મજૂરો પાસેથી ટ્રેન કે બસનું ભાડું ન લેતા, રાજ્યો ચૂકવે : સુપ્રીમ કોર્ટ

29 May, 2020 09:03 AM IST  |  Mumbai | Agencies

મજૂરો પાસેથી ટ્રેન કે બસનું ભાડું ન લેતા, રાજ્યો ચૂકવે : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ

પ્રવાસી મજૂરોના મુદ્દા પર આજે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વની સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું, મજૂરો પાસેથી ટ્રેન કે બસનું કોઈ પણ ભાડું ન લેવું જોઈએ. રાજ્ય સરકાર મજૂરોનું ભાડું ચૂકવશે અને તેમને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરશે. મજૂરોના સ્થળાંતર સંબંધિત મેટરમાં કોર્ટ વધુ સુનાવણી પાંચ જૂને કરશે.
સુપ્રીમ કોર્ટે તેના ફેંસલામાં કહ્યું, પ્રવાસી શ્રમિકો પાસેથી ટ્રેન કે બસનું ભાડું નહીં લેવામાં આવે. વિવિધ સ્થાન પર ફસાયેલા પ્રવાસી કામદારોને સંબંધિત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સ્થળો પર ભોજન ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત મજૂરોને ટ્રેન કે બસમાં બેસવાનો સમય પણ જણાવવામાં આવશે.
સુનાવણી દરમિયાન સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, કેટલીક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે જેને મીડિયામાં દર્શાવવામાં આવી છે. સરકાર પગલાં નથી લઈ રહી એવું નથી. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું, અમે એવું નથી કહી રહ્યા કે સરકારે કંઈ કર્યું નથી, પરંતુ જરૂરિયાતમંદો સુધી મદદ પહોંચી નથી રહી.

૯૧ લાખ મજૂરોને ૩૭૦૦ ટ્રેનો દ્વારા ઘરે પહોંચાડ્યા : સરકારનો જવાબ
કોરોના સંકટમાં લાખો પ્રવાસી મજૂરોને ભારે હાલાકી વેઠવી પડી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે સુનાવણી થઈ હતી જેમાં સરકારે મજૂરોની હાલની સ્થિતિ અંગે જાણકારી આપી હતી. સરકારે જે માહિતી આપી હતી એ પ્રમાણે અત્યાર સુધીમાં ૩૭૦૦ ટ્રેનો મજૂરો માટે દોડાવાઈ છે જેના થકી ૯૧ લાખ મજૂરોને ઘરે પહોંચાડાયા છે. ૮૪ લાખ મજૂરોને રેલવેમાં મફત ભોજન અપાયું છે.

ટ્રેનોથી જનારા મજૂરોમાં ૮૦ ટકા યુપી અને બિહારના રહેવાસી છે. માત્ર યુપી-બિહાર વચ્ચે જ ૩૫૦ ટ્રેનો દોડાવાઈ છે. જ્યાં સુધી તમામ મજૂરો ઘરે નહી પહોંચે ત્યાં સુધી ટ્રેનો દોડાવવાનું ચાલુ રહેશે.
સુપ્રીમ કોર્ટના સવાલના સંદર્ભમાં સરકારે જવાબ આપ્યો હતો કે કેટલીક જગ્યાએ રાજ્યો અને કેટલીક જગ્યાએ રેલવે દ્વારા ટિકિટનો ખર્ચ ભોગવવામાં આવી રહ્યો છે.
જોકે સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે મજૂરો પાસેથી પૈસા નથી લેવાતા એ વાતની ખાતરી કેવી રીતે થઈ શકે ત્યારે સરકાર વતી સૉલિસિટર જનરલે જવાબ આપવા માટે સમય માગ્યો હતો.

national news supreme court