એક તરફ ડર હૈ, દૂસરી તરફ કુછ ભી કરગુઝરને કી આગ

16 December, 2023 11:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સંસદમાં ગંભીર સુરક્ષા-ચૂકના એક આરોપીની ડાયરીમાંથી આ લખાણ મળ્યું ઃ આ સ્મોક ટેરરની ઘટનાના અનેક સવાલના જવાબ મેળવવાના હજી બાકી છે

સંસદમાં સુરક્ષા-ચૂક મામલે આરોપી અને માસ્ટરમાઇન્ડ મનાતા લલિત ઝાને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાયો હતો.

નવી દિલ્હી ઃ ૨૦૧૧ની ૧૩ ડિસેમ્બરે જે આતંકવાદીઓએ સંસદભવન પર હુમલો કર્યો હતો તેમનો બદઇરાદો જગજાહેર હતો, પરંતુ સંસદ પર એ હુમલાની વરસીએ ૨૦૨૩ની ૧૩ ડિસેમ્બરે લોકસભામાં યલો ટેરર ફેલાવનાર આરોપીઓનો હેતુ હજી સુધી સ્પષ્ટ નથી થયો. બુધવારે બે વ્યક્તિઓ સાગર શર્મા અને મનોરંજન ડી શૂન્ય કાળ દરમ્યાન વિઝિટર્સ ગૅલરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદ્યા હતા અને તેમણે સ્પ્રેના કૅનથી યલો કલરનો ધુમાડો કર્યો હતો તથા સૂત્રોચ્ચાર કર્યો હતો. જોકે કેટલાક સંસદસભ્યોએ તેમને પકડી લીધા હતા. લગભગ એ જ સમયે સંસદભવનની બહાર અન્ય બે આરોપીઓ અમોલ શિંદે અને નીલમદેવીએ કૅનમાંથી કલર ગૅસ સ્પ્રે કર્યો હતો. આ ઘટનાને લઈને કેટલાક સવાલના હજી સુધી જવાબ મળી શક્યા નથી. આ સવાલોના જવાબો મેળવ્યા વિના સમગ્ર કાવતરાનો ખ્યાલ ન આવી શકે.
 

માસ્ટરમાઇન્ડ છે કે હૅન્ડલર?
લલિત ઝા કાવતરાના ભાગરૂપે ઘટનાસ્થળેથી ભાગી જઈને પુરાવાનો નાશ કરીને પાછો પોલીસ સમક્ષ હાજર થઈ ગયો. તેણે પાછા ફરતાં પહેલાં આરોપીઓના તમામ ફોન તોડી નાખ્યા અને એ તેણે સંસદમાંથી ભાગતા પહેલા પોતાની પાસે રાખી મૂક્યા હતા. આ ફોન મહત્ત્વના પુરાવા પુરવાર થઈ શક્યા હોત. લલિત ઝા સાથે પોલીસે મહેશ નામની એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે. મહેશે જ લલિત ઝા માટે હોટેલમાં રોકાવાની વ્યવસ્થા કરી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ધરપકડ કરાયેલી વ્યક્તિઓમાંથી કોઈનો પણ ક્રિમિનલ રેકૉર્ડ નથી. ફિલ્મી સ્ટાઇલમાં કંઈક કરીને પબ્લિસિટી મેળવવાની ઘેલછા તો સમજાય, પરંતુ સંસદની અંદર ઘૂસણખોરી કરવાની વાત પચે એમ નથી. જે રીતે આ સમગ્ર કાવતરાને પાર પાડવામાં આવ્યું છે એ કોઈક પ્રોફેશનલ ક્રિમિનલનું કામ છે. એટલે જ માનવામાં આવી રહ્યું છે કે લલિત ઝા માસ્ટરમાઇન્ડ નહીં, પણ હૅન્ડલર છે. તેણે બીજા કોઈના કહેવાથી આ ટાસ્ક કમ્પ્લીટ કરાવ્યું.

આ યંગસ્ટર્સને કોણે તૈયાર કર્યા?
સવાલ એ છે કે આ પાંચ જણ આટલું મોટું પગલું લેવા કેવી રીતે તૈયાર થઈ ગયા? તેમણે પોતાની રીતે જ નિર્ણય કર્યો કે કોઈની ઉશ્કેરણીને કારણે આમ કર્યું. માનવામાં આવી રહ્યું છે કે તેમના જીવનમાં નિષ્ફળતા મળવાને કારણે તેમનામાં રોષની લાગણી જન્મી હતી, જેનો કોઈકે ફાયદો ઉઠાવ્યો. આ મામલે આરોપી સાગર શર્માના ઘરેથી એક ડાયરી મળી આવી છે. આ ડાયરી તે ૨૦૧૫થી લખતો હતો. સાગરે ડાયરીમાં લખ્યું હતું કે ‘એક તરફ ડર હૈ, દૂસરી તરફ કુછ બી કરગુઝરને કી આગ.’

નિશાના પર કોણ હતા?
આ આરોપીઓના નિશાના પર કોણ હતા? શું તેઓ સરકારને ટાર્ગેટ કરવા માગતાં હતાં?
મનમાં કઈ લાલચ હતી?
આ આરોપીઓને ખ્યાલ જ હતો કે 
આ ઘટના બાદ તેમની આખી જિંદગી જેલમાં જશે, તો પછી આ લોકો કેવી રીતે તૈયાર થઈ ગયાં. તેમના મનમાં કઈ લાલચ હતી?

સંસદની સુરક્ષામાં ચૂક બાબતે વિપક્ષોએ હોબાળો મચાવ્યો

નવી દિલ્હીઃ સંસદની સુરક્ષામાં ચૂક અને સાંસદોને સસ્પેન્ડ કરવા બાબતે ગઈ કાલે સંસદમાં ખૂબ જ હોબાળો થયો હતો. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. હોબાળાને કારણે બન્ને ગૃહમાં કોઈ મહત્ત્વપૂર્ણ કાયદાકીય કામ થઈ શક્યું નહીં. વિપક્ષી પાર્ટીઓના સભ્યો ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન અને ચર્ચાની માગ કરી રહ્યા છે. કૉન્ગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાના આ ગંભીર વિષય પર અવાજ ઉઠાવવો એ અમારું કર્તવ્ય છે. સંસદીય ધર્મ છે; જ્યારે બીજી બાજુ વિપક્ષી દળની માગ પર બીજેપીનું કહેવું છે કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને એ બાબતે રાજનીતિ કરવી જોઈએ નહીં. 

સંસદમાં ગંભીર ચૂકના આરોપીઓને ઘરે રાખનારો ડ્રાઇવર કાવતરાથી અજાણ હતોઃ દિલ્હી પોલીસ

નવી દિલ્હી: ગુરુગ્રામ હાઉસિંગ રોડ એરિયામાં કૉલોની રોડની બાજુમાં બે બેડરૂમવાળું અસ્તવ્યસ્ત ઘર આવેલું છે, જેના પર કોઈનું ધ્યાન પણ જાય એમ નથી. મંગળવારના રોજ આ ઘર પાંચ લોકોનું યજમાન બની ગયું, જેઓ હાલ દેશ-દુનિયામાં હેડલાઇનમાં છે. આ પાંચ જણમાંથી બે જણે લોકસભા ચેમ્બરમાં ઘૂસીને હોબાળો મચાવ્યો હતો, જ્યારે બીજા બે જણે સંસદભવનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આરોપીઓ સાગર શર્મા, મનોરંજન ડી, નીલમ સિંહ, અમોલ શિંદે અને લલિત ઝા આ તમામ લોકો દિલ્હીમાં ભેગા થયાં હતાં અને ગુરુગ્રામના આ ઘરમાં રોકાયા હતાં. 

આ ઘરનો માલિક વિશાલ શર્મા ઉર્ફે વિકી છે, જે ડાબા હાથમાં દુખાવો શરૂ થવા પહેલાં ૨૦૨૨માં પ્રાઇવેટ કાર-ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. આ લોકો ઘૂસણખોરીના ગુનેગારો હોવા છતાં તેમને ઘરમાં રાખ્યા. પોલીસનું માનવું છે કે તેને આછેરો ખ્યાલ પણ નહીં હોય કે આ લોકો શું પ્લાનિંગ કરી રહ્યાં છે. ગુરુગ્રામ અસિસ્ટન્ટ પોલીસ કમિશનર વરુણ દહિયાએ કહ્યું કે ‘શર્મા અને તેની પત્નિ બ્રિન્દાની પોલીસે પૂછપરછ કરીને બુધવારે સાંજે ૬.૩૦ વાગ્યે તેમને ગુરુગ્રામ પરત મોકલ્યાં હતાં. દિલ્હી પોલીસને તેમની સંડોવણી ન મળતાં તેમને ​છોડી દેવાયાં હતાં. તેઓ આ કાવતરાથી આજાણ હતાં.’ 

પોલીસે જણાવ્યું કે શર્મા મનોરંજન ડીને ૨૦૧૬-૧૭માં મળ્યો હતો, જ્યારે તેઓ ચંડીગઢમાં ઍરપોર્ટનું નામ ભગતસિંહના નામ પર નહીં રાખવા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તપાસકર્તાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ વિરોધ પ્રદર્શન માટે મનોરંજન બૅન્ગલોરથી દિલ્હી ફ્લાઇટમાં આવ્યો અને વિશાલ ઉર્ફે વિકીના ઘરે રોકાયો હતો. વિકી શર્મા બે વર્ષ પહેલાં અન્ય હુમલાખોર સાગર શર્માને ગુરુગ્રામમાં મળ્યો હતો. વિશાલ ઉર્ફે વિકીને સંસદમાં વિરોધ પ્રદર્શનની જાણ હતી, પણ ગૃહની અંદર પણ આ થ‍વાનું હતું એની જાણ નહોતી. 

national news Lok Sabha new delhi