આંદોલન રોકો, સુપ્રીમ કોર્ટને માન આપો:બાર કાઉન્સિલે કરી છે ખેડૂતોને અપીલ

14 January, 2021 02:57 PM IST  |  New Delhi | Agencies

આંદોલન રોકો, સુપ્રીમ કોર્ટને માન આપો:બાર કાઉન્સિલે કરી છે ખેડૂતોને અપીલ

સિંધુ બોર્ડર પર નવા કૃષિ કાયદાની કોપી બાળીને લોહરી મનાવતા ખેડૂતો. તસવીર : પી.ટી.આઈ

મોદી સરકારના નવા કૃષિ કાયદાનો સતત વિરોધ થઈ રહ્યો છે, જેના કારણે પંજાબ-હરિયાણાના ખેડૂત છેલ્લા દોઢ મહિનાથી દિલ્હી પાસેની અન્ય રાજ્યોની સીમાઓ પર ડેરો નાખીને બેઠા છે. પ્રદર્શન સ્થળ પર જ ખેડૂતોએ પોતાના રહેવા, ખાવા અને મનોરંજનની વ્યવસ્થા કરી લીધી છે. બુધવારે ખેડૂતોએ સિંધુ બૉર્ડર પર લોહરીનો તહેવાર મનાવ્યો. આ દરમિયાન તેમણે આગ પ્રગટાવીને એમાં તલ, ગોળની જગ્યાએ નવા કાયદાની કૉપીઓ નાખીને એને બાળી.
વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂત સંગઠનો સાથે ઘણા રાઉન્ડની વાતચીત કરી ચૂકી છે. ખેડૂતોએ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી કૃષિ કાયદો પાછો લેવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું પ્રદર્શન ચાલુ રહેશે. ત્યાર બાદ આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. કોર્ટે પણ આ મામલે એક સમિતિની રચના કરીને નવા કાયદાઓ પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી છે, પરંતુ ખેડૂતો હજી પણ માનતા નથી. તેમનું કહેવું છે કે નવા કાયદાઓ પાછા લીધા બાદ જ તેઓ પ્રદર્શન સ્થળેથી હટશે. દરમ્યાન બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા દ્વારા ખેડૂતોને સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન કરતાં આંદોલન સ્થગિત કરવા માટે વિનંતી કરી હતી. જોકે ખેડૂતો પોતાની જીદ પર અડગ છે.
આ દરમિયાન આખા દેશમાં બુધવારે લોહરીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. કૃષિપ્રધાન રાજ્ય હોવાના કારણે પંજાબ-હરિયાણામાં આ તહેવારનું વિશેષ મહત્ત્વ છે. જ્યારે ખેડૂતો લોહરી પર ઘરે ન જઈ શક્યા તો તેમણે પ્રદર્શન સ્થળ પર જ આગ પ્રગટાવી. આમ તો લોહરી પર આગમાં તલ, ગોળ, ચીકી, રેવડી અને મગફળી ધરાવવાનો રિવાજ છે, પરંતુ ખેડૂતોએ આમાં ત્રણે કૃષિ કાયદાની કૉપીઓને બાળી. વળી, ઠેર-ઠેર ખેડૂતો પૉપકૉર્ન અને તલના લાડુ પણ વહેંચી રહ્યા છે.

national news