સોમવારે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ સુનાવણીનો નિર્દેશ આપ્યો હતો. એડવોકેટ મનોહર લાલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં, સર્વોચ્ચ અદાલતને બીબીસી ડોક્યુમેન્ટરીના બંને ભાગોને બંને ભાગો મંગાવીને તેની તપાસ કરવા વિનંતી કરવામાં આવી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે 2002ના ગુજરાત રમખાણો માટે જેઓ પ્રત્યક્ષ અને આડકતરી રીતે જવાબદાર હતા તેમની સામે પણ પગલાં લેવામાં આવે.

ડૉક્યુમેન્ટ્રી જોવાનો અધિકાર છે કે નહીં?

વકીલે તેમની પીઆઈએલમાં બંધારણીય પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે “સર્વોચ્ચ અદાલતે નક્કી કરવાનું છે કે નાગરિકોને કલમ 19(1)(2) હેઠળ 2002ના ગુજરાત રમખાણો અંગેના સમાચાર, તથ્યો અને અહેવાલો જોવાનો અધિકાર છે કે નહીં.

મંત્રાલયના આદેશ પર ઉઠ્યા સવાલ

તેમણે 21 જાન્યુઆરી, 2023ના રોજ સૂચના અને પ્રસારણ મંત્રાલયના આદેશને ગેરકાયદેસર, દુર્ભાવનાપૂર્ણ, મનસ્વી અને ગેરબંધારણીય ગણાવીને રદ કરવાના નિર્દેશની માગ કરી છે. તેમની અરજીમાં સવાલ કરવામાં આવ્યો છે કે, શું કેન્દ્ર સરકાર પ્રેસની સ્વતંત્રતા પર અંકુશ લગાવી શકે છે, જે બંધારણની કલમ 19(1)(2) હેઠળ બાંયધરી આપવામાં આવેલ મૂળભૂત અધિકાર છે.

આ પણ વાંચો: ભારત જોડો યાત્રાના સમાપન કાર્યક્રમમાં ૨૧ પૉલિટિકલ પાર્ટીઓને આમંત્રણ, પણ ૧૨જ હાજર

અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે બીબીસીની ડોક્યુમેન્ટ્રીમાં `રેકોર્ડેડ તથ્યો` છે, જે `પુરાવા` પણ છે અને તેનો ઉપયોગ પીડિતોને ન્યાયનો માર્ગ મોકળો કરવા માટે કરી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 21 જાન્યુઆરીએ કેન્દ્રએ બીબીસીની ડોક્યુમેન્ટ્રી `ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન` (India: The Modi Question)ની લિંક શેર કરતી અનેક યુટ્યુબ વીડિયો અને ટ્વિટર પોસ્ટને બ્લોક કરવાની સૂચના આપી હતી.

national news bbc narendra modi supreme court