ચવાણ સરકાર મુશ્કેલીમાં

26 September, 2012 06:36 AM IST  | 

ચવાણ સરકાર મુશ્કેલીમાં



રવિકિરણ દેશમુખ

મુંબઈ, તા. ૨૭

ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે મંગળવારે બપોરે રાજીનામું આપી દીધા પછી ગઈ કાલે એનસીપીની બેઠકમાં તેમનું રાજીનામું પાછું ખેંચી લેવાની વિનંતી કરતા પ્રસ્તાવને મંજૂર કરવામાં આવ્યો હતો, પણ જ્યાં સુધી ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણને તેમના પદ પરથી નહીં હટાવાય ત્યાં સુધી અજિત પવાર રાજીનામું પાછું ખેંચવાના મૂડમાં નથી. આને પગલે રાજ્યની કૉન્ગ્રેસ-એનસીપી ગઠબંધનની ૧૩ વર્ષ જૂની લોકશાહી આઘાડી સરકાર પર આવેલી કટોકટી ઘેરી બની છે. ૫૩ વર્ષના અજિત પવાર કેન્દ્રીય કૃષિપ્રધાન શરદ પવારના ભત્રીજા છે. રાજ્યમાં કૉન્ગ્રેસ પર દબાણ લાવવા માટે અજિત પવારના સમર્થનમાં એનસીપીના બીજા ૨૦ પ્રધાનોએ પણ તેમનાં રાજીનામાંના પત્રો એનસીપીના સ્ટેટ યુનિટ ચીફ મધુકરરાવ પિચડને આપી દીધા હતા, પણ શરદ પવારે આ મુદ્દે આવતી કાલે બેઠક યોજી છે અને એમાં થનારી ચર્ચા પછી નર્ણિય લેવામાં આવશે.

અજિત પવારે રાજીનામું આપી દીધા પછી ગઈ કાલે બપોરે એનસીપી વિધાનમંડળ પક્ષના મેમ્બરોની મહત્વની બેઠક યોજાઈ હતી અને ૨૦ મિનિટ ચાલેલી આ બેઠકમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે રાજીનામું પાછું ખેંચી લેવું જોઈએ એવો પ્રસ્તાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. એનસીપીના સ્ટેટ પાર્ટી ચીફ મધુકરરાવ પિચડે આ પ્રસ્તાવ મૂક્યો હતો.

નવી દિલ્હીમાં કેન્દ્રીય મિનિસ્ટર પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે ‘પૃથ્વીરાજ ચવાણે અજિત પવારનું રાજીનામું સ્વીકારી લેવું જોઈએ. હવે પછી પાર્ટી રાજ્યમાં કોઈ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નૉમિનેટ નહીં કરે.’

જોકે તેમના આવા નિવેદનના પગલે એનસીપીના મેમ્બરોને આંચકો લાગ્યો હતો. બીજી તરફ ગઈ કાલે કલકત્તામાં શરદ પવારે જણાવ્યું હતું કે અજિત પવારનું રાજીનામું મંજૂર થશે, પણ બીજા પ્રધાનોનાં રાજીનામાં મંજૂર નહીં થાય.

જોકે એમ જાણવા મળે છે કે અજિત પવારને અનેક વિધાનસભ્યોનો ટેકો છે. તેમનું કહેવું છે કે પૃથ્વીરાજ ચવાણ ક્યારેય પર્સનલ ફેવરને માન્ય રાખતા નથી. અનેક વિધાનસભ્યોને એવું લાગી રહ્યું છે કે તેમની માગણી સ્વીકારવામાં નહીં આવે તો તેઓ ફરી ચૂંટાઈ નહીં શકે. અજિત પવારને હવે એનસીપીના મેમ્બરોનો પણ ટેકો મળી ગયો છે ત્યારે તેઓ હવે રાજીનામા બાબતે પાછી પાની કરે એવા નથી. અજિત પવારના એક ટેકેદારે જણાવ્યું હતું કે સિંચાઈ ખાતાના ભ્રષ્ટાચાર વિશે હવે ખુદ અજિત પવારે શ્વેતપત્રિકાની માગણી કરી છે. હવે એનસીપીના વિધાનસભ્યોએ શરદ પવાર સાથે બેઠક યોજવાની માગણી કરી છે ત્યારે શુક્રવારે વાય. બી. ચવાણ સેન્ટરમાં આ બેઠક યોજાવાની છે.

અજિત પવારના ટેકેદારોના જણાવ્યા મુજબ કેટલાક મુદ્દે તેમને ચીફ મિનિસ્ટર સાથે વાતચીત કરવાનો વ્યવહાર પણ નહોતો. ચીફ મિનિસ્ટર એનસીપીને નુકસાન પહોંચાડવા માગે છે અને એથી જ તેઓ શ્વેતપત્રિકા અને બીજા ઇશ્યુઓ વિશે નર્ણિય પાછા ઠેલી રહ્યા છે. આ સરકારને બહારથી ટેકો આપી રહેલા ઇન્ડિપેન્ડન્ટ મેમ્બરો પણ અજિત પવારના ટેકામાં છે. તેમના નેતા અને બાર્શી વિધાનસભા મતદાર સંઘના વિધાનસભ્ય દિલીપ સોપલે જણાવ્યું હતું કે જો અજિત પવાર સરકારમાંથી નીકળી જશે તો અમે આ સરકારને ટેકો આપવો કે નહીં એ વિશે ફરી વિચાર કરીશું.

ગઈ કાલે બપોરે વિધાનભવનમાં એનસીપીના મેમ્બરોની બેઠક યોજાઈ ત્યારે અજિત પવારના સમર્થનમાં તેમણે સૂત્રોચ્ચાર કર્યો હતો.

કાકા સાથે કોઈ મતભેદ નથી : અજિત પવાર

પત્રકારો સાથે અનૌપચારિક વાતચીતમાં અજિત પવારે જણાવ્યું હતું કે ‘મારે કાકા શરદ પવાર સાથે કોઈ મતભેદ નથી. પવારની પુત્રી સુપ્રિયા સુળે સાથે પણ મારે કોઈ મતભેદ નથી.’

રાજીનામું ગવર્નરને મોકલવામાં નથી આવ્યું

અજિત પવારે મંગળવારે બપોરે ચીફ મિનિસ્ટરને રાજીનામું આપી દીધું હોવા છતાં ગઈકાલ સાંજ સુધીમાં એ ગવર્નરને મોકલવામાં આવ્યું નહોતું. આનો અર્થ એ થઈ રહ્યો છે કે કૉન્ગ્રેસ પાર્ટી સમક્ષ સરકારને બચાવી રાખવાની ચિંતા છે. બીજી તરફ મંત્રાલયમાં ગઈ કાલે એનસીપીના મિનિસ્ટરોએ હાજરી આપી નહોતી.

કૉન્ગ્રેસના વિધાનસભ્યોને મળશે સીએમને

અજિત પવારે ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણને નિશાન બનાવીને તેમની વિકેટ લેવા માટે રાજીનામું આપી દીધું છે એવી ચર્ચા વચ્ચે ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણ કૉન્ગ્રેસના વિધાનસભ્યોને આજે મળશે અને અજિત પવારના રાજીનામાના પગલે ઊભી થયેલી પરિસ્થિતિ પર ચર્ચા કરશે. ગઈ કાલે તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલામાં પણ એક બેઠક યોજાઈ હતી. રાજ્યમાં કૉન્ગ્રેસ પાસે ૮૨ વિધાનસભ્યો છે, જ્યારે એનસીપી પાસે ૬૨ વિધાનસભ્યો છે.

સુપ્રિયાને રાજ્યના રાજકારણમાં નથી આવવું

ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે મંગળવારે બપોરે રાજીનામું આપતાં તેમનું સ્થાન શરદ પવારનાં પુત્રી અને સંસદસભ્ય સુપ્રિયા સૂળે લેશે એવી થઈ રહેલી ચર્ચાને પગલે તેમણે ગઈ કાલે નાશિકમાં જણાવ્યું હતું કે ‘મને રાજ્યના રાજકારણમાં આવવાની કોઈ ઇચ્છા નથી. મારે અહીં આવવું નથી એટલે આ પદનો સવાલ જ પેદા થતો નથી.’

અજિત પવારનાં શરદ પવારે કર્યા વખાણ

ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે મંગળવારે બપોરે રાજીનામું આપી દેતાં એનસીપીના અધ્યક્ષ શરદ પવારે તેમના નર્ણિયને સાહસિક ગણાવીને તેમનાં વખાણ કર્યા હતાં. ગઈ કાલે કલકત્તામાં શરદ પવારે જણાવ્યું હતું કે અજિત પવારનું રાજીનામું મંજૂર થશે, પણ બીજા પ્રધાનોનાં રાજીનામાં મંજૂર નહીં થાય. પત્રકારોએ જ્યારે પૂછ્યું કે પૃથ્વીરાજ ચવાણે નવી દિલ્હી પાછા ફરી જવું જોઈએ ત્યારે પવારે જણાવ્યું હતું કે ‘પૃથ્વીરાજ ચવાણ મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર રહે કે પછી દિલ્હીમાં પ્રધાન બને એ કૉન્ગ્રેસનો આંતરિક પ્રશ્ન છે. આ રાજીનામાથી અમે કૉન્ગ્રેસ પર દબાણની રાજનીતિ કરી રહ્યા નથી.’

બારામતીમાં બંધ, પુણેમાં લાગ્યાં બોર્ડ

ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે મંગળવારે બપોરે રાજીનામું આપ્યા પછી મરાઠા સ્ટ્રૉન્ગમૅન શરદ પવારના ગઢસમાન બારામતીમાં ગઈ કાલે બપોર પછી બંધ પાળવામાં આવ્યો હતો. મુખ્ય બજારોમાં સવારથી જ ચહલપહલ ઓછી હતી અને શહેરના મોટા ભાગના વ્યવહારો બંધ રહ્યા હતા. પુણેમાં ઠેકઠેકાણે એનસીપીના કાર્યકરો દ્વારા એવાં બોર્ડ લગાવવામાં આવ્યાં હતાં કે સાહેબ, તમે જ મુખ્યમંત્રી બનો.

ભુજબળ, તટકરે ને પ્રફુલ પટેલ પણ કટોકટી માટે છે જવાબદાર

અજિત પવારના રાજીનામાને પગલે એક તરફ લોકોમાં એવી ચર્ચા છે કે તેમના અને ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણ વચ્ચે ખટરાગ છે, પણ હાલમાં ઊભી થયેલી આ કટોકટી માટે એનસીપીના બીજા નેતાઓ પણ જવાબદાર હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. કૉન્ગ્રેસની નેતાગીરી સાથે થયેલા મતભેદ બાદ શરદ પવારે એનસીપીની સ્થાપના કરી હતી, પણ આજે એમાં પણ ટોચની નેતાગીરીમાં એકસૂત્રતાનો અભાવ દેખાઈ રહ્યો છે.

પ્રફુલ પટેલે જ્યારે નવી દિલ્હીમાં એવી જાહેરાત કરી કે અજિત પવારના રાજીનામા પછી ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની પોસ્ટ ખાલી રહેશે અને એને ભરવામાં નહીં આવે ત્યારે રાજ્યના કોઈ નેતાને આ વિશે ખબર નહોતી.

ગયા શુક્રવારે પ્રફુલ પટેલના નિવાસસ્થાને એનસીપીના કોર ગ્રુપની એક બેઠક યોજાઈ હતી અને એમાં શરદ પવાર, અજિત પવાર અને બીજા નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સિંચાઈખાતાના પ્રધાન સુનીલ તટકરે પર થઈ રહેલા ભ્રષ્ટાચારના મુદ્દાની ચર્ચા હતી અને શરદ પવાર અને પ્રફુલ પટેલનું માનવું હતું કે તટકરેએ રાજીનામું આપી દેવું જોઈએ. આના લીધે આ આખા વિવાદ પર પડદો પડી જશે અને એક વાર તપાસ શરૂ થશે પછી લોકોનું ધ્યાન બીજે દોરવાઈ જશે. જોકે અજિત પવાર આ નર્ણિયના વિરોધમાં હતા અને તેમના મતે રાજીનામું તો પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના મિનિસ્ટર છગન ભુજબળે આપી દેવું જોઈતું હતું. તેમની સામે દિલ્હીમાં મહારાષ્ટ્ર સદન બાંધવાના અને મુંબઈમાં અંધેરીમાં રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસના પ્લૉટ પરના રીડેવલપમેન્ટમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો છે. આ માટે શરદ પવાર કે પ્રફુલ પટેલ રાજી ન હોવાથી અજિત પવાર આ બેઠક છોડીને જતા રહ્યા હતા.

હવે અજિત પવાર તેમના રાયગડ જિલ્લાના સાથી સુનીલ તટકરેને બચાવવા બહાર પડ્યા છે. તટકરે સામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો છે. બ્લૅક મનીને વાઇટ કરવા માટે તેમણે અનેક બોગસ કંપનીઓ ખોલી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

પ્રફુલ પટેલ હવે અજિત પવારને બદલે શરદ પવારની પુત્રી સુપ્રિયા સૂળેના પક્ષમાં વધારે બોલતા હોય છે. એનસીપીમાં હાલમાં મોટી કટોકટી ચાલી રહી હોવા છતાં સુપ્રિયા સૂળે તેમની રાષ્ટ્રવાદી યુવતી કૉન્ગ્રેસને મજબૂત બનાવવાના કાર્યક્રમો આખા રાજ્યમાં કરી રહ્યાં છે. ગઈ કાલે તેઓ નાશિકમાં હતાં અને આજે તેઓ નંદુરબારમાં છે.

પાર્ટીના નેતાઓ જણાવે છે કે અજિત પવારે તેમનું સ્થાન મજબૂત બનાવવા માટે કમર કસી છે અને એનાં ફળ દેખાઈ રહ્યાં છે. શરદ પવાર પછી કોણ એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે ત્યારે નજીકના ભવિષ્યમાં શરદ પવારના સ્થાને કોઈકને તો નૉમિનેટ કરવા જ પડશે.

એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી