24 December, 2018 03:58 PM IST | Kerala
કેરાલાના યુગલે છપાવી લગ્નની વિશિષ્ટ કંકોત્રી.
જો કોઈ સાયન્ટિસ્ટનાં લગ્ન થઈ રહ્યાં હોય તો તેની કંકોતરી કેવી હોય? કેરળના યુગલે એક અનોખી કંકોતરી બનાવી છે જેમાં કંકોતરી જોઈને જ ખબર પડી જાય છે કે આ પરણનાર યુગલ વિજ્ઞાનરસિક હોવું જોઈએ. કૉંગ્રેસના નેતા શશી થરૂરે આ કંકોતરીની તસવીર ટ્વિટર પર શૅર કરીને એની ક્રીએટિવિટીને બિરદાવી છે. વાત એમ છે કે સૂર્યા અને વિથુન નામનાં યુવક-યુવતીનાં લગ્ન થઈ રહ્યાં છે.
યુગલે પોતાના નામને પણ રાસાયણિક સંજ્ઞા આપી દીધી છે.
બન્નેએ પોતાના નામનો પહેલો અને છેલ્લો અક્ષર સમાવીને Sa અને Vn સંજ્ઞા દ્વારા પોતાને પરમાણુ ગણાવ્યા છે. મહેમાનોને આમંત્રિત કરતી નોટમાં તેમણે લખ્યું છે, ‘બે પરમાણુ વિથુન અને સૂર્યાએ પોતપોતાનાં માતા-પિતાની ઍક્ટિવેશન એનર્જીથી અણુ બનવાનો નિશ્ચય કર્યો છે.’
લગ્નની તારીખને રીઍક્શન-ડેટ કહી છે અને વૅન્યુ માટે લૅબોરેટરી શબ્દ વાપયોર્ છે. એટલું જ નહીં, તેમણે પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે ચાર ખૂણા ધરાવતો ડાયાગ્રામ બનાવ્યો છે. સાયન્સની આ કેમિસ્ટ્રીને લગ્નની કેમિસ્ટ્રી સાથે સાંકળવાની આ ક્રીએટિવિટીને સોશ્યલ મીડિયા પર અનેક લોકોની લાઇક્સ મળી રહી છે.