જૂની નોટોનું સેટિંગ કરી આપતી બૅન્કોની ૫૦૦ બ્રાન્ચમાં વડા પ્રધાને સ્ટિંગ-ઑપરેશન કરાવ્યું?

13 December, 2016 03:50 AM IST  | 

જૂની નોટોનું સેટિંગ કરી આપતી બૅન્કોની ૫૦૦ બ્રાન્ચમાં વડા પ્રધાને સ્ટિંગ-ઑપરેશન કરાવ્યું?



એક ટીવી-ચૅનલના રિપોર્ટ મુજબ બૅન્કોમાં થઈ રહેલી નાણાંની હેરાફેરીના સમાચારો બાદ વડા પ્રધાને દેશની લગભગ ૫૦૦ બ્રાન્ચોમાં સ્ટિંગ-ઑપરેશન કરાવ્યું છે. વડા પ્રધાન પાસે આ સ્ટિંગ-ઑપરેશનની CD પહોંચી ગઈ છે. આ સ્ટિંગ-ઑપરેશનમાં સરકારી અને પ્રાઇવેટ ક્ષેત્ર બન્નેની બૅન્કો સામેલ છે.

આ CDમાં બૅન્ક-કર્મચારીઓ, દલાલો અને કાવતરાખોરોની સાઠગાંઠ દ્વારા જૂની નોટોને નવી નોટોમાં બદલવાના પુરાવાઓ સામેલ છે. ગુપ્તચર એજન્સીઓનાં સૂત્રોના જણાવ્યા મુજબ જો બૅન્કોમાં ગોટાળાઓ થયા ન હોત તો જનતાને નાણાં મેળવવામાં આટલી બધી તકલીફ પડી ન હોત. હવે આ ગોટાળાઓમાં સામેલ બૅન્કોના અધિકારીઓ વિરુદ્ધ સરકાર કાર્યવાહી કરવા વિચારી રહી છે. સરકારે કરેલા સ્ટિંગ-ઑપરેશનમાં મેટ્રો શહેરો ઉપરાંત નાનાં શહેરોની બૅન્કોની બ્રાન્ચો પણ સામેલ છે.

 સરકારે ઍક્શન લેવાની શરૂઆત પણ કરી દીધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ જૂની દિલ્હીના કાશ્મીરી ગેટમાં આવેલી ઍક્સિસ બૅન્કની બ્રાન્ચમાં કામ કરતા બે મૅનેજરની ધરપકડ કરી છે. EDનાં સૂત્રોએ દાવો કયોર્ છે કે આ બન્ને આરોપીઓએ ખુલાસો કયોર્ છે કે તેઓ રાજીવ સિંહ નામની વ્યક્તિની સૂચનાથી કાળું ધન સફેદ કરી રહ્યા હતા. EDના જણાવ્યા અનુસાર રાજીવ સિંહ ટૅક્સ-કન્સલ્ટન્ટ છે અને તેની લક્ષ્મીનગરમાં ઑફિસ છે. રાજીવ ટેક્સ-કન્સલ્ટન્ટના ઓઠા હેઠળ હવાલાનો વેપાર કરે છે. રાજીવે પાંચ શેલ કંપનીઓ રજિસ્ટર કરાવી છે. હાલમાં રાજીવ EDના સકંજાથી બહાર છે. રાજીવની શોધ થઈ રહી છે. રાજીવ સામે આરોપ છે કે તેણે ઘણા મોટા વેપારીઓને કાળાં નાણાં સફેદ કરવામાં અથવા સોનામાં ફેરવવામાં મદદ કરી છે.