SBI સહિત ફક્ત આ 4 બૅન્ક હશે સરકારી, સરકારની બૅન્કના ખાનગીકરણની દિશા

03 September, 2020 05:21 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

SBI સહિત ફક્ત આ 4 બૅન્ક હશે સરકારી, સરકારની બૅન્કના ખાનગીકરણની દિશા

પ્રતીકાત્મક તસવીર

બૅન્કિંગ સેક્ટર (Banking Sector)માં સરકાર ટૂંક સમયમાં જ ખાનગીકરણ (Privatization)ની દિશામાં ઝડપથી આગળ વધી શકે છે. નીતિ આયોગે બૅન્કના ખાનગીકરણના બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી લીધા છે. આયોગે કેન્દ્ર સરકારને 4 સરકારી બૅન્કો પર જ પોતાનું નિયંત્રણ રાખવાની સલાહ આપી છે. આ બૅન્કમાં ભારતીય સ્ટેટ બૅન્ક, પંજાબ નેશનલ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, અને કેનરા બૅન્ક સામેલ છે. આ સિવાય આયોગે ત્રણ નાની સરકારી બૅન્ક પંજાબ એન્ડ સિંધ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર અને યૂકો બૅન્કને પ્રાથમિક ધોરણે ખાનગીકરણ કરવાની સલાહ આપી છે. અન્ય સરકારી બૅન્ક (બૅન્ક ઑફ ઇન્ડિયા, યૂનિયન બૅન્ક, ઇન્ડિયન ઑવરસીઝ બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક અને ઇન્ડિયન બૅન્ક)નું સરકાર અન્ય ચાર બૅન્કમાં વિલય કરશે અથવા તેમાં પોતાની ભાગીદારી ઘટાડશે. આ બૅન્કમાં સરકાર પોતાની ભાગીદારીને 26 ટકા સુધી ઘટાડી શકે છે.

હકીકતે છેલ્લા કેટલાક દિવસોમાં ખાનગીકરણને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે સ્ટ્રેટેજિક અને નૉન સ્ટ્રેટેજિક સેક્ટર નક્કી કર્યા છે. આ પ્રમાણે બૅન્કિંગ પણ સ્ટ્રેટેજિક સેક્ટરમાં છે અને મોટાભાગે 4 સરકારી સંસ્થાઓને જ આમાં પરવાનગી આપી શકાય છે. એવામાં સ્પષ્ટપણે સરકાર 4 બૅન્ક જ પોતાની પાસે રાખશે. આ પ્રસ્તાવ ટૂંક સમયમાં જ કેબિનેટ સામે રજૂ કરવામાં આવી શકે છે. બૅન્કોના ખાનગીકરણને જરૂરી જણાવતાં એક સરકારી સૂત્રએ કહ્યું કે 31 ઑગસ્ટ સુધી લાગૂ પાડવામાં આવેલા મોરાટોરિયમ અને પછી 2 વર્ષ માટે ઋણ ચુકવ્યા બાદ બૅન્કોમાં મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટની જરૂર રહેશે.

સરકારી સૂત્રએ કહ્યું કે નબળી આર્થિક સ્થિતિ ધરાવનાર સરકારી બૅન્કના ખાનગીકરણથી સરકારને રાહત મળશે કારણકે તે બૅન્કોમાં સરકારે દરવર્ષે મૂડી રોકાણ કરવું પડે છે. જો કે, સરકાર ખાનગીકરણ પર ધીમે ધીમે આગળ વધવાનું પ્લાન કરી રહી છે, જેથી વધારેમાં વધારે રકમ મેળવી શકાય. 2015થી લઈને 2020 સુધી કેન્દ્ર સરકારે બૅડ લોનના સંકટથી ઘેરાયેલી સરકારી બૅન્કમાં 3.2 લાખ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કર્યું હતું. તેમ છતાં આ બૅન્કોનું માર્કેટ કેપિટલાઇઝેશન ઝડપથી ઘટ્યું. કોરોના કાળમાં તો આ સંકટ વધુ મજબૂત બન્યું છે.

અન્ય ક્ષેત્રોમાં પણ ખાનગીકરણને પ્રોત્સાહન
બૅન્કો સિવાય મોદી સરકાર અન્ય સેક્ટર્સમાં પણ ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહી છે. તેલ માર્કેટિંગ કંપની ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડના ખાનગીકરણ સિવાય સરકારે કોલસાના ક્ષેત્રમાં પણ ખાનગી કંપનીઓને પરવાનગી આપવા માટેની તૈયારી કરી છે. બૅન્કિંગ સેક્ટરની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષમાં વિલય અને ખાનગીકરણ દરમિયાન સરકારી બૅન્કોની સંખ્યા 27માંથી 12 પહોંચી છે, જે હવે 4 સુધી સીમિત કરવાની તૈયારી છે.

national news