સિંધુ જળ સંધિને લઈને ગભરાઈ ગયેલા પાકિસ્તાને વર્લ્ડ બૅન્ક ભણી દોટ મૂકી

29 September, 2016 07:23 AM IST  | 

સિંધુ જળ સંધિને લઈને ગભરાઈ ગયેલા પાકિસ્તાને વર્લ્ડ બૅન્ક ભણી દોટ મૂકી




સિંધુ જળ સંધિ પર ભારતે પોતાનું વલણ કડક કરતાં ગભરાયેલું પાકિસ્તાન વર્લ્ડ બૅન્કના શરણમાં ગયું છે. ભારત ૫૬ વર્ષ જૂની સિંધુ જળ સંધિ રદ કરશે એવી અટકળો વચ્ચે પાકિસ્તાનના કેટલાક ઉચ્ચ અધિકારીઓ વર્લ્ડ બૅન્કમાં પહોંચી ગયા હતા. બન્ને દેશ વચ્ચે ૧૯૬૦માં થયેલી આ સંધિમાં વર્લ્ડ બૅન્કે મધ્યસ્થની ભૂમિકા ભજવી હતી.

પાકિસ્તાનના ઍટર્ની જનરલ અશ્તર ઔસફ અલીના નેતૃત્વમાં પાકિસ્તાની સરકારનું એક પ્રતિનિધિમંડળ વૉશિંગ્ટનમાં આવેલા વર્લ્ડ બૅન્કના મુખ્યાલયમાં સિનિયર અધિકારીઓને મળ્યું હતું. આ મુલાકાતમાં પાકિસ્તાન દ્વારા હાલમાં કરવામાં આવેલી વિનંતી વિશે વાતચીત થઈ હતી. કહેવાય છે કે પાકિસ્તાન આ મુદ્દે આંતરરાષ્ટ્રીય અદાલતમાં પણ ગયું છે, પરંતુ આ વિશે વધુ માહિતી પ્રાપ્ત થઈ શકી નહોતી. સંધિના આર્ટિકલ ૯ અનુસાર વિવાદનો ઉકેલ વર્લ્ડ બૅન્કની કોર્ટ ઑફ આર્બિટ્રેશન કરશે.

સંધિ મુજબ કોર્ટ ઑફ આર્બિટ્રેશનની સ્થાપના કરવામાં વર્લ્ડ બૅન્કની મહત્વની ભૂમિકા છે. વર્લ્ડ બૅન્ક આ કોર્ટમાં ત્રણ જજિઝની નિમણૂકમાં મદદ કરશે. આ જજિઝને અમ્પાયર કહેવામાં આવે છે અને તેઓ બન્ને દેશો વચ્ચે મધ્યસ્થોની નિમણૂક કરે છે.

વર્લ્ડ બૅન્ક સાથે મુલાકાત કરનારા પાકિસ્તાની અધિકારીઓએ એ વાત પર જોર મૂક્યું હતું કે જજિઝની નિમણૂક તાત્કાલિક રીતે કરવામાં આવે. રિપોર્ટ અનુસાર વર્લ્ડ બૅન્કે સંધિ મુજબ યોગ્ય સમયે પોતાની જવાબદારી નિભાવવા અને નિષ્પક્ષ રહેવા માટે હૈયાધારણ આપી છે.

પાકિસ્તાની વડા પ્રધાનના સલાહકાર સરતાજ અઝીઝે કહ્યું હતું કે ભારત દ્વારા પાકિસ્તાનને મળતું પાણી રોકવાના પ્રયાસને ઍક્ટ ઑફ વૉર ગણવામાં આવશે.