મેડ ઇન ઇન્ડિયા ધ્રુવાસ્ત્ર મિસાઇલનું સફળ પરીક્ષણ

23 July, 2020 11:08 AM IST  |  Balasore | Agencies

મેડ ઇન ઇન્ડિયા ધ્રુવાસ્ત્ર મિસાઇલનું સફળ પરીક્ષણ

ધ્રુવાસ્ત્ર મિસાઇલ

મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત દેશની સેનાને સતત મજબૂત બનાવવામાં આવી રહી છે. ત્યારે સેનાની શક્તિમાં વધુ એક નામનો ઉમેરો થયો છે અને ઍન્ટિ ટૅન્ક ‘ધ્રુવાસ્ત્ર’ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભારતમાં જ બનેલી આ મિસાઇલ દુશ્મનને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવાની શક્તિ ધરાવે છે. ઓડિશાના બાલાસોર ખાતે ૧૫ અને ૧૬ જુલાઈના રોજ એનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ સેનાને એની સોંપણી કરવામાં આવી છે.

ભારતીય સેનાના ધ્રુવ હેલિકૉપ્ટર સાથે આ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવશે. મતલબ કે અટૅક હેલિકૉપ્ટર ધ્રુવ પર એને ત‍હેનાત કરવામાં આવશે, જેથી સમય આવ્યે દુશ્મનોને પાઠ ભણાવી શકાય. જોકે હાલમાં જે ટેસ્ટ કરવામાં આવી એ હેલિકૉપ્ટર વગર જ કરવામાં આવી છે. પહેલાં આ મિસાઇલને ‘નાગ’ નામ આપવામાં આવ્યું હતું, જેને બદલીને હવે ધ્રુવાસ્ત્ર કરી દેવાયું છે.

આ મિસાઇલ સ્વદેશી છે અને એની ક્ષમતા ૪ કિલોમીટર સુધીની છે. એ કોઈ પણ ટૅન્કને નષ્ટ કરી શકે છે. ધ્રુવ હેલિકૉપ્ટર પણ સંપૂર્ણપણે સ્વદેશી હેલિકૉપ્ટર છે. આ સંજોગોમાં ડીઆરડીઓ અને સેના માટે એને મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે, કારણ કે હવે આવી મિસાઇલ માટે કોઈ બીજા દેશ પર નિર્ભર નહીં રહેવું પડે.

national news new delhi