ટેકાના ભાવ હતા, છે અને રહેશે, આંદોલન બંધ કરો : નરેન્દ્ર મોદી

09 February, 2021 11:30 AM IST  |  New Delhi | Agencies

ટેકાના ભાવ હતા, છે અને રહેશે, આંદોલન બંધ કરો : નરેન્દ્ર મોદી

ટેકાના ભાવ હતા, છે અને રહેશે, આંદોલન બંધ કરો : નરેન્દ્ર મોદી

કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત આંદોલનની જ્વાળા પંજાબથી ઊઠીને હરિયાણાને પોતાનામાં શમાવતાં પશ્ચિમ યુપી સુધી ફેલાઈ ગઈ છે. પંજાબમાં જ્યાં ખેડૂતો રોડ પર ઊતર્યા છે તો પશ્ચિમ યુપીમાં ખાપ પંચાયતોનો તબક્કો ચાલી રહ્યો છે. આવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર રાજ્યસભાને જવાબ આપ્યો તો આંદોલનકારી ખેડૂતોને સાધવાનો પણ પ્રયત્ન કર્યો. મોદીએ ચૌધરી ચરણસિંહનો ઉલ્લેખ કરીને પશ્ચિમ યુપીના ખેડૂતોને સંદેશ આપ્યો તો સિખ સમુદાયને દેશની શાન ગણાવીને પંજાબના આંદોલનકારી ખેડૂતોનાં દિલ જીતવાનો પ્રયત્ન કર્યો.
કૃષિ કાયદાના મુદ્દા પર ચાલી રહેલા આંદોલનને લઈ નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું કે ટેકાના ભાવ હતા, છે અને રહેશે. એવામાં ખેડૂતોના આંદોલનને ખતમ કરવું જોઈએ અને ચર્ચા ચાલુ રાખવી જોઈએ. એ સિવાય કેટલાય મુદ્દા પર મોદીએ વિપક્ષ પર કટાક્ષ કર્યા હતા.
મોદીએ કહ્યું કે અમે આંદોલન કરનારાઓને પ્રાર્થના કરીએ છીએ કે આંદોલન કરવાનો બધાનો હક છે, પરંતુ આ રીતે વૃદ્ધ લોકો બેઠા છે એ યોગ્ય નથી. તમે તેમને લઈ જાઓ. તમે આંદોલનને ખતમ કરો. આગળ વધવા માટે સાથે બેસીને ચર્ચા કરીશું. હું ગૃહના માધ્યમથી પણ નિમંત્રણ આપું છું.

પીએમના આમંત્રણ બાદ ખેડૂત નેતાઓ વાટાઘાટ માટે તૈયાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન ચલાવી રહેલાં ખેડૂત સંગઠનોને સોમવારે તેમનું આંદોલન સમેટી લેવાની ભલામણ કરીને તેમને મંત્રણા માટે આમંત્રણ પાઠવ્યું, એના ટૂંક સમયમાં જ ખેડૂત સંગઠનોએ સરકારને આગામી સંવાદ માટેની તારીખ નક્કી કરવા જણાવ્યું હતું.
વર્તમાન આંદોલનના આગેવાન સંગઠન સંયુક્ત કિસાન મોરચાના સિનિયર સભ્ય તથા ખેડૂત નેતા શિવકુમાર કક્કાએ જણાવ્યું હતું કે તેઓ આગામી વાટાઘાટ માટે તૈયાર છે અને સરકારે તેમને મીટિંગની તારીખ અને સમય જણાવવા જોઈએ.

national news narendra modi