પ્રેમમાં નિષ્ફળતા બદલ કોઈ વ્યક્તિ આત્મહત્યા કરી લે તો તેની નબળી માનસિકતા જવાબદાર, પાર્ટનર નહીં

18 April, 2024 08:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાઈ કોર્ટનો આ ચુકાદો એક પુરુષની આત્મહત્યાના કેસમાં આવ્યો હતો જેમાં મહિલા અને તેના મિત્રને ઉશ્કેરવાના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં

પ્રતીકાત્મક તસવીર

દિલ્હી હાઈ કોર્ટે કહ્યું હતું કે પ્રેમમાં નિષ્ફળતા બદલ કોઈ પુરુષ આત્મહત્યા કરે તો એ માટે સ્ત્રીને જવાબદાર ગણી શકાય નહીં. કોર્ટે આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં એક મહિલા અને તેના મિત્રને આગોતરા જામીન આપતી વખતે કહ્યું હતું કે નબળી અને નાજુક માનસિકતા ધરાવતી વ્યક્તિ ખોટો નિર્ણય લે તો એ માટે અન્ય વ્યક્તિને દોષી ઠેરવી શકાય નહીં. જસ્ટિસ અમિત મહાજને જણાવ્યું હતું કે ‘કોઈ પ્રેમી પ્રેમમાં નિષ્ફળતાને કારણે આત્મહત્યા કરે, કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નબળા પ્રદર્શનને કારણે આત્મહત્યા કરે, કોઈ ક્લાયન્ટ કેસ ડિસમિસ થવાના કારણે આત્મહત્યા કરે તો અનુક્રમે મહિલા, પરીક્ષક અને વકીલ દ્વારા આત્મહત્યાની ઉશ્કેરણી માની શકાય નહીં.’

હાઈ કોર્ટનો આ ચુકાદો એક પુરુષની આત્મહત્યાના કેસમાં આવ્યો હતો જેમાં મહિલા અને તેના મિત્રને ઉશ્કેરવાના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં. મરનારના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે અરજદારોએ મરનારને એમ કહીને ઉશ્કેર્યો હતો કે તેઓ એકબીજા સાથે શારીરિક સંબંધો ધરાવે છે અને ટૂંક સમયમાં લગ્ન કરશે. મરનારની સુસાઇડ-નોટમાં પણ અરજદારોનું નામ હતું. કોર્ટે નોંધ્યું કે મરનાર સંવેદનશીલ સ્વભાવનો હતો અને મહિલાને અવારનવાર આત્મહત્યાની ધમકી આપતો હતો. સુસાઇડ-નોટ પરથી એવું અનુમાન ન કરી શકાય કે અરજદારોએ મરનારને આત્મહત્યા માટે મજબૂર કર્યો હતો.

national news delhi news Crime News