બધાની નજર સુપ્રીમ ર્કોટ પર છે ત્યારે સ્વામી વધુ ધડાકા કરશે?

27 September, 2011 08:32 PM IST  | 

બધાની નજર સુપ્રીમ ર્કોટ પર છે ત્યારે સ્વામી વધુ ધડાકા કરશે?

 

આજે સર્વોચ્ચ અદાલત ગૃહપ્રધાન ચિદમ્બરમની ટેલિકૉમ ભૂમિકાની તપાસ કરવા વિશે ચુકાદો આપવાની છે ત્યારે જનતા પાર્ટીના ચીફે વધુ પુરાવા રજૂ કરવાની વાત કરી છે


નવી દિલ્હી: આજનો દિવસ કેન્દ્રના ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ અને યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ) માટે મહત્વનો છે. આજે સુપ્રીમ ર્કોટ 2જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ કેસમાં ચિદમ્બરમ સામે સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) તપાસની દાદ ચાહતી જનતા પાર્ટીના ચીફ સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર ચુકાદો આપે એવી સંભાવના છે ત્યારે સ્વામીએ કહ્યું છે કે સરકારે મેં રજૂ કરેલા પુરાવાની સત્યતાને પડકારી નથી અને આથી ફલિત થાય છે કે મારા પુરાવાઓ સાચા છે. સ્વામીએ યુપીએ સરકારની ઊંઘ ઊડી જાય એવી વાતમાં કહ્યું હતું કે હું ર્કોટ પાસે ચિદમ્બરમ વિરુદ્ધ વધુ પુરાવા રજૂ કરવાની પરવાનગી માગીશ.


સોનિયાનું ડૅમેજ કન્ટ્રોલ બીજી બાજુ યુપીએ સરકાર પર આવેલા મહાસંકટનો નિવેડો આણવા કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી પોતાના લડી રહેલા બે સિનિયર મિનિસ્ટરો નાણાપ્રધાન પ્રણવ મુખરજી અને ગૃહપ્રધાન ચિદમ્બરમને પોતાના નિવાસસ્થાન ૧૦, જનપથમાં અલગ-અલગ મળ્યાં હતાં. સોનિયા પહેલાં ચિદમ્બરમને ૨૫ મિનિટ મળ્યાં હતાં. ચિદમ્બરમે આખા કૌભાંડમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. ત્યાર બાદ પ્રણવ મુખરજી સોનિયાને મYયા હતા અને તેમને યુપીએ સરકારને મુશ્કેલીમાં મૂકતી પોતાના મંત્રાલયની નોટ બહાર કેવી રીતે આવી એ સમજાવ્યું હતું. આ બન્ને અલગ-અલગ મળ્યા એ જ પ્રૂવ કરે છે કે બન્ને વચ્ચેના સંબંધો વણસી ગયા છે.

તો પીએમના રાજીનામાની માગણી


કૉન્ગ્રેસ પક્ષનું માનવું છે કે જો ચિદમ્બરમના રાજીનામાની ઑફર કે માગણી સ્વીકારવામાં આવશે તો વિરોધપક્ષો ત્યાર બાદ વડા પ્રધાન મનમોહન સિંહના રાજીનામાની જ માગણી કરશે. આથી કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી કોઈ પણ રીતે ચિદમ્બરમને બચાવી લેવા માગે છે.

સરકારનું ડિફેન્સ શું છે?


કેન્દ્રના કાયદાપ્રધાન સલમાન ખુરશીદે સરકારના બચાવની લાઇન નક્કી કરી લીધી છે. સલમાન ખુરશીદ કહે છે કે ‘પ્રણવ મુખરજીએ તત્કાલીન નાણાપ્રધાન ચિદમ્બરમની ભૂમિકા પર શંકા ઉઠાવતી નોટ જોઈ હતી એનો અર્થ એ ન થાય કે તેઓ એની સાથે સંમત છે. આ નોટ લખનાર વ્યક્તિ અતિશય નાની છે. મેં આ નોટ વાંચી છે અને એ સાચી હોય તો પણ એના પરથી કાઢવામાં આવેલાં તારતમ્યો સાચાં નથી. આ નોટ તો સારાંશ છે.’

વડા પ્રધાન પાછા આવવા રવાના


યુનાઇટેડ નેશન્સની ૬૬મી સામાન્ય સભામાં હાજરી આપ્યા બાદ વડા પ્રધાન મનમોહન સિંહ ગઈ કાલે અમેરિકાથી ભારત આવવા માટે રવાના થઈ ગયા હતા. તેઓ આજે રાત્રે દિલ્હી પહોંચશે. ગઈ કાલે વડા પ્રધાનનો જન્મદિવસ હતો ત્યારે તેઓ પોતાના બર્થ-ડેના દિવસે વિદેશમાં હોય એવું બીજી વખત બન્યું હતું.

રાજાની મુસીબતો વધી શકે

સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)એ ગઈ કાલે 2જી સ્પેક્ટ્રમ કેસમાં ભૂતપૂર્વ ટેલિકૉમપ્રધાન એ. રાજા સહિત ૧૭ આરોપીઓ સામે નવા આરોપો મૂકવા માટે સ્પેશ્યલ ર્કોટ પાસે પરવાનગી માગી હતી. સીબીઆઇ એ. રાજા, તેમના મદદનીશ આર. કે. ચંડોલિયા અને ભૂતપૂર્વ ટેલિકૉમ સચિવ સિદ્ધાર્થ બેહુરા સામે ગુનાહિત વિશ્વાસભંગનો આરોપ મૂકવા માગે છે. ગુનાહિત વિશ્વાસભંગ (ક્રિમિનલ બ્રીચ ઑફ ટ્રસ્ટ)ના આરોપમાં ૧૦ વર્ષથી લઈને આજીવન કેદની સજા થઈ શકે છે. અત્યારે તેમની સામે જે આરોપો દાખલ કરવામાં આવ્યા છે એમાં તેમને વધુમાં વધુ ૭ વર્ષની સજા થઈ શકે છે. આ જોતાં જો ર્કોટ સીબીઆઇને મંજૂરી આપે તો એ. રાજા અને બીજા આરોપીઓની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.