મનોહર પર્રિકર સંરક્ષણપ્રધાન બની શકે

06 November, 2014 05:47 AM IST  | 

મનોહર પર્રિકર સંરક્ષણપ્રધાન બની શકે



વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જાય એ પહેલાં કેન્દ્રીય પ્રધાનમંડળના વિસ્તરણના સંકેતો મળી રહ્યા છે. કૅબિનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ થઈ શકે છે. આ વિસ્તરણમાં યુવા સંસદસભ્યોને પ્રધાન બનાવવામાં આવે એવી શક્યતા છે.

વડા પ્રધાન ૭ તથા ૮ નવેમ્બરે વારાણસી જવાના છે અને તેમનો ઑસ્ટ્રેલિયા પ્રવાસ ૧૫ નવેમ્બરથી શરૂ થવાનો છે ત્યારે ૯થી ૧૧ નવેમ્બર દરમ્યાન કેન્દ્રીય કૅબિનેટનું વિસ્તરણ હાથ ધરવામાં આવે એવી પ્રબળ સંભાવના છે.

પ્રધાનમંડળના આ વિસ્તરણમાં ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરને સંરક્ષણપ્રધાન બનાવવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ક્લીન ઇમેજ ધરાવતા પર્રિકરને સારા વહીવટકર્તા ગણવામાં આવે છે. એટલે મોદી તેમને સંરક્ષણ જેવું મહત્વનું મંત્રાલય સોંપવા ઇચ્છે છે.

કેન્દ્રીય પ્રધાનમંડળમાં કુલ ૧૦થી ૧૪ પ્રધાનોને ઉમેરવામાં આવશે. અત્યારે સ્વતંત્ર હવાલો સંભાળતા કેટલાક પ્રધાનોને તેમની પ્રગતિને આધારે કૅબિનેટ પ્રધાનનો દરજ્જો મળી શકે છે. એમાં પ્રકાશ જાવડેકર તથા નિર્મલા સીતારામન મોખરે છે.

આ ઉપરાંત જયંત સિંહા અને હેમરાજ આહિરને કેન્દ્રીય પ્રધાનપદું આપવાની વિચારણા પણ થઈ રહી છે. રાજસ્થાન જેવાં કેટલાંક રાજ્યોને કેન્દ્રીય પ્રધાનમંડળમાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી. એટલે કેટલાક રાજસ્થાની સંસદસભ્યોને પ્રધાનપદ મળી શકે છે.

નરેન્દ્ર મોદી અને અમિત શાહને મળ્યા પર્રિકર

ગોવાના ચીફ મિનિસ્ટર મનોહર પર્રિકર ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહને મળ્યા હતા. પર્રિકરને સંરક્ષણપ્રધાન બનાવવામાં આવશે એવા અહેવાલો વચ્ચે આ મુલાકાત યોજાઈ હતી. પર્રિકર કૅબિનેટ મીટિંગ કૅન્સલ કરીને અમિત શાહને મળવા દિલ્હી દોડી ગયા હતા. પક્ષના હરિયાણાના નેતા વીરેન્દ્ર સિંહ પણ અમિત શાહને ગઈ કાલે સાંજે મળ્યા હતા.

વડા પ્રધાનને મળ્યા બાદ પર્રિકરે પત્રકારોને જણાવ્યું હતું કે ‘અમે ગોવાના મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી. નરેન્દ્ર મોદીએ મારા કૅબિનેટમાં જોડાવા વિશે કંઈ કહ્યું નહોતું.’